એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

યથેચ્છસિ તથા કુરુ – વિરલ શુક્લ

શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ

મળે ન મોક્ષ તોય ચાલશે, અપાવ આટલું-
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ

અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી,
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ

વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં,
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ

કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન,
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ

બિલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી,
સમર્પ઼ું શ્વાસ–શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ.

હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી,
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ.

સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.

– વિરલ શુક્લ

શ્રીમદ ભગવદ્ગીતાના આખરી અધ્યાયના શ્લોકમાંથી ‘यथेच्छसि तथा कुरु’ વાક્યાંશ પસંદ કરીને કવિને એને રદીફ તરીકે પ્રયોજીને કવિ સાદ્યંત સુંદર ગઝલ પેશ કરે છે. અર્જુનની જેમ સમર્પણભાવ ગ્રહીને કવિ ઈશ્વર સાથે એકતરફી સંવાદ સાધીને પછી પરિણામ માટે ‘તને જેમ ઠીક લાગે એમ કર’ કહીને પોતાનો ભાર એના પર સોંપી નચિંત થઈ જાય છે. કવિ પાસે ઈશ્વરને કરવા માટે બીજી કોઈ જ પ્રાર્થના નથી, સિવાય એક કે પોતાની આખરી તરસ એ છિપાવે અને આ તરસ કઈ એનોય ફોડ પાડવાને બદલે કવિ એ પણ અંતર્યામી પર જ છોડી દે છે… સમગ્ર ગઝલમાં જે રીતે કવિએ શબ્દવણાટ કર્યું છે એ પણ રદીફની જેમ જ ગઝલને પ્રચલિત ચાલમાં હડિયાદોડ કાઢતી ગઝલોથી નોખી કરી આપે છે.

આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલ કહી છે… એ આવતીકાલે જોઈશું…

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया|
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। ॥ (ભગવદ્ગીતા ૧૮ : ૬૩)

(આ રીતે મેં તને ગુહ્યથીય ગુહ્યતર જ્ઞાન કહી દીધું છે. આના પર પૂરી રીતે વિચાર કર અને જે પ્રકારે ઇચ્છા થાય એ પ્રકારે કર.)

11 Comments »

  1. સુનીલ શાહ said,

    July 22, 2021 @ 1:43 AM

    વાહ..
    અદ્દભુત

  2. jagdip nanavati said,

    July 22, 2021 @ 1:57 AM

    ગઝલની એક અનોખા અનુભૂતિ….
    સરસ…ખુબ સરસ

  3. Shah Raxa said,

    July 22, 2021 @ 3:04 AM

    વાહ. વાહ..આધ્યાત્મની પરાકાષ્ઠા કેવી સહજ રીતે વણી લીધી…

  4. Janki said,

    July 22, 2021 @ 3:38 AM

    Waah…. Kaik judu…. Bahu j saras

  5. સંજુ વાળા said,

    July 22, 2021 @ 4:13 AM

    વિરલ ગીત અને ગઝલમાં સતત નવ્ય ઉપાદાનો માટે મથનારો કવિ છે. છેલ્લા થોડા વર્ષોમાં નીખરી આવેલા કવિઓમાં વિરલની કવિતા માત્ર ભાવથી નહીં ભાષાથી પણ નવતા ધારણ કરી રહી છે. તેનો આનંદ
    આપે પણ સરસ ગઝલ પસંદ કરી અહીં આપી એ માટે ધન્યવાદ
    કવિને સુકામનાઓ.
    🌹🌹

  6. Harihar Shukla said,

    July 22, 2021 @ 8:42 AM

    કવિને (કે ઈશ્વરને) આધિન રહેવાનું છેવટે તો ઇચ્છાને 👌💐

  7. Chetan Shukla said,

    July 22, 2021 @ 9:39 AM

    speechless

  8. pragnajuvyas said,

    July 22, 2021 @ 9:55 AM

    સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
    છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.
    વાહ્
    કવિશ્રી વિરલ શુક્લની અદ્દભુત ગઝલનો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ આસ્વાદ
    ઇંતેજાર આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલનો

  9. Maheshchandra Naik said,

    July 23, 2021 @ 12:22 AM

    અધ્યાતમિક ગઝલના બધા જ શેર દ્વારા ઈશ્વરની સર્વોપરીતા સ્વિકારવાની વાત સહજ રીતે કહી દીધી છે…
    કવિશ્રીને અભિનદન……

  10. હર્ષદ દવે said,

    July 23, 2021 @ 3:51 AM

    સરસ. વિરલ શુક્લને અભિનંદન.
    આસ્વાદ માટે ધન્યવાદ.

  11. Parbatkumar said,

    July 25, 2021 @ 11:58 AM

    વાહ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment