પંથ – હરીન્દ્ર દવે
પંથ હજી ઊભરાય,
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે,
ડૂબી જાય.
પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા
વૃક્ષ સમો હું
હૃદય મહીં જે શેષ રહ્યું એ વ્હાલ
રહ્યો વરસાવી.
હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાં
વાતી વળી ધૂળની ડમરી,
સરતી
સોડ મહીં સંતાડી વહેતો કાળ.
બધી આવતી કાલ
આવી
ને
ગઈ.
પંથ હજી ઊભરાય
હજીયે સાંભળતો
આ કેટકેટલાં પગલાં
પાસે આવે
ડૂબી જાય.
– હરીન્દ્ર દવે
જીવનના પંથ પર – દુનિયામાં અનેકાનેક લોકોની આવજાવ એકધારી ચાલતી રહે છે. નિતનવાં લોકો મળતાં રહે છે અને મળનારાઓમાંથી ઘણાં કાયમી વિદાય લઈ કાયમ માટે જતાં પણ રહે છે. આપણું કામ છે વહાલ વરસાવવાનું… જે મળે એ સૌને સ્નેહ કરવાનું…. જીવન ક્ષણભંગુર છે. કોઈનો સ્નેહસ્પર્શ પૂરેપૂરો વર્તાય-ન વર્તાય ત્યાં તો કાળ એને છીનવી લેશે એમાં કોઈ મીનમેખ નથી. આપણી પાસે જે છે એ કેવળ આજ જ છે. બધી જ આવતીકાલ આવશે એ જ રીતે જતી પણ રહેવાની. આજમાં જીવીએ. આજને ઉજવીએ અને જ્યાં જઈએ, જેને મળીએ, બસ વહાલ વરસાવતાં રહીએ… આમ કરીશું તો જીવનની પાનખરે ખરતાં પર્ણ પીળાં નહીં, સોનેરી પીળાં હોવાનું અનુભવાશે.
અને હા! રખે આ કાવ્યને અછાંદસ ગણી લેવાની ભૂલ કરી બેસતા… પ્રસ્તુત કાવ્ય વિશુદ્ધ કટાવ છંદમાં લખાયેલ છે. જુઓ:
પંથ હજી ઊભ /રાય, હજીયે /સાંભળતો આ / કેટકેટલાં / પગલાં પાસે /આવે, ડૂબી / જાય.
ગાલલગાગા / ગાલલગાગા / ગાલલગાગા /ગાલગાલગા/ ગાગાગાગા / ગાગાગાગા /ગાલ


Kishor Barot said,
June 11, 2026 @ 11:37 AM
સરસ 👌
Vrajesh Mistri said,
June 11, 2026 @ 11:37 AM
સરસ… સરસ…
અગન રાજ્યગુરુ said,
June 11, 2026 @ 11:40 AM
વાહ..વાહ..
Varij Luhar said,
June 11, 2026 @ 12:13 PM
વાહ ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ.. આજમાં જીવવાની વાત સરસ રીતે વ્યક્ત થઈ છે.. બધી આવતીકાલ આવીને ગઇ. એ બાબત સૌને અનુભવાય જ છે પરંતુ અહીં કવિની ટકોર ધ્યાનમાં લેવા જેવી છે.
વિરલ વ્યાસ said,
June 11, 2026 @ 1:18 PM
સરસ. કટાઉ છંદન વિષે જાણવા મળ્યું. “પંથ હજી ઉભરાય” પ્રારંભ જ જોરદાર
Jigisha Desai said,
June 11, 2026 @ 2:48 PM
Saras
Kishor Ahya said,
June 11, 2026 @ 5:42 PM
મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વપ્રસિદ્ધ બંગાળીભાષામાં લખાયેલ નોબેલ પારિતોષિક કૃતિ ‘ગીતાંજલી’ (ગીતાંજલિનું કાવ્ય ક્રમાંક-૧૩)માં તેઓ લખે છે કે હજુ તો સાજ સજાવ્યા ,સંગીત તો હજુ બાકી છે ત્યાં તો બૂલાવો આવી ગયો!ગીતાંજલિના અંગ્રેજી અનુવાદ “The song I came to sing remains unsung…” નો ગુજરાતી ભાવાનુવાદ .
“જે ગીત ગાવા હું આવ્યો હતો, તે હજુ સુધી ગવાયું નથી.
મેં મારા દિવસો માત્ર મારા વાજિંત્રના તાર મિલાવવામાં (સાજ સજાવવામાં) જ વિતાવી દીધા છે.
હજુ તો યોગ્ય સૂર રેલાવવાનો બાકી હતો, હજુ તો સાચી રાગિણી છેડવાની બાકી હતી,
ત્યાં તો જાણે વિદાયની વેળા આવી ગઈ અને પ્રભુનું તેડું આવી ગયું.
મેં મારા ઘરમાં દીવો તો પ્રગટાવ્યો છે, પણ હજુ તમને બેસાડવા માટે આસન બિછાવવાનું બાકી છે.
હજુ તો હું બધી તૈયારીઓ જ કરી રહ્યો હતો, ત્યાં તો હે પ્રભુ! તમારો બોલાવો આવી ગયો અને મારો સમય પૂરો થઈ ગયો.”
મનુષ્યે જે કામ કરવા ધાર્યું હોય તે માટે મોટાભાગનો સમય તો માત્ર તેની તૈયારીઓ કરવામાં જ વીતી જાય છે (સાજ સજાવવામાં) અને ત્યાં તો ઇશ્વરનો બોલાવો અચાનક આવી જાય છે, સમય ગમે તેટલો હોય, છેલ્લે ટૂંકો જ પડે છે!
કવિ શ્રી હરિન્દ્ર દવે તેમના ગીત ‘પંથ’ માં કઇક આવો ભાવ લઈને જ આવ્યા છે.
“પંથ હજી ઊભરાય,હજીયે સાંભળતોઆ કેટકેટલાં પગલાંપાસે આવે, ડૂબી જાય.”
કવિ કહે છે કેટકેટલા માનવી મળે છે, પાસે આવે છે ને કાયમી વિદાઇ પણ લઈ લે છે !
“પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા વૃક્ષ સમો હુંહૃદય મહીં જે શેષ રહ્યું એ વ્હાલરહ્યો વરસાવી.
હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાંવાતી વળી ધૂળની ડમરી,સરતીસોડ મહીં સંતાડી વહેતો કાળ.
બધી આવતી કાલઆવી ને ગઈ.”
આ સુંદર પંક્તિઓમાં કવિ જીવનની ક્ષણ મંગુરતાની વાત કરે છે, કહે છે જેમ પાનખરમાં વૃક્ષો પીળા (સોનેરી) પાન વરસાવે છે તેમ આ વૃક્ષ જેવો હું મારા હૃદયમાં જે કાંઈ છે તે વ્હાલ વરસાવી રહ્યો છું. વાહ!
કવિએ જીવનનો સાર નિચોડ એક શબ્દમાં કહી દીધો, એ છે વ્હાલ !
પ્રખ્યાત કવિ મકરંદ દવે દ્વારા રચિત ‘ધૂળિયે મારગ’ ની પંક્તિ પણ જીવનમાં વ્હાલનો મર્મ વ્યક્ત કરે છે.
” ‘માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ. ‘”
જીવનમાં જ્યારે હું અને તું વચ્ચેની ભેદ રેખા ભૂંસાય જાય છે ત્યારે મનુષ્યો વચ્ચે વ્હાલનો દરિયા જેવો ઊભરો છલકે છે. કોઈ પણ જાતનાં ઉદેશ્ય વિના ફક્ત માનવી હોવાને નાતે જ માનવી પર વહાલ વરસાવતા રહેવું એ નાની સુની વાત નથી, જ્ઞાન, ધ્યાન,અને તપસ્યા ના પરિણામ રૂપે આ પ્રસાદી મળે છે. કવિ શ્રી હરિન્દ્ર દવેના ગીત ‘પંથ’ નો આજ પૈગામ છે જે જીવનનો બહુ મોટો લ્હાવો છે!
શ્રી વિવેકભાઈએ ગીતની સરસ પસંદગી કરી ખૂબસરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Vrajlal Savaliya said,
June 12, 2026 @ 1:02 PM
વાહ ખુબ સરસ
dhruv kumar said,
July 1, 2026 @ 1:40 PM
કવિતાની ભાષામાં ‘રૂપક-દોષ’ (Confused Metaphor) અથવા પ્રતીકોનો વિરોધાભાસ કહેવાય છે. કવિતામાં જ્યારે બે મોટા અને વિરોધાભાસી પ્રતીકો એકસાથે ભેગા થઈ જાય, ત્યારે કાવ્યનો કેન્દ્રીય ભાવ ધૂંધળો બની જાય છે અને કવિતા તાર્કિક રીતે ગોટાળે ચડી જાય છે.
૧. પ્રતીકોનો પરસ્પર વિરોધાભાસ (The Conflict of Imagery)
પ્રથમ પ્રતીક (પંથ/રસ્તો): કવિ શરૂઆતમાં રસ્તાની વાત કરે છે, જે સ્થિર છે અને જેના પર ‘કેટકેટલાં પગલાં પાસે આવે છે અને ડૂબી જાય છે’. રસ્તો એ ગતિશીલતા, લોકોની અવરજવર અને સમયના વહેણનું પ્રતીક છે.
બીજું પ્રતીક (વૃક્ષ): અચાનક કવિ પોતાને પંથના સ્થાનેથી હટાવીને ‘પાનખરે સોનેરીપીળાં પર્ણ વેરતા વૃક્ષ’ સાથે સરખાવે છે, જે પોતાના હૃદયનું વ્હાલ (પાંદડાં) વરસાવી રહ્યું છે.
જો કવિ પોતે રસ્તો (પંથ) હોય, તો વૃક્ષ એ રસ્તાની બાજુમાં ઊભેલું એક જુદું તત્વ છે. કવિ એક જ શ્વાસે પોતે ‘પંથ’ પણ બને અને પોતે ‘વૃક્ષ’ પણ બને, એ ભાવક માટે વૈચારિક ગૂંચવાડો ઊભો કરે છે. કાં તો કવિએ આખી કવિતા ‘પંથ’ના દ્રષ્ટિકોણથી લખવી જોઈતી હતી (જ્યાં પગલાં આવે છે અને જાય છે), અથવા માત્ર એક જગાએ સ્થિર ઊભેલા ‘વૃક્ષ’ના દ્રષ્ટિકોણથી (જે પાનખરમાં વ્હાલ વરસાવે છે). બંનેને ભેગા કરવા જતાં કવિતા એક ચોક્કસ ચિત્ર (Visual Image) ઊભું કરવામાં નિષ્ફળ જાય છે.
૨. ‘ધૂળની ડમરી’ અને ‘કાળ’નો ગૂંચવાડો
વચ્ચેની પંક્તિઓ જુઓ:
હજી કોઈના ચરણ જરા સ્પર્શે ત્યાં
વાતી વળી ધૂળની ડમરી…
જો કવિ વૃક્ષ છે, તો ચરણનો સ્પર્શ વૃક્ષને કેવી રીતે થાય? ચરણનો સ્પર્શ તો રસ્તાને (ધૂળને) થાય. એટલે અહીં કવિ પાછા રસ્તો બની જાય છે. આ વારંવાર બદલાતા પ્રતીકોના કારણે કવિતાનો લય અને નાયકની મનોસ્થિતિ વેરવિખેર થઈ જાય છે.
હરીન્દ્ર દવે જેવા નામી કવિની આ ક્ષતિ પાછળનો બચાવ (બીજો પક્ષ)
જો કવિના પક્ષે રહીને વિચાર કરીએ કે આ ગોટાળો કેમ થયો, તો કદાચ કવિ એક સંયુક્ત ચિત્ર (Composite Image) આપવા માંગતા હતા:
એક સૂમસામ રસ્તો છે અને એ રસ્તાના કિનારે એક ઘરડું, પાનખરનું વૃક્ષ ઊભું છે. કવિ એ ‘રસ્તા અને વૃક્ષના મિશ્રણ’ જેવા પોતે છે એવું અનુભવે છે. જિંદગી એક પંથ છે જેમાં લોકો આવે છે અને જાય છે (પગલાં ડૂબી જાય છે), અને કવિ પોતે એ પંથ કિનારે ઊભેલા વૃક્ષ જેવા એકલા અટૂલા છે, જે હજી પણ સંબંધોનું વ્હાલ વરસાવે છે.
નિષ્કર્ષ
કવિતામાં ‘એકતા’ (Unity of Impression) હોવી જોઈએ. પ્રતીકો બદલાય તે વાંધો નહીં, પણ તે એકબીજાને છેદતા ન હોવા જોઈએ. અહીં પંથ અને વૃક્ષ બંને એટલા પ્રબળ પ્રતીકો છે કે બંને એકબીજાની અસરને કાપે છે અને કવિતાને ‘ગોટાળા’ તરફ ધકેલે છે.