તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ)
(છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્)

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનિ ઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ ની !

– બળવંતરાય ક. ઠાકોર

અર્વાચીન ગુજરાતી કવિતામાં યુરોપથી આવેલ એકમાત્ર કાવ્યપ્રકાર એટલે સૉનેટ. 13મી સદીમાં ઈટાલીમાં જન્મીને 16મી સદીમાં અંગ્રેજીના વાઘાં પહેર્યા બાદ આ કાવ્ય-પ્રકાર 19મી સદીના અંતભાગમાં આવ્યું ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1888ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ એ આપણી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ મનાય છે. સર્વપ્રથમ હોવા છતાં આ સૉનેટ ક્યાંયથી ઊણું ઉતરતું ભાસતું નથી એ પ્રથમ પ્રયત્ને જ કોઈ સાહસવીર એવરેસ્ટ આંબી લે એવી વિરલ સિદ્ધિ છે.

નર્મદા નદીના શાંત સૂતેલા જળ – સ્તનયુગ્મની જેમ- ઊંચાનીચા થાય છે અને સ્તન પરનો તલ પણ છાતીની સાથે જેમ પડે-ઊપડે એમ કવિની નાવ પણ ધીમીધીમી હાલકડોલક થાય છે. દૂર કિનારે ધુમ્મસમાં હજી વૃક્ષો ઊંઘી રહ્યા છે અને સ્વપનમાં જેમ સુંદરી મીઠું મલકે એમ નર્મદા શોભી રહી છે. માથે ઊગેલી ચાંદની નજરે પડી જાય તો સૂતેલી આ સૃષ્ટિ જાગી જાય એનો ડર ન હોય એમ ચાંદની પણ તારા-નક્ષત્રોના ફૂલોની ચાદરમાં જાણે છુપાઈ રહી છે. અને સૌંદર્યઘેલો થઈ બીડાતા કમળના ફૂલમાં બંધાઈ ગયેલો ભમરો જેમ નાજુક પગલે ડોલે એમ આ પવન ધીમો-ધીમો વાઈ રહ્યો છે.

ષટક્ (છેલ્લી છ પંક્તિના બંધ)માં કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે. હોડીમાં સૂતા સૂતા કવિ અનાયાસ સ્ફુરેલા છંદો બોલે છે જાણે કે આ ડોલતી ગતિ પર બીનના તાર મંદ-મંદ સજાવી રહ્યા છે. સૃષ્ટિના આ પ્રસ્ફુટ અપાર સૌંદર્યમાં આળોટતી વેળાએ આ ભણકારા શેના થાય છે? પ્રકૃતિના હૈયામાંથી જાણે રજનિ સરતી હોય, કે નર્મદાના વ્હેણમાંથી કોઈ અગમ વાણી ફૂટતી હોય, ચાંદની રાતે આકાશગંગામાંથી જાણે ચાંદીની રજ સરી રહી હોય કે ફીણમાંથી કોઈ વાદળ બંધાઈ રહ્યું હોય એવી રીતે પુષ્પની પાંદડીઓ પર રાત્રિના આ છેલ્લા પ્રહરમાં શુદ્ધ હિમમોતી સમા ઝાકળના ટીપાં સરી રહ્યા છે ત્યારે કવિના અંતરમાં છાનીછપની કંઈક એવી જ ભીની-ભીની બાની નીતરી અર્હી છે, નીંગળી રહી છે… કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર કવિએ પોતાને ઉદ્દેશીને અહીં આપ્યો છે. (‘સેહ્ ની’ એ કવિનું પોતાનું તખલ્લુસ છે, જેનો 1890 પછીથી એમણે ત્યાગ કરી દીધો હતો.)

(દ્રુમો=વૃક્ષો, સુહાવે=શોભે, વારિ=પાણી, નિજ=પોતાનું, કાંતિ=તેજ, જ્યોત્સ્ના=ચાંદની, અલિ=ભમરો, પદે=પગલે, લવું=લવારા કરવા, સ્વર્ગંગા=આકાશગંગા, રજત=ચાંદી, ફેન=ફીણ, વિમલ=શુદ્ધ)

9 Comments »

  1. vijay shah said,

    September 21, 2007 @ 9:04 AM

    વાહ! મઝા આવી ગઇ
    1967ના સમય માં મારા ગુજરાતીનાં શિક્ષક મુ. વિષ્ણુપ્રસાદ પંડ્યા સાહેબેને સાંભળતો હોઉ તેવુ સુંદર રસ દર્શન્.
    જાણે કબીર વડ નજીક નર્મદાને તીરે ઉભો હોઉ અને તેવો જ અનુભવ થતો હોય!

    આભાર ધવલભાઇ / વિવેક્ભાઇ

  2. pragnaju said,

    September 21, 2007 @ 9:42 AM

    સેહની, બ.ક.ઠા. નો જન્મ ૨૩ ઓક્ટોબર,૧૮૬૯માં, ભરુચમાં અને અવસાન ૨-જાન્યુઆરી , ૧૯૫૨માં-મુંબાઇમાં! તેથી સૌ પ્રથમ તેમના પરિચયનાં હકીકત દોષ પર ધ્યાન દોરું-
    “ગુજરાતી કવિતામાં. ઈ.સ. 1988ની સાલમાં બ.ક.ઠાકોરે લખેલું આ સૉનેટ”માં તથા “જેનો 1990 પછીથી એમણે ત્યાગ કરી દીધો હતો’ માં સાલના સુધારાની જરુર છે.
    તેઓ પોચટ અને આંસુ સારતી કવિતા સામે વિરોધ; ગુજરાતી કવિતાને લાગણીવેડા અને શબ્દાળુતાના માર્ગેથી પાછી વાળી ઉર્મિ અને બુધ્ધિનો સમન્વય થાય એવા સોનેટના સ્વરૂપને ગુજરાતીમાં સ્થાન આપ્યું ! તેઓ પૃથ્વી છંદના અને ભાષા શુધ્ધિના ખાસ હિમાયતી હતા.
    મારા પતિ ૧૯૩૯માં સૂરતમાં, હંમણા સબ-જેલ છે ત્યાં દારુનુ ફડ હતું ,ત્યાં રહેતા ત્યારૅ બળવંતરાય ઠાકોરની હુરટી તાંગાવાલા સાથે અશુધ્ધ ભાષાને લીધે રકઝક સાહીત્ય જગતનો ચર્ચાનો વિષય હતો!
    મંદમંદઆક્રન્દ કરતા મંદાક્રાંતાના “ભણકારા” ના ભણકારા જીવનભર વાગ્યા કરે છે.

  3. વિવેક said,

    September 21, 2007 @ 10:01 AM

    આભાર, મિત્ર ! … 1888 અને 1890ની જગ્યાએ 1988 અને 1990 ભૂલથી લખી દેવાયું…

  4. Bhavna Shukla said,

    September 21, 2007 @ 10:20 AM

    જે ભાષાને પોતાની ગણી વર્ષો સુધી મસ્ત તેમા રમમાણ રહ્યા તેનુ તલસ્પર્શી ગ્યાન કેટલુ અધુરુ હતું તે આવા કાવ્યો થી સાબિત થાય છે. આભાર વિવેકભાઈ. ઘણીવાર આવા કાવ્યો અને તેની મુક્ત ચર્ચા જીવનની નવી દિશા ખોલી આપે છે. આજે તો આનો આભાર નહિ રૂણ માનવુ રહ્યું.

  5. Urmi said,

    September 21, 2007 @ 8:05 PM

    વિવેક આસ્વાદ કરાવ્યો તે સારું થયું… નહીંતર થોડું થોડું તો ઉપરથી જતું રે’ત…!!

    સુંદર માહિતી બદલ આભાર!

  6. Pranav said,

    September 22, 2007 @ 2:29 AM

    બ.ક.ઠા. સુધી પહોંચવાના, સેતુ….ગુરુ, ની ભુમિકા નિભાવી છે તમે…..નહીંતર ઘણાના હાલ ઊર્મિ જેવા ..અને એનાથી ખરાબ..મારા જેવા…થાત.
    સ્કૂલ ના “માસ્તરે” સૉનેટ કેવી રીતે ભણાવેલા તે યાદ કરવાની કોશીષ કરી…સારુ થયુ…નિષ્ફળ ગઈ.

  7. પંચમ શુક્લ said,

    June 21, 2009 @ 5:58 PM

    આ સોનેટ વિશે શું કહેવું ? અદ્ભૂત!

  8. લયસ્તરો » મારા ઉરે કોઈ અબૂઝ વેદના - હરિશ્ચંદ્ર ભટ્ટ said,

    June 23, 2009 @ 6:00 AM

    […] ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું […]

  9. લયસ્તરો » નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા – ઉમાશંકર જોશી said,

    June 27, 2019 @ 5:51 AM

    […] […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment