સૌ સબંધોનો તું સરવાળો ન કર,
આ બટકણી ડાળ છે માળો ન કર
ઉર્વીશ વસાવડા

અગનિ લાગિયો – પ્રજારામ રાવળ

રૂના રે ઢગલામાં અગનિ લાગિયો!
.            ઝાકળ ઝળતી રે ઝાળ,
.            ભરતો વાયુ વેગે ફાળ,
.            ઊડે સિંહની કેશવાળ;
રૂના રે ઢગલામાં અગનિ દાગિયો!

.            ઝાળે જાગે રોમેરોમ,
.            નવલા હોમાયે રે હોમ,
.            આ તે સૂરજ કે સોમ?
હૈયાનો હુતાશન ઝબકી જાગિયો !

.            કેસૂડાંની રેલે ક્યારી,
.            ઊડે ફાગણની પિચકારી,
.            પુલકી ઊઠે કાયા સારી!
ગુલાલે રંગાયે હો, વરણાગિયો!

.            આવ્યા ભલેરા હુતાશ
.            મારી સપનાંની આશ!
.            પ્રીતે લેજો ગ્રાસેગ્રાસ !
ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!

– પ્રજારામ રાવળ

નભથી તાપ નહીં લૂ વરસતી હોય, ખેતરોમાં આગ લાગી હોય એવામાંય પ્રેમી પ્રેમરંગે રંગાયા વિના રહી શકતાં નથી. રોમેરોમે ઝાળ જાગે છે અને હૈયું પણ પ્રેમાગ્નિમાં ભડભડ સળગી રહ્યું છે, પણ ફાગણની પિચકારી અને કેસૂડાની ક્યારી ભલભલી અગન ભૂલાવી દે એવાં છે. હોળીનો અગ્નિ સપનાંઓ ફળવાની આશા લઈને આવ્યો છે. મુખડા વિનાના ચાર બંધમાં પ્રકૃતિથી પ્રિયતમ સુધીની ક્રમિક ગતિ કેવી મજાની થઈ છે!

4 Comments »

  1. DILIPKUMAR CHAVDA said,

    May 23, 2024 @ 2:07 PM

    પ્રકૃતિ જાણે કે પ્રિયતમને આલિંગન આપતી હોય એવી મજાની કૃતિ, મજા આવી

  2. Dhruti Modi said,

    May 24, 2024 @ 2:17 AM

    પહેલા તો લાગ્યું કે જંગલમાં લાગતા દવની વાત છે પણ પછી આવી રંગ, ગુલાલની વાત આવી હોળી ધુળેટીની મઝા લઈને ગીત આવ્યું ! સરસ ! 👌👌

  3. લલિત ત્રિવેદી said,

    May 24, 2024 @ 8:00 PM

    અદ્ભુત

  4. Poonam said,

    May 27, 2024 @ 9:01 AM

    ઊગ્યો અતિથિ અંતરનો સોહાગિયો!
    – પ્રજારામ રાવળ 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment