રમેશ જાની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રમેશ જાની
લ્યો આવજો ત્યારે,
અહીંથી અલ્વિદા…
તમારા સાથની સીમા અહીં પૂરી થતી.
જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના –
. તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના !
જરા પાછું વળી જોયું –
તમારી વ્હેલને છેડે લટકતો દીવો
‘ના, ના’ કહેતો’તો
. છેલ્લી પળોને દાબતી ભીની હથેલીના સમો !
નિસ્પંદ આ સીમાન્ત વૃક્ષે
કાળ પાંખો બીડીને થીજી ગયો,
એકાંતને અંગે લપેટી સર્પ-શો અંધાર પણ
. અહીં ગૂંછળું થઈને કશો થીજી ગયો !
શિશુની આંખના ડૂમા સમો આ પથ…
વિસામાની હવે કોઈ રહી ના ખેવના
તમારી હૂંફને ડગલુંય આગળ માંડવાની છે મના.
. – જુઓ, આ શ્વાસ પણ અટકી ગયા છે ફૂલના !
– રમેશ જાની
ગાગાલગાના આવર્તનોમાં ડોલન શૈલીમાં લખાયેલું, પહેલી નજરે અછાંદસ કહી દેવાનું મન થાય એવું અને ૫-૪-૪-૪ એ રીતે ગીતની ચાલમાં ન ચાલતું હોય એવું મજાનું ઊર્મિકાવ્ય.
વિદાયની ક્ષણો ઘણા બધા સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો આવતી જ હોય છે. આવા કોઈ સંબંધમાં આવેલ આવી કોઈ એક વિદાયની વેળાએ વર્તાતો ગોરંભો કવિએ સ-રસ ઉપસાવી આપ્યો છે.
Permalink
August 23, 2009 at 12:30 AM by વિવેક · Filed under મુક્ત પદ્ય, રમેશ જાની
મારે ઘણીયે વાત કરવી’તી તમારી સાથ
પણ કૈં યે કહેવાઈ નહીં;
એકલો જ્યારે પડ્યો, તો જાત સ્હેવાઈ નહીં.
કેટલાયે રાહગીરોને મળી ભેટ્યો ભરીને બાથ
ને એમની સંગાથ હું ચાલ્યા કર્યો, બોલ્યા કર્યો…
પણ કથા કૈ કૈ કરી, ક્યારે કરી –
ખુદને જ સમજાઈ નહીં.
આંખનીયે કેવી આ લીલા કહો,
ચન્દ્ર, સૂરજ, તારકો જોયા કર્યા,
વૃક્ષ, વેલી, ફૂલડાં જોયા કર્યાં,
પણ મનભરી જોવું હતું જે, તે જ જોવાયું નહીં.
હૈયા તણી યે કેવી આ લીલા કહો,
કે મનભરી રોવું હતું જેની કને
રે ત્યાં જ રોવાયું નહીં,
જેહને કહેવું હતું તેને જ કહેવાયું નહીં,
જેની સદાયે પાસ રહેવું’તું – રહેવાયું નહીં.
ને બધાની સાથ હું ચાલ્યા કર્યો, ચાલ્યા કર્યો….
બોલ્યા કર્યો, બોલ્યા કર્યો…
– રમેશ જાની
જીવનમાં ઘણીવાર પ્રિયજન સાથેની મુલાકાતમાં આપણે એવો સંક્ષોભ અનુભવીએ છીએ કે જે કહેવાની લાખ ઇચ્છા હોય એ જ કહી ના શકીએ. મરીઝ જેવા એને ‘એ સહુથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હોય ને કંઈ યાદ ના આવે‘ કહીને પણ બહેલાવે. પણ જે વાત સમયસર કહેવાની ચૂકી જવાય એ જ પછી દિલને ડંખતી રહે છે. આવું થાય ત્યારે એકલતા અને એકાંત બને સહેવાતા નથી. જાત સાથે વાત કરવાની હિંમત થતી નથી. રસ્તામાં ઢગલાબંધ લોકો મળતા રહે છે, કોઈને આલિંગન તો કોઈ સાથે હસ્તધૂનન તો કોઈ સાથે ગામભરના ગપાટા મારીને આપણે કમળપત્ર પરના જળબિંદુની જેમ છૂટા પડીએ ત્યારે શું શું કથા કરી એ પણ યાદ રહેતું નથી. ચંદ્ર, સૂરજ, તારા, વૃક્ષ, વેલી, ફૂલ- બધું નજરે તો ચડતું રહે છે પણ જેના હોવાપણાંથી જ આ બધાની સભરતા હતી એના અભાવમાં આ બધું જ સૌંદર્ય એનો ખરો સંદર્ભ ગુમાવી બેઠું હોવાની પ્રતીતિ થાય છે. જિંદગીની ખરી વિડંબણા જ આ છે કે જેની પાસે મનભરીને રોવું હોય, રહેવું હોય અને જેને બધું કહેવું હોય, એ થઈ શકતું નથી અને એ છતાંય જિંદગી છે…. જીવવું પડે છે !
પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતે સાત માત્રા (ગાલગાગા અને ગાગાલગા)ના નિયમિત આવર્તન ધરાવતી છાંદસ કૃતિ છે, એને ઢાળબદ્ધરીતે ગાઈ પણ શકાશે. ઉર્દૂ-હિન્દીમાં આ પ્રકારના કાવ્યને આઝાદ નઝમ કહે છે. આપણે ‘મુક્ત પદ્ય’ કહીશું ?
Permalink