ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છે આ,
શિલાલેખના પથ્થર જેવો માણસ છે આ.
લલિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુક્ત પદ્ય

મુક્ત પદ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગગન – હરીન્દ્ર દવે

શૂન્ય અવકાશ
નિઃસીમ ધરતી
ફક્ત એક આ પર્ણ અવરોધતું દૃષ્ટિને.

વાયુવંટોળમાં લેશ કંપે નહીં,
સ્હેજ સળગે નહીં સૂર્યના તાપથી,
ચન્દ્રની ચાંદનીમાં ન હળવું થતું,
કોણ જાણે કંઈ કેટલા કાળથી
ગગન જોવા નજર જ્યાં જતી,
ત્યાં ફકત એક એ પર્ણ ઝીલી રહે દૃષ્ટિને !

પ્રકૃતિએ સર્વને ગગન વહેંચી દીધું
ને મને પર્ણ !

મારું આખું ગગન એક એ પાંદડું.

– હરીન્દ્ર દવે

આપણી સીમા/મર્યાદા આપણે જ નક્કી કરીએ છીએ, અન્યનો કોઈ કસૂર હોતો નથી.

ઓ દેનેવાલે તુંને તો કોઈ કમી ન કી
અબ કિસ કો ક્યા મિલા યે મુકદ્દરકી બાત હૈ

Comments (1)

વિરહ – જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

કોઈ શેર કહું
કે દુનિયાની કોઈ બાબત પર
એક લેખ વાંચી લઉં
કે વાત અનોખી સાંભળી લઉં
એ વાત
જે થોડી રમૂજી હો
એ વાક્ય
જે ખૂબ મઝાનું હો
હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
કે ક્યાંક મળે
કોઈ દ્રશ્ય
જે ચોંકાવી દે
કોઈ પળ
જે દિલને સ્પર્શી લે
હું મારા મનના ખૂણામાં
આ સઘળું સાચવી રાખું છું
ને  એમ વિચારું
જ્યારે તું મળશે
તો તને એ સંભળાવીશ

–  જાવેદ અખ્તર (અનુ. રઈશ મનીઆર)

વિરહની પળેપળથી ગૂંથું પ્રિયજન મારે હાર.

Comments (15)

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

Comments (8)

એક ગાય – પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !

-પ્રિયકાન્ત મણિયાર

આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.

હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…

પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!

Comments (2)

ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી – ઉમાશંકર જોશી

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.
– તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતિ તે દિને

-ઉમાશંકર જોશી

ફૉરેન્સિક મેડિસીન માં લેટિન ભાષાનો એક રુઢિપ્રયોગ વપરાય છે, જે આ કવિતા માટે વાપરવાનું મન થાય છે:  Res ipsa loquitar – It speaks for itself.

અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ “ગાલગાગા”ના નિયમિત આવર્તન મઢ્યું છંદબદ્ધ કાવ્ય છે યાને કે મુક્તપદ્ય.

Comments (12)

ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? – પ્રિયકાન્ત મણિયાર

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’

-પ્રિયકાન્ત મણિયાર

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય ‘ગાલગાગા’ના નિયત આવર્તન ધરાવતું છંદોબદ્ધ મુક્તપદ્ય છે. આ નાનકડી કવિતામાં જે ધારદાર કટાક્ષ પિયકાન્ત મણિયારે કર્યો છે એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ગાંધીજીને સાચા અર્થમાં કોણે જોયા છે?

Comments (9)

ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો – રમેશ જાની

મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણી યે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…

– રમેશ જાની

જીવનમાં ઘણીવાર પ્રિયજન સાથેની મુલાકાતમાં આપણે એવો સંક્ષોભ અનુભવીએ છીએ કે જે કહેવાની લાખ ઇચ્છા હોય એ જ કહી ના શકીએ. મરીઝ જેવા એને ‘એ સહુથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હોય ને કંઈ યાદ ના આવે‘ કહીને પણ બહેલાવે. પણ જે વાત સમયસર કહેવાની ચૂકી જવાય એ જ પછી દિલને ડંખતી રહે છે. આવું થાય ત્યારે એકલતા અને એકાંત બને સહેવાતા નથી. જાત સાથે વાત કરવાની હિંમત થતી નથી. રસ્તામાં ઢગલાબંધ લોકો મળતા રહે છે, કોઈને આલિંગન તો કોઈ સાથે હસ્તધૂનન તો કોઈ સાથે ગામભરના ગપાટા મારીને આપણે કમળપત્ર પરના જળબિંદુની જેમ છૂટા પડીએ ત્યારે શું શું કથા કરી એ પણ યાદ રહેતું નથી. ચંદ્ર, સૂરજ, તારા, વૃક્ષ, વેલી, ફૂલ- બધું નજરે તો ચડતું રહે છે પણ જેના હોવાપણાંથી જ આ બધાની સભરતા હતી એના અભાવમાં આ બધું જ સૌંદર્ય એનો ખરો સંદર્ભ ગુમાવી બેઠું હોવાની પ્રતીતિ થાય છે.  જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !

પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતે સાત માત્રા (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ છે, એને ઢાળબદ્ધરીતે ગાઈ પણ શકાશે. ઉર્દૂ-હિન્દીમાં આ પ્રકારના કાવ્યને આઝાદ નઝમ કહે છે. આપણે ‘મુક્ત પદ્ય’ કહીશું ?

Comments (9)