વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.
મનહરલાલ ચોક્સી

ફૉબીઅસ ગઝલ – નયન દેસાઈ

ઘર હાંફે છે, ઘર હાંફે છે, ઘર હાંફે છે ચટ્ટક લાલ
ઉમ્બર ચત્તોપાટ પડેલો ખીંટી પર માણસની ખાલ,

બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
ધડધડ વહેતા પડછાયાનાં મોજાંઓ ઊછળે વિકરાળ,

હાથોની ડાળી પર સુક્કાં પર્ણોનો ખખડાટ થયો,
પક્ષી છાતી પર બેઠું કે ટચટચ ટોચ્યાની ઘટમાળ?

આંખોના પાતાળકૂવામાં સૂરજનો પથ્થર ભચ્ચાક્
ઝાંખા પાંખા આકારો નીકળ્યા ઓઢી સ્વપ્નોની છાલ,

ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,
રસ્તા પર સળગેલાં વૃક્ષો ને કિકિયારી, તૂટતી ડાળ.

– નયન દેસાઈ

કવિતામાં અર્થાનુભૂતિથી વિશેષ મહત્ત્વની ચીજ છે ભાવાનુભૂતિ. કોઈક વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને લઈને કવિએ જે સંવેદન અનુભવ્યું હોય એ ભાવક સુધી યથાતથ પહોંચાડી શકે એ સાચી કવિતા… ‘ફોબિયા’ (Phobia) એટલે ભય; મનના ગહન સ્તરે વસેલી ભીતિ. આ છે ફૉબીઅસ ગઝલ. કવિએ જે પ્રતીકો અને દૃશ્યો ગૂંથ્યા છે, તે ભયગ્રસ્ત માનસની આંતરિક સ્થિતિને યથોચિત પ્રતિબિંબિત કરતા જણાય છે ને?

મત્લા જુઓ. પદાવલિની ત્રિરુક્તિની મદદથી ઘરના હાંફવાની ક્રિયા કેવી તાદૃશ કરી દેખાડી છે! માણસ જે રીતે હાં…હાં…હાં… કરતો હાંફતો હોય, અદ્દલ એ જ રીતે અહીં ત્રિરુક્તિના કારણે ઘરનું હાંફવું આપણે સુસ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ. ઘર એટલે આમ તો સુરક્ષાનું પ્રતીક. પણ એ હાંફે છે. કારણ? તો કે એ ચટ્ટક લાલ (લાલચટ્ટક) છે…. કોઈક કારણોસર રક્તરંજિત થયું છે. કારણ? તો કે ઉમ્બર ચટ્ટોપાટ પડેલો છે. (ઉંબરો તો આમેય નીચે જ હોય ને! પણ કવિ એને ચટ્ટોપાટ પડેલો કહે છે, ત્યારે કોલારિજ યાદ આવે: willingful suspension fo disbelief, કારણ આપણને ઉમ્બર સાચે જ ચટ્ટોપાટ પડેલો દેખાય છે. ઉમ્બર ચત્તોપાટ પડ્યો છે. કારણ? તો કે માણસની ખાલ ખીંટી પર લટકી રહી છે… માણસ એની ચામડીમાંથી નીકળી ગયો છે. માણસાઈની હત્યા થઈ છે એટલે લોહીથી રંગાયેલું ઘર હાંફી રહ્યું છે. ઘરમાં જે છે એ તો કેવળ માણસની ત્વચા જ છે…

પ્રસ્તુત ગઝલ પણ ભયગ્રસ્ત ચેતનાનું પ્રાથમિક સ્તરે સંદિગ્ધ પણ સરવાળે દૃશ્યમય ચિત્રણ છે. સામાન્ય વસ્તુઓ (ઘર, બારી, હાથ, સૂરજ) ભયજનક રૂપ ધારણ કરે છે. દૃશ્યોમાં તર્કસંગતતા કરતાં માનસિક આતંક અને અસંગતતા વધુ છે. ભાષા, પ્રતીકો અને ધ્વનિપ્રયોગો ભય અને ગભરાટનો માહોલ જન્માવવામાં કવિ સફળ થયા છે.

6 Comments »

  1. અસ્મિતા શાહ said,

    March 7, 2026 @ 12:49 PM

    કોઈ વ્યક્તિ આટલી તીવ્ર સંવેદના અનુભવી એને કાગળ ઉપર ઉતારી શકે? કેટલો ઘવાયો હશે વ્યક્તિ. કવિતા મા ધ્વનિ પ્રયોગો કાબીલે તારીફ .

  2. Yogesh Samani said,

    March 7, 2026 @ 1:43 PM

    સરસ ગઝલ 👌
    કાફિયા દોષ છે.

