બધું ભૂલી જવું છે દોસ્ત! પણ સમય તો લાગશે!
ઉતારી દેવો છે આ બોજ પણ સમય તો લાગશે!
- વિવેક મનહર ટેલર

અનિલ વિશેષ : ૦૨ : ઊર્મિકાવ્ય – પ્રથમ કાવ્ય (ગરિયો)

(મિશ્ર)

કેવો ગુમાને ગરિયો ચડ્યો છે
આ ભોંય પાડી કમનીય રેખા
ઊભી છ કાયા મુજની પ્રશાંત
બાકી ફરે છે મુજ પાસ માયા
એવું વિચારે—ના જાણતો એ
વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો!

– અનિલ જોશી
(પ્રથમ કવિતા, કુમાર ૧૯૬૨)

કવિના સમગ્ર કાવ્યોને આવરી લેતા સંગ્રહ ‘સાગમટે’માં પ્રસ્તુત ઊર્મિકાવ્ય સાથે એ પ્રથમ કવિતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. લયસ્તરો પર ‘અનિલ-વિશેષ’ના શ્રીગણેશ એનાથી જ કરીએ. પાછળથી આધુનિક ગુજરાતી ગીતોનો બુલંદ અવાજ બનનાર કવિએ પ્રારંભ સંસ્કૃત વૃત્તથી કરી હતી એ હકીકત પણ નોંધવા જેવી. આજની પેઢીને તો ગરિયો એટલે ભમરડો એય સમજાવવું પડે અને કદાચ હવે તો ભમરડો કોને કહેવાય એય કહેવું પડે એવા દિવસો હવે દૂર નથી. ભમરડો ભોંય પર કમનીય રેખાઓ પાડી રહ્યો છે, મતલબ આ દૃશ્ય શહેરનું નથી… શહેરની સિમેન્ટ અથવા ડામરાચ્છાદિત જમીન પર તો રેખાઓ પડવાથી રહી! ભમરડો ગતિએ ચડ્યો છે એમ કહેવાના બદલે ગુમાને ચડ્યો છે એમ કહી કવિએ કાવ્યારંભ કર્યો છે, અર્થાત્ ભમરડાનું અભિમાન અહીં કેન્દ્રસ્થાને છે. એક જગ્યાએ શાંત ઊભા રહી ભોંય પર રેખાઓ ખેંચતા ભમરડાને લાગે છે કે માયા જેવી પણ માયા પણ એની કાયાની આસપાસ ફૂદરડી ફરે છે, પણ હકીકત એ છે કે કોઈએ દોરીથી વીંટાળ્યા બાદ એને ફગાવ્યો હોવાથી એ ફરી રહ્યો છે. આપણે સહુને પણ ઈશ્વરે પોતાની દોરીથી બાંધ્યા બાદ ઇહલોકમાં ફંગોળ્યા છે. આપણું આ સંસારમાં જે કંઈ પરિભ્રમણ છે, એ બધું પરમેશ્વરની આંગળીઓના ઈશારે જ હોવા છતાં આપણે સહુ મિથ્યાભિમાનમાં જ સદૈવ રાચતા રહીએ છીએ…. કેવી સરસ ગાગરમાં સાગર જેવી રચના!

10 Comments »

  1. અનિલ કુમાર નંદકિશોર ભાવસાર said,

    March 21, 2025 @ 1:01 PM

    ભાષા ગુજરાતી
    પરિચય ગુજરાતી
    સંસ્કૃતિ ગુજરાતી
    સવિશેષ ગુજરાતી….

    અનિલ ભાવસાર “અજ્ઞાની”

  2. મયંક said,

    March 21, 2025 @ 1:05 PM

    અદ્ ભુત કલ્પના . . . અને એથી આગળ . . .એણે ચિતરેલ કમનીય રેખાઓ વચ્ચે ગતિશૂન્ય પડેલો ભમરડો . . વર્તુળ પૂરુ.

  3. DILIPKUMAR CHAVDA said,

    March 21, 2025 @ 1:32 PM

    માત્ર ભમરડો ફરાવાની વાતને આટલી સાહિત્યિક ઊંચાઈએ લઈ જય કવિએ અદભુત કલ્પન સર્જ્યું છે.

    આસ્વાદથી ઘણી સારી રીતે સમજાય આભાર સર

  4. Aasifkhan Pathan said,

    March 21, 2025 @ 2:02 PM

    વાહ

  5. જયેશ ભટ્ટ said,

    March 21, 2025 @ 9:07 PM

    વાહ

  6. Ramesh Maru said,

    March 22, 2025 @ 8:10 AM

    વાહ…

  7. Varij Luhar said,

    March 22, 2025 @ 1:29 PM

    વાહ..

  8. Chetna Bhatt said,

    March 22, 2025 @ 4:30 PM

    Wah..!!

  9. પીયૂષ ભટ્ટ said,

    March 25, 2025 @ 12:05 AM

    ગરિયો કે ભમરડો, બાળપણની ઘેરી યાદ અપાવે. દોરીથી બાંધી જે હાથેથી ફેંકીએ એ જ હથેળીમાં ઝીલીને ઘૂમીને હાથમાં ગલગલીયા ની મોજ માણતાં બાજુમાં ન કરી શકતા ભાઇબંધ પર ગર્વથી નિહાળવાની મજા મેં પણ માણી છે. પણ એ જ પ્રતીકથી અહીં કવિશ્રી એ સઘનતા પૂર્વક એ ગર્વ ના જાણે પડળ ઉતાર્યા છે
    સૂક્ષ્મતાથી વિવેકભાઇ એ કાવ્યને ખોલી આપી વિચારતા કરી મૂક્યા. કવિશ્રીની શબ્દ ચેતનાને સલામ સહ વંદન.

  10. Daxa said,

    March 27, 2025 @ 3:13 PM

    વાહ નવા જ પ્રતિક સાથે સરસ અભિવ્યક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment