સુખદુઃખ–૧ – બળવન્તરાય ઠાકોર
‘મુબારક હજો નવૂં વરસ!’ ‘સાલ આ બેસતી
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે,
હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે,
ઘડીક વળિ ગોઠડી કરિ રહું કૃતક ઉમળકે.
પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે,
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહુ ધૂણતું મસ્તકે.
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે,
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.
સદા હલત તોય ઇંચ નવ હીંચકો ચાલતો,
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો.
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શૂં થતૂં,
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફયે જતૂં;
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં. .
– બળવન્તરાય ઠાકોર
કવિની સૉનેટમાળાનો આ પ્રથમ મણકો. એ સમયે છંદ આધારિત જોડણી કરવાનું ચલણ હોવાથી એ જ જોડણી અહીં પણ કાયમ રાખી છે. બીજું, સૉનેટની પરંપરિત સ્વરૂપવિધાને કોરાણે મૂકીને કવિએ 5-4-5 એવી વિશિષ્ટ પંક્તિ પ્રયોજના અને યુગ્મ-યુગ્મ-ત્રિક / યુગ્મ-યુગ્મ-ત્રિક એવી પ્રાસવ્યવસ્થા સ્વીકારી છે. આટલી ટિપ્પણી સાથે કવિતા તરફ વળીએ.
નવા વરસના દિવસે લોકો એકબીજાને મળે અને રુઢ થઈ ગયેલ પોપટિયાં શુભવચનો એકબીજાને પાઠવે એની નિરર્થકતા પર આ રચના તીવ્ર કટાક્ષ કરે છે. મુબારકથી રચનાની શરૂઆત થાય છે, પણ આગળ જતાં સમજાય છે કે અહીં કશું જ મુબારક નથી. લોકાચાર જાળવવા ખાતર પઠવાતી શુભેચ્છાઓનો મારો નાયક પણ સ્મિતસહિત સહે છે અને વિનયપૂર્વક ઉત્તર પણ વાળે છે. થોડી વાર કૃત્રિમ ઉમળકો દાખવી પરસ્પર ગોઠડી પણ તેઓ કરે છે.
પણ પછી નાયક જ્યારે એકલો પડી ચિરૂટ પીતા પીતા હિંચકે છે, ત્યારે એ ચિરૂટના ધુમાડાના ગોટાની ભેગાભેગો વિચારગોટે ચડે છે. હીંચકો જે રીતે આગળ-પાછળ ગતિ કરે છે, એ જ રીતે નાયકના માથા પર મંડરાતો ધુમાડો અને મગજમાં ચાલતા વિચારો પણ આગળ-પાછળ ગતિ કરી રહ્યા છે. પણ આ ગતિ હીંચકા જેવી છે. સતત ચાલતો હોવા છતાં હીંચકો જ્યાંનો ત્યાં જ રહે છે, ચિરૂટ બળે છે પણ ધુમાડો ત્યાંને ત્યાં જ વમળાયે રાખે છે. કવિ નવતર પ્રતીકયુગ્મ સાથે પોતાના મગજને સરખાવતાં કહે છે કે મગજ પણ હીંચકા જેવું જ ચલાયમાન છે અને ચિરૂટની જેમ જ ભીતરથી સળગતું રહે છે. વિચારો ગતિમાન હોવા છતાં મગજ ત્યાંનું ત્યાં જ રહે છે અને દંભી સમાજવ્યવહારને લઈને સતત બળતું રહે છે. સ્થિર-ગતિમાન હીંચકા અને સળગતી ચિરૂટ સાથે સરખામણી કર્યા બાદ કવિને મગજ માટે નવું જ રૂપક સૂઝે છે- કૂતરો! ખુલ્લી આંખે ઊંઘવા બરાબર અવસ્થામાં રસ્તામાં પડ્યા પડ્યા હાંક્યા કરતા કૂતરા સાથે કવિ મગજને સરખાવે છે. નથી એ આરામ કરતું, નથી કશું જોઈ શકતું.
કાવ્યારંભે નવા વરસના આગમનની શુભેચ્છાના કારણે જે પ્રસન્નકર વાતાવરણ રચાયું હતું એની પોકળતા અને દંભ કાવ્યાંતે આવતાં સુધીમાં ઉજાગર થઈ જાય છે.
(કીરતી-કિર્તી; સૃત- માર્ગ, જવું તે; સેલતો –સેલવું, હીંચકા ખાવા; જળંત- સળગતું; શુનક-શ્વાન)