એકાંત – ભરત ત્રિવેદી
બારણાને હાથ લાગતાં જ
હાથ પકડી લે છે
બાઝેલાં જાળાં
અજાણ્યો ધારીને મને.
ભીતર
પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ
ફોટામાંથી
ખરતી રહી ફેલાઈ ગઈ છે
કમરાની દીવાલ પર
ને
દર્પણમાં થીજી ગઈ છે
ઘરવખરી.
બારી ખોલતાં જ
વર્ષોથી ભરાઈ પડેલું
એકાંત
બહાર કૂદી પડે છે .
– ભરત ત્રિવેદી
કવિએ જે કહ્યું નથી એ કવિતા આપણને કહે છે. કાવ્યનાયક વર્ષો પછી (વતનમાં) ખાલી પડેલ ઘરે પરત આવ્યો છે. ઘરના મોભીઓ હવે હયાત નથી. વિદેશમાં અથવા શહેરમાં નાયકનું જે કુટુંબ હશે, એમને આ ઘર સાથે કોઈ સંબંધ કે લાગણી ન હોવાથી નાયકને એકલા જ આવવાની ફરજ પડી છે. બારણાં પર વિગત સમય જાળાં બનીને ફેલાઈ વળ્યો છે, અને દીવાલો પર ફોટામાંના પૂર્વજોના ચહેરા જેવી જ તિરાડો પડી ગઈ છે. દર્પણમાં થીજી ગયેલી ઘરવખરી થીજી ગયેલ સમયને ઈંગિત કરે છે. બારી ખોલતાં જ ઘરમાં વર્ષોથી પૂરાઈ રહેલું એકાંત જાણે કે બહાર કૂદી પડે છે… કાવ્યનાયક અહીં રહેશે, ત્યાં સુધી આ ઘર ફરી થોડા સમય પૂરતું સજીવન થઈ જશે… ઘરમાં વરસોથી પૂરાઈ રહેલ એકાંત બારીમાં થઈને આપણી ભીતર કૂદી પડ્યું હોય એવો વિષાદ રચનામાં સાદ્યંત અનુભવાયા કરે છે.


Kishor Ahya said,
August 9, 2026 @ 4:29 PM
સરળ ભાષામાં રચાયેલ આ અછાંદસ માં જે કથન છે તે કોઈ નવું નથી પણ એમાં ધ્યાન દોરે તેવી ખાસ કોઈ વાત હોય તો કવિની સૂક્ષ્મ નિરીક્ષણ દૃષ્ટિ.
‘અજાણ્યા ધારી હાથ પકડી લેતાબાઝેલાં જાળાં! ‘
હાથ પકડી લેતા બાઝેલાં જાળાં! અરે ભાઈ ક્યાં ચાલ્યા?
પૂર્વજોના ચહેરા પરની કરચલીઓ ફોટામાંથી ખરી દીવાલ પર આવવી. પૂર્વજોના ફોટાઓ કળચલી હોય છે કેમકે સ્ટુડિયાની શરૂઆત પૂર્વજોના છેલ્લા સમયમા જ થઈ હતી. કવિએ ઘર સાથે પોતાની સ્મૃતિઓ જોડી નથી કદાચ કવિનું બાળપણ અન્ય જગ્યાએ વીતેલ હશે.
ઘરમાં રહેલા દર્પણમાં સામે પડેલી ઘરવઘરીનું એકના એક દ્રશ્યનું દેખાવું.કવિ ઉપમા આપે છે ‘થીજી ગઈ ઘરવખરી ! ‘ વાહ!
પાંજરે પુરાયેલ પશુ પાંજરું ખુલતા જેમ ભાગે .. એકાંતનું બારી કૂદીને ભાગવું..
” વર્ષોથી ભરાઈ પડેલુંએકાંતબહાર કૂદી પડે છે .”
અને ખાસ જીવનના સનાતન સત્યનું દર્શન પણ કવિ અછાંદસમાં કરાવે છે..
ક્યારેક એક દિવસ આ ઘર વહાલની વર્ષા, હર્ષોલ્લાસ, ચહલપહલ થી ભરપૂર હશે પણ એ બધા પૂર્વજો હવે ફોટોઓ બની ગયા છે! ને ઘર! ખંડેર બનવાની યાત્રા તરફનું પ્રયાણ! આ ફ્કત એક ઘરની વાત નથી, સમયની વાત છે અને એક દિવસ, જ્યાં બધુ જ હતું, ન હતું થશે એનું નામ સમય.
“એકાંત” એ શ્રી ભરત “એકાંત” એ શ્રી ભરત ત્રિવેદીની એક મજાની અછાંદસ રચના છે. શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપ્યોછે.
🌹🌹🌹🌹
શ્યામ ઠાકોર said,
August 10, 2026 @ 10:01 AM
ખૂબ સરસ રચના…
Harihar Shukla said,
August 10, 2026 @ 10:16 AM
અદભૂત્ અછાંદસ👌
Jyoti Ramani said,
August 10, 2026 @ 12:03 PM
ઘર પોતે એનું એકાંત અને ખાલીપો ખોલતો હોય એવું આપણને શબ્દે શબ્દે અનુભવાય
Dr. Preeti Pujara said,
August 10, 2026 @ 12:33 PM
ખૂબ સુંદર અછાંદસ કાવ્ય
અહીં કવિએ જૂના ઘરની વસ્તુઓ દ્વારા સ્મૃતિ, એકાંત અને પૂર્વજોની હાજરીને ખૂબ સંવેદનશીલ રીતે વ્યક્ત કરી છે.
બારણાંનાં જાળાં અજાણ્યા માણસની જેમ હાથ પકડી લે છે, જે ઘરના લાંબા વિરહ અને ઉપેક્ષાનું પ્રતીક બને છે.
પૂર્વજોના ચહેરાની કરચલીઓ ફોટામાંથી ખરતી દીવાલ અને દર્પણ સુધી પ્રસરે છે—અહીં સમય અને સ્મૃતિનું અદ્ભુત ચિત્રણ થયું છે.
બારી ખૂલતાં બહાર આવતું ‘વર્ષોથી ભરાયેલું એકાંત’ કાવ્યનો સૌથી અસરકારક અને ચોટદાર કલ્પનાપ્રયોગ છે.
આમ, કવિએ ઘર માત્ર ઈંટ-દીવાલ નહીં, પરંતુ સ્મૃતિ, સંબંધો અને વીતેલા સમયનું જીવંત પાત્ર છે એવો ગહન ભાવ ઉપસાવ્યો છે.
kamlesh shukla said,
August 10, 2026 @ 1:36 PM
ખૂબ સરસ અછાંદસ
Rekha Shukla said,
August 10, 2026 @ 4:33 PM
દર્પણ માં થીજી ગઇ છે ઘરવખરી 👏👌✍️ એકાંત ની નરી વાસ્તવિકતા
jyoti Patel said,
August 10, 2026 @ 4:53 PM
This is real nostalgia. I felt a deep pain imagining the ancestral home.
Beautifully written and explained.
જિજ્ઞા વોરા said,
August 10, 2026 @ 4:55 PM
એકદમ લાઘવમાં વાચક સુધી વેદના પહોંચાડતું અછાંદસ કાવ્ય ગમ્યું.
Jigna Rathod said,
August 10, 2026 @ 5:16 PM
રચના માણતા જ જાણે આપડું વતન પણ આમ ઘણું કહેતું હોય તેવો વાચક ને ભાવ થઈ આવે તેવી સરસ રચના 💐💐છે
Bhagirath Pandya said,
August 10, 2026 @ 10:00 PM
સરળ, હૃદયસ્પર્શી અછાંદસ.
ભર્યુંભાદર્યું ઘર વખતનો માર ખાધા પછી ખંડેર, અવાવરું બને છે. જાળાબાવા, જૂના ફોટા નાયકની નજર સામે છે ત્યારે નાયક એકાંત, સંન્નાટો, મુંઝારો અનુભવે છે. કવિ સુંદર કલ્પનોના ઉપયોગથી કાવ્યને વધુ રોચક બનાવે છે. અહીં ઉત્તમ કવિકર્મ અનુભવાય છે.
ઘણાંને આવી ઘટનાનો અનુભવ જીવનમાં થયેલો હોય છે.
વિવેક said,
August 11, 2026 @ 11:17 AM
સરસ મજાના પ્રતિભાવો પાઠવવા બદલ તમામ મિત્રોનો દિલથી ઓશિંગણ છું…
આ જ રીતે તમામ કવિઓને દિલથી વધાવતા રહેશો તો કવિઓને પણ આનંદ થશે અને અમને પણ વધુ મજા આવશે…
આભાર દોસ્તો
Meena Parekh said,
August 11, 2026 @ 4:48 PM
ખૂબ સરસ. ‘એકાંત બહાર કૂદી પડે છે.’
Bharat Trivedi said,
August 12, 2026 @ 7:06 PM
મને વારસામાં મળેલા મારા વતનની યાદ તો ઘણી આવે, પણ તેનો જીર્ણોદ્ધાર કરવાની વાત કરું ત્યારે ત્યાંના પરિવારજનોને (ફેમિલી મેમ્બર્સને) એ વાત જ ન સમજાય! કવિતાનો વારસો એ મકાનમાંથી જ મળ્યો હતો, એટલે આમ કવિતા બની જાય છે. કવિને સતત એની ચિંતા રહેતી હોય છે કે તેમની કવિતા ઝીલાશે કે નહીં? એક સાચો ભાવક મળી રહે તોપણ કવિ માટે તે પર્યાપ્ત હોય છે. આનંદ એ વાતનો છે કે મારી અનેક કવિતાઓમાંથી વિવેકભાઈએ આ કવિતા પસંદ કરી અને મારો પેલો ડર સાવ નિર્મૂળ કરી દીધો. ‘લયસ્તરો’ના સુજ્ઞ ભાવકોએ પણ દર્શાવ્યું કે કવિતા ચાહનાર/પારખનાર મિત્રોની જરાય કમી નથી. ખૂબ ખૂબ આભાર, વિવેકભાઈ!
ramesh maru said,
August 13, 2026 @ 12:06 PM
વાહ 👌🏻👌🏻