યાત્રાની ટિકિટો – સમીહ અલ-કાસિમ (અરબી)
અને એક દિવસ, જ્યારે મારી હત્યા થશે,
મારા હત્યારાને મારા ખિસ્સામાંથી જડશે
યાત્રા માટેની ટિકિટો:
એક શાંતિ માટેની,
એક ખેતરો અને વરસાદ માટેની,
અને એક
માનવતાના અંતરાત્મા તરફની.
હું આજીજી કરું છું, કૃપા કરીને એને વેડફીશ નહીં.
મારા વહાલા હત્યારા,
હું આજીજી કરું છું, જા મુસાફરી કર.
– સમીહ અલ-કાસિમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)
ફેસબુક પરથી એક અંગ્રેજી અનુવાદ મળી આવ્યો. વાંચતાવેંત કવિતા ગમી ગઈ. કવિતા થોડી મુખર હતી, પણ વાત એકદમ વેધક અને હૃદયંગમ હતી. એટલે લાગલો જ ગુજરાતી અનુવાદ પણ કરી નાંખ્યો. પણ મૂળે જીવ સટપટિયો એટલે મૂળ અરબી કવિતા મળે તો કેવી મજા કરીને ગૂગલા મહારાજ અને ચેટ જીપીટીનું આહ્વાન કર્યું. એક બીજો જ અંગ્રેજી અનુવાદ મળ્યો જે પેલા કરતાં અલગ હતો. મૂળ અરબી કવિતા પણ મળી. બધા જ એઆઇ એન્જિન ગુજરાતી અનુવાદ કરવામાં હજી કાચા છે, એટલે અરબી કવિતાનો અલગ-અલગ પ્લેટફૉર્મ પાસે અંગ્રેજી અનુવાદ કર્યો. બધા અનુવાદોને સમરસ કરીને એક અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો અને પછી એનો ગુજરાતી પાઠાંતર કર્યો. હવે આપ કહો, કવિતા, અને કવિતાનો અનુવાદ કેવા લાગ્યા?


viral vyas said,
July 18, 2026 @ 10:09 AM
સરસ ભાવાનુવાદ
વિવેક said,
July 18, 2026 @ 10:34 AM
Original poem
Travel Tickets
And when I am killed, one day,
The killer will find in my pocket
Travel tickets:
One to peace,
One to the fields and the rain,
One To the conscience of humankind.
I beg you not to waste the tickets,
My dear killer;
I beg you, please, to travel.
– Samih Al-Qasim
(Eng. Trans.: various AI Engines)
تذاكر سفر
وعندما أٌقتَل في يومٍ من الأيام
سيَعثُر القاتل في جيبي
على تذاكِرِ السفر:
واحدة الى السلام
واحدة الى الحقول والمطر
واحدة
الى ضمائر البشر
ارجوك الّا تُهمِل التذاكر
يا قاتلي العزيز
ارجوك ان تسافر
Kishor Ahya said,
July 18, 2026 @ 6:47 PM
શ્રી સમીહ અલ-કાસિમ ઇઝરાયેલી નાગરિકતા ધરાવતા પેલેસ્ટિનિયન કવિ હતા ,કારકિર્દીની શરૂઆત પ્રાથમિક શિક્ષક તરીકે કરી પરંતું પેલેસ્ટિનિયન પ્રજા માટેની લાગણીને કારણે સત્તા સાથે અવારનવાર સંઘર્ષ થતો જેને લીધે તેઓને શિક્ષક પદેથી બરતરફ કરવામાં આવ્યા. ઇઝરાઇલી સત્તા દ્વારા ઇઝરાયેલમાં લશ્કરી ભરતીમાં જોડાવાના ઇનકારને કારણે તેઓને જેલ અને નઝરકેદમાં રાખવામાં આવ્યા હતા. કવિ ઇઝરાયલના રાષ્ટ્રવાદી નાગરિક હતા, પહેલા અરબી, પછીથી સામ્યવાદી વિચારધારાની અસરમાં આવ્યા. તેમની રાજકીય વિચારધારા ,પત્રકારિત્વનો વ્યવસાય વગેરેને કારણે સ્વભાવિક રીતે ભવિષ્યથી ચિંતિત હતા.જોકે તેમનું મૃત્યુ બિમારીને લીધે થયું. (૧૯૩૯/૨૦૧૪) કવિ ‘યાત્રાની ટિકિટો’ અછાંદસની શરૂઆત કરતા કહે છે…
“”અને એક દિવસ, જ્યારે મારી હત્યા થશે,
મારા હત્યારાને મારા ખિસ્સામાંથી જડશે
યાત્રા માટેની ટિકિટો:”
આ કોઈ પૃથ્વી પરના પ્રદેશોની યાત્રાની વાત નથી, કવિ કહે છે…
એક શાંતિ માટેની,
એક ખેતરો અને વરસાદ માટેની,
અને એક
માનવતાના અંતરાત્મા તરફની.
જેના માટે કવિએ જીવનભર સંઘર્ષ કર્યો તેવી યાત્રાની અહીં વાત છે જેમાં શાંતિ, પ્રકૃતિ અને માનવીના અંતરાત્મા ની યાત્રાની ટિકિટોની વાત છે,એ જ યાત્રા જાળવી રાખવા કવિ અછાંદસમાં તેના હત્યારાને વિનંતી કરે છે!
“હું આજીજી કરું છું, કૃપા કરીને એને વેડફીશ નહીં.
મારા વહાલા હત્યારા,
હું આજીજી કરું છું, જા મુસાફરી કર.”
શ્રી વિવેકભાઈ એ અછાંદસનો ખૂબ સરસ અનુવાદ કર્યો છે.અનુવાદ કરવા જહેમત ઉઠાવી છે એ ખૂબ પ્રસંશીય છે ,અછાંદસમા કવિ મુત્યુ પછી પણ જગત કલ્યાણનો ચિંતા કરે છે, માર્ગ ચીંધે છે એ કવિના પૂરા જીવનનો નિષ્કર્ષ છે. શ્રી વિવેકભાઈએ અછાંદસની સરસ પસંદગી કરી છે.
🌹🌹🌹🌹
વિવેક said,
July 20, 2026 @ 11:41 AM
આભાર મિત્રો… આભાર શ્રી કિશોર આહ્યા
Dr Sejal Bhvesh Desai said,
July 31, 2026 @ 12:24 PM
વેધક અને સચોટ અછાંદસ …અનુવાદ કરીને અમને એનો લાભ આપવા બદલ આપનો આભાર વિવેકભાઈ..આભાર લયસ્તરો ટીમ