(કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું) – કાબિલ ડેડાણવી
કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.
બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું
મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.
કદી સુંદર દિસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?
તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.
ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.
તમે લાંબે જનારી મારી દષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.
મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.
ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું
– કાબિલ ડેડાણવી
વાયકા છે કે કસ્તૂરીમૃગ જીવનભર કસ્તૂરીની સુગંધના સ્રોતને શોધવા આકળવિકળ દોડતું રહે છે. હકીકતમાં એ તો એની નાભિમાં જ હોય છે. કસ્તૂરીમૃગના સંદર્ભે કલા અને વ્યથાના અવિનાભાવી સંબંધને કવિએ કેવી કાબેલિયતથી દર્શાવી દીધો! નદી અને સાગરના મિલનમાં નદીનું મરણ થતું તો કોઈ સંવેદનશીલ કવિ જ જોઈ શકે. જે કવિ એક શેરમાં સાગરમાં ભળી જતી નદીમાં મરણ જુએ છે એ જ કવિ બીજા શેરમાં સાગરની બેપરવાહી જોઈને દોદી આવતા ઝરણની વાત કરે છે. બંને વળી, પ્રેમના સંદર્ભે જ. મતલબ, એક જ અહેસાસને એક જ કવિ અલગ-અલગ રીતે પણ જોઈ શકે છે. પ્રેમ છે જ ક્લાઇડોસ્કૉપ જેવો. ભાતીગળ. સતત પરિવર્તનશીલ. ખરું ને?


viral vyas said,
August 7, 2026 @ 9:14 AM
સરસ ગઝલ.
કસ્તૂરી ને સાથે લઈ ફફડતું હરણ આવ્યું .. સરસ
Kishor Ahya said,
August 7, 2026 @ 1:58 PM
સુંદર શબ્દોમાં પ્રેમની નજાકત વર્ણવતી ગઝલ છે, છેલ્લે પ્રેમની બીજી બાજુના સત્ય તરફ ઈશારો પણ કરે છે ! કહેવત છે ને કે ડુંગર દૂરથી રળિયામણા! ક્યારેક એવું લાગે છે, મનુષ્યની ઉંમર હોય તેમ પ્રેમની પણ કોઈ ઉંમર હશે! બસ થોડા વખત સાથે રહો અને પ્રેમનું પતન શરૂ !શું આજ સત્ય હશે? ના, હમેશા એવુ નથી પણ પ્રેમમાં થોડી આધ્યાત્મિકતા ભેળવી દેવી જરૂરી હોય છે. “તત્વમસિ ”
ગઝલના શરૂઆતી ચાર પાંચ શેર પ્રેમીનું હદય જાણે ખડ ખડ વહેતું ઝરણું! છેલ્લા ત્રણ શેર જાણે વ્યથાના અવતરણ ચિન્હ!
“કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું” શ્રી કાબિલ ડેડાણવીની ખૂબ સરસ ગઝલ છે. શ્રી વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Jigisha Desai said,
August 8, 2026 @ 5:51 PM
વાહ…એકીકરણ,વર્ગીકરણ,અવતરણ… ખૂબસરસ
અગન રાજ્યગુરુ said,
August 10, 2026 @ 10:04 AM
વાહ…વાહ…
Harihar Shukla said,
August 10, 2026 @ 10:12 AM
સારી ગઝલ. બીજા શેરમાં રદીફ દોષ હોય એમ લાગ્યું.
Harihar Shukla said,
August 10, 2026 @ 10:14 AM
સારી ગઝલ. એક ગઝલમાં બે મત્લા એક કાફિયા સાથે!
વિવેક said,
August 10, 2026 @ 11:30 AM
@ હરિહર શુક્લ:
એક જ કાફિયો બે મત્લામાં વારાફરતી વાપરી ન શકાય એવો કોઈ નિયમ મારી જાણમાં નથી… આપની જાણમાં હોય તો જાણ કરવા માટે વિનંતી…
Jyoti Ramani said,
August 10, 2026 @ 12:05 PM
સરસ ગઝલ
kamlesh shukla said,
August 10, 2026 @ 1:43 PM
સાદ્યંત સુંદર ગઝલ.
ઘણા કલ્પનો નવા અને તાજગી ભરેલા લાગે છે.
સર્જકને ખૂબ ખૂબ અભિનંદન.
gaurang thaker said,
August 10, 2026 @ 1:58 PM
વાહ… સુંદર ગઝલ
preeti pujara said,
August 10, 2026 @ 3:37 PM
આ ગઝલમાં પ્રેમ માત્ર મિલનની લાગણી નથી, પરંતુ સ્મૃતિ, વિયોગ, સમર્પણ અને આંતરિક વ્યથા સાથે જીવાતો અનુભવ બનીને આવે છે.
‘સરિતાનું મરણ’, ‘સાગર-ઝરણું’ અને ‘રણમાં ઝાંઝવાનાં જળ’ જેવા પ્રતીકો પ્રેમની અધૂરી તૃપ્તિ અને વેદનાને વ્યક્ત કરે છે.
પ્રિયજનની યાદને જ તેની હાજરી માનવી—‘તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા’—પ્રેમની તીવ્રતાનું હૃદયસ્પર્શી નિરૂપણ છે.
પ્રેમ ક્યારેક દૃષ્ટિને આવરી લે છે, ક્યારેક જીવનના રણમાં ઝરણું બનીને આશા જગાવે છે.
આમ, ગઝલમાં પ્રેમ મળવા કરતાં વધુ અનુભવવાની અને અંદરથી બદલાઈ જવાની ઘટના તરીકે પ્રગટે છે.આવી સુંદર ગઝલ માટે સર્જકને ખૂબ અભિનંદન
Rekha Shukla said,
August 10, 2026 @ 4:36 PM
સરિતાનું મરણ અને રૂપ નું વર્ગીકરણ 😳
Rekha Shukla said,
August 10, 2026 @ 4:36 PM
સરિતાનું મરણ અને રૂપ નું વર્ગીકરણ 😳 સુંદર ગઝલ
Jigna Rathod said,
August 10, 2026 @ 5:19 PM
ખૂબ સરસ રચના 💐💐
Jyoti Patel said,
August 10, 2026 @ 9:11 PM
Classical romantic writing with beautiful use of the radif ‘આવ્યું’. Wonderfully observed by Vivekbhai that love changes perspectives like a kaleidoscope 👌👌
વિવેક said,
August 11, 2026 @ 11:02 AM
તમામ પ્રતિભાવકોનો હૃદયપૂર્વક આભારી છીએ….
વિગતવાર પ્રતિભાવ આપવા બદલ શ્રી કિશોર આહ્યા, સુશ્રી પ્રીતિ પૂજારા તેમજ જ્યોતિ પટેલનો ખાસ આભાર
Meena Parekh said,
August 11, 2026 @ 4:51 PM
વાહ સરસ
મુક્તિદા કુમાર said,
August 13, 2026 @ 4:40 AM
સરસ રજુઆત
રચના માટે અભિનંદન
મુક્તિદા કુમાર said,
August 13, 2026 @ 4:42 AM
અફલાતૂન
હકીકત
સરસ રચના
દિલ દ્રાવક!
અભિનંદન
Riyaz Langda said,
August 13, 2026 @ 11:45 AM
વાહ
ramesh maru said,
August 13, 2026 @ 12:08 PM
વાહ 👌🏻👌🏻
Vrajesh Mistri said,
August 14, 2026 @ 10:27 PM
વાહ.. ઝરણ