શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
અનિલ ચાવડા

(ઇશારે ચડી ગયા) – હરીશ ઠક્કર

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

– હરીશ ઠક્કર

લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…

રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.

21 Comments »

  1. preetam lakhlani said,

    June 2, 2022 @ 11:48 AM

    ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
    એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

    – હરીશ ઠક્કર…. આ શેર ગમતાનો ગુલાલ્…

  2. નેહા said,

    June 2, 2022 @ 12:09 PM

    ખૂબ મજાની કૃતિ.. સુંદર કલ્પનો સાથે રુઢિપ્રયોગોનો વિનિયોગ
    કૃતિને એક ઉંચાઈએ લઈ જાય છે.. અભિનંદન હરીશ ઠક્કરભાઈ..

  3. જય કાંટવાલા said,

    June 2, 2022 @ 12:17 PM

    Waah waah

  4. લવ સિંહા said,

    June 2, 2022 @ 12:20 PM

    વાહ

  5. Shah Raxa said,

    June 2, 2022 @ 12:20 PM

    વાહ. વાહ..વાહ..ખૂબ સરસ

  6. Harihar Shukla said,

    June 2, 2022 @ 12:23 PM

    નકરી મોજ 👌💐

  7. DILIPKUMAR CHAVDA said,

    June 2, 2022 @ 12:29 PM

    વાહ વાહ વાહ વાહ…….
    શું ગઝલ છે..
    આમ શિરાની જેમ ઊતરી જાય એવી ઘણી ઓછી ગઝલો માની એક અદ્ભુત ગઝલ..

  8. Aasifkhan aasir said,

    June 2, 2022 @ 12:39 PM

    Vaah harishbhai vaah

  9. રિયાઝ લાંગડા(મહુવા). said,

    June 2, 2022 @ 1:35 PM

    વાહ….ખૂબ સરસ👌👌

  10. Varij Luhar said,

    June 2, 2022 @ 1:46 PM

    કવિશ્રી હરીશ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન તેઓના બીજા સંગ્રહને આવકાર
    શુભકામનાઓ 💐

  11. મયૂર કોલડિયા said,

    June 2, 2022 @ 3:16 PM

    શબ્દને રમત રમાડે શેરિયત નીપજાવી શકે એવા નક્કર કવિ ડૉ. હરીશ ઠક્કરની ટક્કર દેતી ગઝલ….

  12. Yogesh Gadhavi said,

    June 2, 2022 @ 9:57 PM

    વાહ ખૂબ સુન્દર રચના…

  13. pragnajuvyas said,

    June 3, 2022 @ 1:15 AM

    કવિશ્ર ડો. હરીશ ઠક્કર ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત
    ઇશારે ચડી ગયા મજાની ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ મજાનો આસ્વાદ
    અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
    એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
    અદભુત મત્લાના વિચાર વમળે ભજનના સુર ગુંજવા લાગ્યા…
    કુદરત દે છે ઇશારો જગમાં સહુને, સમજુ એ જલદી સમજી જાય
    કોઈ એને અણસાર ગણે, કોઈ એને પ્રેરણા કહી જાય
    કોઈ એને ભાવિદર્શન કહે, કોઈ ભવિષ્યવાણી કહી જાય
    ઘેરાતાં મુશ્કેલીમાં અંધકારે, તેજ સૂચન એ તો દઈ જાય
    સમજે, વર્તે, ઇશારે એના, મૂંઝવણે માર્ગ તો મળી જાય
    યાદ કરતા, યાદ આવે, મળ્યા ઇશારા તો જીવનમાં ઘણાં
    વર્ત્યા જ્યારે જ્યારે એ આધારે, મારગ સરળ બની જાય
    અહં, અભિમાને, લોભ લાલચે, અટકાવ્યા દ્વાર એના સદાય
    ત્યજ્યા જ્યાં એ આવરણો, મળ્યો એને તો ત્યાં પ્રકાશ
    તેજપૂંજ સદા તેજ ફેંકે, ઝીલવો ના ઝીલવો છે આપણે હાથ
    ભેદભાવ વિના એ મારગ ચીંધે, ચાલવું છે આપણે હાથ
    અને જાણીતા ગીતના બોલ યાદ આવ્યા
    નિસ દિન સપનો મે દેખા કરતા હૂઁ
    નૈના કજરારે મતવારે યે ઇશારે
    ખાલી દરપન થા યે મન મેરા
    રચ ગયા રૂપ ઇસ મે તેરા
    અને એક ગીતનુ મુખડું–
    ઇશારે તેરે, ઇશારે તેરે હી કર દિયા,
    ઇશારે તેરે કરતી નહીં, ઇશારે તેરે કરતી, ઇશારે તેરે કરકે.

  14. જયેન્દ્ર ઠાકર said,

    June 3, 2022 @ 8:22 AM

    આવી જ ગઝલોનો જો ઇશારો થતો રહે તો ઘણા કવિતાને રવાડે ચડી જાય!

  15. Poonam said,

    June 3, 2022 @ 10:57 AM

    પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
    અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…
    – હરીશ ઠક્કર – Waah !
    Aaswad 👌🏻

  16. હરીશ દાસાણી.મુંબઈ said,

    June 3, 2022 @ 11:22 AM

    સરસ
    .સરળ.
    સોંસરી.
    સર્વાંગ સુંદર ગઝલ માટે હરીશભાઇ ઠક્કર તથા આસ્વાદલેખ માટે વિવેક ભાઇ ને અભિનંદન.

  17. કમલેશ શુક્લ said,

    June 3, 2022 @ 11:33 AM

    સાદ્યંત સુંદર ગઝલ.
    નવા ગઝલ સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન 🌹

  18. Baarin Dixit said,

    June 3, 2022 @ 4:58 PM

    ખુબ સરસ ગઝલ.
    અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા
    ને
    વિચારે ચડી ગયા વાળા શેર સરસ છે.

  19. Vineschandra Chhotai 🕉 said,

    June 5, 2022 @ 4:18 PM

    બહુજ સરસ વાતો
    કવિ વિશાળ પરિચય
    કરવી જીંદગી ઉપર
    છોડી ગયો આભાર

  20. Lata Hirani said,

    June 9, 2022 @ 2:10 PM

    વાહ કવિ !

  21. Dr Harish Thakkar said,

    July 6, 2022 @ 10:07 AM

    ડો.વિવેકભાઇનો તથા પ્રતિસાદ આપનાર સૌ મિત્રો નો આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment