પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

પ્રેમની ઉષા – બળવંતરાય ક. ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’
ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
– ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
‘દ્હાડે યે શું ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
‘એ તો આવ્યો કુજન કુમળું આ મિઠું શ્રોત્ર ભરવા.’
‘એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’
‘તો યે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયૂં : પાયાં જિગર જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં.

– બળવંતરાય ક. ઠાકોર

ઉષા એટલે દિવસની શરૂઆત, રાત અને દિવસનો સંધિ:કાળ જેમાં ચંદ્ર આથમી ગયો હોય અને સૂર્ય હજી આવ્યો ન હોય… પ્રેમની આવી એકાંત પળોની ગુલાબી વાતો લઈ આવેલું આ સૉનેટ જેણે જીવનમાં ક્યારેક પણ પ્રેમ કર્યો હોય એવી દરેક વ્યક્તિને સ્પર્શી જશે.

પ્રેયસી સાજ સજતી હોય એવી વેળાએ અરીસામાં પોતાનું બિંબ નજરે ન ચડે એ રીતે વાંકો વળીને પ્રિયતમ દિનદહાડે ઘરમાં ઘુસી આવીને જાણે સીધો ચિત્તમાં જ ન ગરી જવા માંગતો હોય એમ વલ્લીવાયુનીરમતમસ્તીથી આલિંગનબદ્ધ કરી લે છે. કવિની કરામત કંપી-ડોલી-લચી-વિખરી એમ એક જ કતારમાં આવતા ચાર ક્રિયાપદોની ગતિ અને એ સાથે ઓળવા ધારેલ વાળ છૂટાં પડીને ખભે વિખેરાઈ જાય છે એ શબ્દચિત્ર ખડું કરવામાં સિદ્ધ થાય છે.

પ્રિયતમા ‘ધોળે દહાડે આ શું કરવા મંડી પડ્યા છે’નો નખરો કરે અને પ્રિયતમ ઘરે આવવા બદલ જાતજાતના બહાના બતાવે ત્યારે એમ પ્રતીત થાય કે આ જ પ્રેમની ખરી ઉષા છે.

3 Comments »

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 8, 2011 @ 9:19 AM

    આજની પેઢીની બોલતી બંધ કરી દે એવું બળવાન સૉનેટ.

  2. neerja said,

    September 8, 2011 @ 9:41 AM

    the poem was little difficult to understand at a glance. . but after reading the explaination when i read the poem again, found it simply beautiful. .

  3. Dhruti Modi said,

    September 8, 2011 @ 3:12 PM

    વાહ્! અદ્ભુત!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment