રપા અપાર વરસે :૦૪: વરસાદ એવો ત્રાટક્યો’તો
ડરપાંચમ એટલે કે તેર, સાત, ચોરાણું અને બુધવારની સવારે
. વરસાદ એવો ત્રાટક્યો’તો સૂપડાંની ધારે
હતાં સાવ ઘટાટોપ મન અને વાદળાં
. ક્યાં વરસું ક્યાં વરસું જેવાં
અહીં વરસો, અહીં વરસો એવી બૂમરાણ
. કાંઈ કરતાં’તાં આંખ અને નેવાં
ઓસરી ને છાતી ને ડેલી ને જાત
. થયાં સેળભેળ કોણ જાણે ક્યારે !
આંખ્યુંમાં બેઠેલાં ચાતકનાં ટોળાંની
. કલબલનું પૂછો મા કાંઈ
છાંટો પડયો તે પડ્યો એમ
. જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ
માણસનું એવું કે એને ધો ગાળ્યું
. તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !
– રમેશ પારેખ
રમેશ પારેખ મનપાંચમના મેળાની વાત પણ કરે અને ડરપાંચમની ચોક્કસ તારીખ પણ આપણને આપે. ૧૯૯૪ની ૧૩ જુલાઈએ અષાઢ સુદ પાંચમ. એટલે વરસાદની ગાડી પાંચમા ગિઅરમાં ચાલતી હોવાની સંભાવના. વ્યક્તિ અને પ્રકૃતિ – વયષ્ટિ અને સમષ્ટિ બંનેને અડખેપડખે રાખીને ગીત આગળ વધે છે. મન અને વાદળ બંને ગોરંભાયાં છે. આંખ-નેવાં, ઓસરી-છાતી, ડેલી-જાત વરસાદ સહુને એકાકાર કરી દે છે. આંખોમાં જે ચાતકની પ્યાસ છે એ કેવળ વરસાદ માટેની નથી, પિયુ માટેની પણ છે. અને વરસાદનું ટીપું તો આ તરદ છીપાવવાના બદલે ઘાસને એ ગંજીમાં તણખો પડે ને ગંજી પળાર્ધમાં ભડભડ સળગી ઊઠે એમ તરસ ભડકાવે છે. છેલ્લી પંક્તિ આખા ગીતથી સહેજ અલગ પડી જતી હોય એમ લાગ્યું. માણસને ગાળ આપો તો એ ગાળો પણ પ્રેમથી સ્વીકારે એનો આખા ગીત સાથે કઈ રીતે મેળ ખાય છે એ કોઈ સમજાવશે?


અગન રાજ્યગુરુ said,
July 9, 2026 @ 12:08 PM
વાહ…વાહ… વાહ…
Vrajesh Mistri said,
July 9, 2026 @ 12:57 PM
વાહ.. ગંજી અને આંખ અને નેવા.
Bhagirath Pandya said,
July 9, 2026 @ 2:41 PM
છ અક્ષરનું આ નામ બડું ખુરાફાતી છે. મનપાંચમના મેળાવાળા આ વખતે ડરપાંચમ લાવે છે. ચોરાણુંની અષાઢ સુદ પાંચમ. મેઘો તે દિ એવો ત્રાટક્યો કે ર પાને પેન ઉપાડવી પડી. મેઘો ઠારેય અને બાળેય પણ. તણખો પડવાથી ગંજી બળે એમ પ્રેમીજન વરસાદમાં ભડકે બળે. એવા પ્રેમીજનને તમે નિર્લજ્જ કે બેશરમ કહો કે નાગી ગાળ દો તોયે પ્રેમીજન એ ગાળ પણ પ્રેમથી સ્વીકારશે. જય હો! ર પા.
Kishor Ahya said,
July 10, 2026 @ 11:53 PM
પ્રેમ આત્મા છે! વરસાદ પ્રેમી જોડાની આંખમાં એક ચમકારો લાવી દે છે અને વરસાદ સાથે પ્રેમીનો પ્રેમ એકબીજામાં એવોતો ભળી જાય છે કે કોઈ એકનો પતો મળવો મુશ્કેલ! આવા મજાના ભાવવાળું શ્રી રમેશભાઈનું આ ગીત વારંવાર વાંચવું ગમે છે. વિવેકભાઈ એ ભાવકને છેલ્લી પંક્તિ અલગ પડે છે તે વિશે પૂછ્યું છે……
;
“માણસનું એવું કે એને ધો ગાળ્યું. તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !” . .
ક્યારેક ક્યારેક કિશોરાવસ્થામાં પગ મૂકતા જુવાનિયાઓ એકબીજાને મળે ત્યારે પ્રેમને લઈને ગાળો દઈને બોલાવતા હોય છે! “તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !” કવિ અહીં આ મિત્રો મિત્રો વચ્ચેના પ્રેમને મનુષ્યના વરસાદ પ્રત્યેના પ્રેમ સાથે સરખાવે છે. પ્રેમીઓને વરસાદ આવતા બહુ વિરહ સતાવે છે “છાંટો પડયો તે પડ્યો એમ
જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ” પણ મિત્રો ગાળનો સ્વીકાર કરી મિત્રોને વધાવે છે તેવીજ રીતે પ્રેમીઓ તેની વરસાદ સાથે વરસતી તરસતી વ્યથામાં પણ વરસાદને ખુબજ પ્રેમથી વધાવે છે. કવિ કહેવા ઈચ્છે છે વરસાદ સાથે પ્રેમીઓનો મીઠો સંબંધ મિત્રો મિત્રો વચ્ચે હોય એવોજ હંમેશા હોય છે.
🌹🌹🌹🌹
વિવેક said,
July 11, 2026 @ 10:53 AM
તમામ મિત્રોનો ઓશિંગણ છું…
@શ્રી કિશોર આહ્યા: ઘણા દિવસે દેખાયા… છેલ્લી પંક્તિનું અર્થઘટા તો આપે બરાબર કર્યું… પ્રેમની ગાળ કોને કહેવાય એ બાબત સુરતીને તો કંઈ કહેવાપણું હોય જ નહીં… મારો સવાલ અલગ છે..
Peeyush Bhatt said,
July 11, 2026 @ 11:07 AM
વાહ, સમય અને માહોલ ગીતની સ્થાયીમાં જ બતાવતા કવિ શરૂઆત કરે છે કે,
“ડરપાંચમ એટલે કે તેર, સાત, ચોરાણું અને બુધવારની સવારે”
તારીખ, વાર, વર્ષ બધું ચોક્કસ આપીને કવિ પહેલી જ લીટીમાં આપણને એ ખોફનાક સવારમાં ઊભા કરી દે છે. કારણકે એ તારીખની સાથે જ “ડરપાંચમ” શબ્દ મૂકે છે. ડરપાંચમ એટલે ભયની પાંચમ. એટલે સુપડાધારે વરસાદ ત્રાટક્યો કંઈક અજાણ્યા ડર સાથે એટલે સૂપડાથી અનાજ સફાઈ કરતી વખતે જે જોરથી અનાજ નીચે પડે એવી ધાર. આ વરસાદ કવિ માટે કોમળ ફોરાં નથી, પણ એકદમ ત્રાટકતો, ધોઈ નાખે એવો છે. અને એટલે તરત જ બહારનું વાદળ અંદરના મન સાથે ભળી જાય.
“હતાં સાવ ઘટાટોપ મન અને વાદળાં ક્યાં વરસું ક્યાં વરસું જેવાં”
મન પણ વાદળ જેવું ભરાયેલું. આંખ અને નેવાં બંને “અહીં વરસો અહીં વરસો” બૂમ પાડે. હવે બહારનો તોફાની વરસાદ બહાર પલાળે અને અંદરનો એકલતાનો ડૂમો અંદરથી. એટલે જ પછી ઓસરી, છાતી, ડેલી, જાત બધું સેળભેળ. તદન એકરૂપ પછી શું અંદર શું બાહર…કોઈ ભેદ જ નહીં.
“આંખ્યુંમાં બેઠેલાં ચાતકનાં ટોળાં” – ચાતક સ્વાતિના ટીપાની રાહ જુએ. અહીં આંખમાં જ તરસ બેઠી છે. નાનકડો છાંટો પડે અને એ જ મોટો બની જાય. પછી આવે ગામઠી પણ અદ્ભુત ઉપમા, ‘જેમ ગંજીમાં તણખો પડે રે, મારા સાંઈ’. ઘાસની ગંજી તો સાવ પાતળી, એમાં તણખો પડે એટલે પળવારમાં આખું ખેતર બળી જાય એવી બીક. ક્યારેક નાનો પ્રસંગ, નાનો શબ્દ કે નાની યાદ પણ અંદર મોટી આગ લગાડી દે. અને પછી છેલ્લી પંક્તિમાં ‘માણસનું એવું કે એને ધો ગાળ્યું તો ગાળ્યું પણ પ્રેમથી સ્વીકારે !’
અહીં ‘ધો ગાળ્યું’ એટલે કવિ કહે છે કે, માણસ એવો જીવ છે કે તેને અપશબ્દો આપો તોય ફરિયાદ નથી કરતો. “તો ગાળ્યું” પણ પ્રેમથી સ્વીકારી લે એમ જ…દુઃખને પણ, એકલતાને પણ.
આમ, વરસાદની જેમ ત્રાટકતી જિંદગીને પણ માણસ છેવટે પ્રેમથી અપનાવી જ લે છે. આ ગામઠી લોકબોલીનાં શબ્દોમાં આત્મસમર્પણ છે. વરસાદને, દુઃખને, જીવનને ભીંજવીને પણ પ્રેમ કરવાની હિંમત છે. એટલે જ આ રચના વરસાદ વિશે નથી, વરસાદના બહાને મનની અંદર વરસતા વરસાદ વિશે છે.
ર.પા. નાં એક પછી એક તળપદાં વરસાદી ગીતોને આ માહોલમાં મૂકી અપાર મોજ કરાવવા માટે વિવેકભાઈનો ખૂબ ખૂબ આભાર.