કવિતા વિશે અલ્પ જલ્પ – જયંત પાઠક
શું પંડિતનું પાઘડું પહેર્યે મોટુંમસ?
બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ.
Π
કલ્પવૃક્ષ ને કામગૌ મર રહે અમરાપરી,
માગ્યું મળતું થાય તો કોણ કરે કવિતા ફરી!
Π
રમતા આવે વાયરા, રમતા હાલ્યા જાય,
વેહ વગરના વાંસ તે કેમ કરીને ગાય!
Π
મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.
Π
વેંત જીભ ને મોકળું ગળું વદે બહુ વાણ,
મરમાળું પણ ગાન તો ઝમે મૌનને હાણ.
– જયંત પાઠક
આનંદ અનેક પ્રકારના હોય અને અનેકવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ થકી એ મેળવી શકાય, પણ કવિતાના ભાવસેવનથી જે આનંદ મળે છે એને અલૌકિક -‘બ્રહ્માનંદ સહોદર’- આનંદ ગણવામાં આવ્યો છે. આ જ કારણ છે કે કવિઓ સતત કવિતાના મૂળ સુધી જવાની મથામણ કરતા રહે છે. પ્રસ્તુત દોહાઓમાં પણ કવિએ કાવ્યતત્ત્વને આળખવા-ઓળખવાની તજવીજ કરી છે. જ્ઞાની હોવામાત્રથી કાવ્યપદાર્થ હાથ ન આવે, ખરી કવિતા નિર્ભેળ આનંદની અભિવ્યક્તિમાં છે. કવિતા એ અતૃપ્ત કામનાનું સંતાન છે. ઇચ્છ્યું ને માંગ્યું બધું મળી રહેતું હોય એવી અમરાપુરી જેવી દુનિયામાં કવિતા કોણ કરે? આત્મામાં છિદ્રપડ્યા હોય-વેદના વેઠી હોય તો અનુભૂતિનો પવન વાંસળીના સૂર- કવિતા બનીને રેલાય. છિદ્ર વગરના વાંસમાંથી પસાર થતો પવન સૂર ન રેલાવી શકે. ટૂંકમાં દર્દ સેવ્યા વિના કવિતા પાકતી નથી. કવિતા વાચાળતામાંથી નથી જન્મતી, એ તો મૌનમાંથી ઝમે છે.
પાંચેય દોહા ખૂબ સ-રસ થયા છે. પણ એક વાતની નોંધ લેવી જરૂરી જણાય છે. કવિએ દોહરા (દુહા) છંદ વાપર્યો છે પણ પહેલા બંને દોહામાં દોષ થયો છે. દોહા એટલે અનુક્રમે ૧૩અને ૧૧ માત્રાના બબ્બે ચરણવાળી બે પંક્તિ. (છંદઅન્વય: દાદા દાદા દાલદા, દાદા દાદા દાલ) પહેલા દોહામાં બંને કડીમાં વાક્યાંતે અનિવાર્ય લઘુ અક્ષરની અનુપસ્થિતિ કઠે છે, જ્યારે બીજા દોહામાં ૧૩-૧૧ માત્રાના સ્થાને કવિએ બંને ચરણમાં ૧૩-૧૩ માત્રા પ્રયોજી છે. સમર્થ કવિ પણ ક્યારેક આવી ચૂક કરી બેસતા હોય છે.


Amin Kanchan said,
June 9, 2026 @ 12:21 PM
કવિની કવિતાના મૂળ પર્યંત પ્હોચવાના. સરસ દો-છીપમોતીવાંસ વેહ દ્વારા દર્દની મહતા મૂળ છે.- સરસ-દોહા-
વિપુલ માંગરોલિયા-વેદાંત said,
June 9, 2026 @ 1:40 PM
વાહ ખૂબ સરસ દુહા, મજા આવી ગઈ
Vrajesh Mistri said,
June 9, 2026 @ 2:22 PM
રમતા આવે વાયરા, રમતા હાલ્યા જાય,,,,મજા આવી…સરસ
દાન વાઘેલા said,
June 9, 2026 @ 5:50 PM
જીવાતા જીવન વચ્ચેના સંજોગોને સહજ હળવાશ સાથે માર્મિક રીતે રજૂ કરી આપ્યા છે.. ગુજરાતી લોકજીવનમાં દોહરા ભાવોર્મિથી છલકતા સહજ નિર્દેશ કે સંદેશમય હોય છે. લોકગાયક એમાં હે.. હોજી.. બાપલા વગેરે શબ્દો ઉમેરીને પણ રજૂ કરતા હોય છે. એમાથી લોકજીભે વહેતો રહે એ “પાંખાળો” અથવા પાંખવાળો દુહો કહેવાય છે. દુહા અને આસ્વાદનનો હિલ્લોળો ગમ્યો.. આનંદ સહ અભિનંદન.
Harihar Shukla said,
June 9, 2026 @ 6:30 PM
સરસ રજુઆત અને આસ્વાદ દુહાઓનો. કવિશ્રી દાન વાઘેલાનો પ્રતિભાવ પણ માણવા યોગ્ય.
Kishor Ahya said,
June 9, 2026 @ 7:35 PM
“શું પંડિતનું પાઘડું પહેર્યે મોટુંમસ?
બે અક્ષર આનન્દના પાડી શકું તો બસ. ”
અહીં સંત કબીરનો દોહો “ઢાઈ અ ક્ષર પ્રેમ કે પઢે તો પંડિત હોય” યાદ આવે છે. અહીં પંડિત એટલે જેમને શાસ્ત્રોનું જ્ઞાન તો છે પણ શાસ્ત્રમાં જેનું વર્ણન છે તેવો કોઈ આત્મ અનુભવ થયો નથી, ફકત પુસ્તકીયું જ્ઞાન છે. મોટી પાઘડી પહેરી પોતે પોતાને પંડિત સમજે છે એ પર કવિ પોતેજ ખફા છે ને પોતાને જ ટોણો મારે છે, કહે છે આનાથી તો બે અક્ષર આનંદ મળે એવુ લખી શકું તો બસ છે!
પોતાનું અધ્યન કરવુ, કરતા રહેવું, એનું નામ સ્વાધ્યાય. કવિ અહીં સ્વાઘ્યાયી બન્યા છે અને ખરું શું છે તે કવિ સમજે છે કે જ્યાં સુધી પોતાને સ્વ.નો અનુભવ થયો નથી, પોતાને આત્મ અનુભવ અનુભવ થયો નથી ત્યાં સુધી બાહ્ય જ્ઞાન એટલે કે પંડિતાઈનું કોઈ જ મહત્વ નથી. બહુ સરસ વાત છે .આજે તો આખો કહે છે તેમ ‘અંધે અંધા ઠેલિયા’ જેવું છે ,અનુભવ તો ઠીક , પણ આત્મ તત્વની વાત પણ ક્યાંક ક્યાંક જ સંભળાય છે! બીજા દોહા કવિતાને લગતા છે એ પણ બહુ સચોટ છે ,કવિ કહે છે કવિતા એમજ થઈ જતી નથી, માંગ્યું મળતું હોય તો કવિતા કોણ કરે?
“મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.”
કવિતા કાળજાનું દર્દ છે ને એ ઉભરાય ત્યારે કવિતા રચાય જતી હોય છે. હવા આવતી જતી હોય પણ વાંસમાં પોલ ન હોય તો અવાજ થતો નથી,વાંસમાં પોલાણ હોવું જરૂરી છે તેમ કવિતા પણ મૌનના પોલાણને ઝંખે છે, કવિ કહે છે,કવિતા મૌનમાં જન્મે છે!
શ્રી વિવેકભાઈએ ‘દુહા’ પર બહુ સરસ આસ્વાદ આપ્યો છે. કવિતા પર કવિ શ્રી જયંત પાઠકની આ પહેલાની રચના ‘સાચી કવિતા’ પણ બહુ મજાની રચના છે.
🌹🌹🌹🌹
Reena Parikh said,
June 10, 2026 @ 12:00 PM
ખૂબ સરસ દોહા!
મોતી પાકે છીપમાં, પાકે ઉદરે ગર્ભ,
કવિતા પાકે કાળજે : ત્રણેય સેવ્યે દર્દ.
ખૂબ સરસ! મજા આવી.💐
Varij Luhar said,
June 11, 2026 @ 12:20 PM
કવિતા પાકે કાળજે… વાહ
દુહાઓમાં ગરક થઈને આસ્વાદ કર્યો હોય તેવું જણાય છે