  3. Lalit Trivedi said,

    March 7, 2026 @ 9:18 PM

    વંદન

  4. Kishor Ahya said,

    March 7, 2026 @ 10:00 PM

    વિશ્વમાં પચરંગી પ્રજા અને વિવિધ પ્રકારના રિવાજો અને ધર્મ પાળતા લોકો વસે છે. સામાન્ય રીતે લોકો સમજદારી રાખી એક બીજાની કોઈ બાબતો પરના વિચારો એક બીજા પર થોપતા નથી પણ કેટલીક વાર કેટલાક લોકો પોતાનો નિહિત સ્વાર્થ સાધવા આ પ્રકારનું વર્તન કરે છે.
    પછી તેના શું પરિણામો આવેં છે, પ્રજા પ્રજા વચ્ચે કેવું વૈમનસ્ય સર્જાય છે ,કેવો ભયનો માહોલ ઉભો થાય છે, જે કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તે શ્રી નયન દેસાઈએ ગઝલમાં દર્શાવેલ છે.

    ગઝલની પંક્તિઓ જુઓ…
    બારીમાં ચિત્તાની આંખો, અંગારાશી તગતગતી,
    એક એવો માનસિક ભય સર્જાય છે જે લાંબા સમય સુધી ભૂંસાતો નથી.
    ઉમરો પડ્યો ચતોપાટ, ખીતી ઉપર ખાલ ,છાતી ઉપર ટચ ટચ, પથ્થર જેવી આંખો, ફાનસના અજવાળામાં ફગફગતો લોકોનો બબડાટ,સળગતા વૃક્ષો ને ભયથી થતી ટોળાની કિકિયારીઓ!

    કવિ શ્રી નયન દેસાઈની ‘ફૉબીઅસ ગઝલ’ એવા સમયે બ્લોગ પર આવી છે જ્યાં આજે મધ્યપૂર્વ આગથી સળગી રહ્યું છે. હા,આગના સાધનો બદલાયા છે, ને કારણો? ને કારણો એજ છે, મનુષ્ય અને મનુષ્ય ને એક બીજાથી લાગતો ભય!

    મનના ઊંડાણ સુધી પહોંચી ગયેલ ભય ને ફોબિયા કહે છે. મનુષ્યના મનનો મોટો હિસ્સો સુસુપ્ત રહે છે કહેવાય છે આ હિસ્સામાં મનુષ્ય પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારથી બધી યાદો સંગ્રાયેલી પડી હોય છે જેમાં શિકારી પ્રાણીઓ, સાપો, કીડાઓ વગેરેના ભય થી બચવા મનુષ્યોએ કરેલી ભાગદોડની યાદદાસ્ત એક ફોબિયા બનીને હમેશા મનુષ્યની સાથે જ હોય છે, જેની જાણ સજાગ અવસ્થામાં મનુષ્યને હોતી નથી. ઘણા બધા મનુષ્ય કોઈને કોઈ ફોબિયાથી પીડિત હોયંછે, જેની જાણ પોતાને પણ હોતી નથી. આ ફોબિયા આવે છે ક્યાંથી? એનું કેન્દ્ છે મનુષ્યનું પહેલાનું જીવન,કહેવાય છે જે સૂક્ષ્મ શરીર ધારણ કરતું કરતું દર વખતે નવું શરીર ધારણ કરે છે. આ ફોબિયા આ સૂક્ષ્મ શરીરમાં હોય છે. આ ગઝલમાં દર્શાવેલ ભય પણ મનના ઊંડાણ સુધી પહોંચે છે, આ ગઝલ એક ફોબિયા ગઝલ છે. કવિની સંવેદનાને જરૂર એ સ્પર્શી હશે.

    🌹🌹🌹🌹

  5. વિવેક said,

    March 8, 2026 @ 12:29 PM

    પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

    કવિતાના હાર્દ સુધી પહોંચી સંતર્પક પ્રતિભાવ પાઠવવા બદલ સુશ્રી અસ્મિતા શાહનો અને શ્રી કિશોર આહ્યાનો સવિષ આભાર.

    શ્રી યોગેશ સામાણીએ કાફિયાદોષ તરફ ઈશારો કર્યો. હા, કબૂલ, પણ ઘઉંમાંથી કેવળ કાંકરા શોધવામાં ઘઉંથી જ હાથ ધોઈ ન બેસાય એ કદાચ વધુ અગત્યનું…

    સ્નેહકામનાઓ..

  6. Vrajesh Mistri said,

    March 12, 2026 @ 11:44 AM

    વિરલ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment