ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિરલ શુક્લ

વિરલ શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત – વિરલ શુક્લ

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…

મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….

અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…

સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…

– વિરલ શુક્લ

ગીત વાંચવા-સમજવાનું તો પછી થાય, સૌપ્રથમ તો આપણને ગીતની બોલી જડબેસલાક પકડી લે છે… આવી કેવી ગુજરાતી! કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષાનું આ કૉકટેલ વાંચતાવેંત નશો થઈ જાય એવું છે. જે સિક્કા શબ્દથી ગીતનો ઉપાડ થાય છે, એ સિક્કા જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ છે, જ્યાં વસતા મુસલમાન વાઘેરો આવી બોલી બોલે છે, જેને કવિએ અહીં યથાર્થ ઝીલી બતાવી છે.

સિક્કા ગામમાં રહેતો સલીમ મામુને મોતી ભલે ન મળે, પણ ગોતાખોરીની બધી તરકીબોથી વાકેફ એક નંબરનો ડૂબકીમાર હતો. અસલમ ગપોડી કહેતો કે સિકકામાં મોતી થતાં જ નથી, પણ આ તો મામુને જાદુથી દરિયો બાંધવો છે એટલે એ ડૂબકી લગાવે છે. ગંજેરી મામદ ફકીરના કહેવા મુજબ સલીમને ગંગાસતીએ જેને વીંધ્યું હતું એવાં જ મોતી મળ્યાં હતાં. ગંજેરી માણસની વાતનો જો કે ખાસ ભરોસો ન થાય. કાવ્યાંતે કવિ પોતે જ પર્દાફાશ કરતાં કહે છે કે દરિયાને મામુની અને મામુને દરિયાની આદત હતી અને મામુની આંખના આંસુ જ સાચાં મોતી હતાં, જે ડૂબકીએ ડૂબકીએ એ દરિયાને અર્પતો હતો.

આમ જુઓ તો એક સીધુંસાદું કથાકાવ્ય છે આ. પણ વિશિષ્ટ બોલી અને આંખોના ખિસ્સામાં પડેલાં મોતી જેવા વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે…

Comments (17)

યથેચ્છસિ તથા કુરુ – વિરલ શુક્લ

શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ

મળે ન મોક્ષ તોય ચાલશે, અપાવ આટલું-
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ

અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી,
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ

વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં,
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ

કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન,
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ

બિલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી,
સમર્પ઼ું શ્વાસ–શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ.

હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી,
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ.

સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી,
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ.

– વિરલ શુક્લ

શ્રીમદ ભગવદ્ગીતાના આખરી અધ્યાયના શ્લોકમાંથી ‘यथेच्छसि तथा कुरु’ વાક્યાંશ પસંદ કરીને કવિને એને રદીફ તરીકે પ્રયોજીને કવિ સાદ્યંત સુંદર ગઝલ પેશ કરે છે. અર્જુનની જેમ સમર્પણભાવ ગ્રહીને કવિ ઈશ્વર સાથે એકતરફી સંવાદ સાધીને પછી પરિણામ માટે ‘તને જેમ ઠીક લાગે એમ કર’ કહીને પોતાનો ભાર એના પર સોંપી નચિંત થઈ જાય છે. કવિ પાસે ઈશ્વરને કરવા માટે બીજી કોઈ જ પ્રાર્થના નથી, સિવાય એક કે પોતાની આખરી તરસ એ છિપાવે અને આ તરસ કઈ એનોય ફોડ પાડવાને બદલે કવિ એ પણ અંતર્યામી પર જ છોડી દે છે… સમગ્ર ગઝલમાં જે રીતે કવિએ શબ્દવણાટ કર્યું છે એ પણ રદીફની જેમ જ ગઝલને પ્રચલિત ચાલમાં હડિયાદોડ કાઢતી ગઝલોથી નોખી કરી આપે છે.

આ જ રદીફ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લએ પણ એક મત્લા-ગઝલ કહી છે… એ આવતીકાલે જોઈશું…

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया|
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। ॥ (ભગવદ્ગીતા ૧૮ : ૬૩)

(આ રીતે મેં તને ગુહ્યથીય ગુહ્યતર જ્ઞાન કહી દીધું છે. આના પર પૂરી રીતે વિચાર કર અને જે પ્રકારે ઇચ્છા થાય એ પ્રકારે કર.)

Comments (11)

રણના ખારવાનું ગીત – વિરલ શુક્લ

ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.
સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!
પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા ન થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ જ રે’તી રે’જે છેટા.
સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના,સુણા ન કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી…
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ,તરસ નામકી મન્જીલ હમકું બરસોં બીતે ગોત રહી હૈ
કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

-વિરલ શુક્લ

આ અદભુત ગીતનો વધુ અદભુત રસાસ્વાદ કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

શીર્ષક વાંચીને આપણને અચંબો થાય: ખારવો? અને તે ય રણમાં? ગીત વાંચતાં આપણું આશ્ચર્ય વધતું જાય: આ ક્યાંની બોલી હશે? – જામનગર પાસેના સિક્કા-બેડા વિસ્તારના મુસલમાન વાઘેરો આવી કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી બોલે છે.

ખારવાની સામે વિકટ સમસ્યા છે: એક તો દરિયો પાર કરવાનો, બીજું કે દરિયો સુક્કો, અને ત્રીજું કે હોડી ખરી, પણ કાગળની! ડાહ્યોડમરો માણસ આવી મુસાફરી ખેડવાનું સાહસ ન કરે, પણ ખારવો માથાફરેલો છે! શું છે એના સામાનમાં? આંસુ, સપનાં અને હાસ્ય-ઠઠ્ઠો. આ ત્રણને લૂગડાના પોટલે ન બંધાય, માટે આસમાનના પડીકે બાંધે છે. આસમાની રંગના વસ્ત્રનું પડીકું બનાવવું એ કંઈ નાનીસૂની કલ્પના નથી. ઝિંદાદિલ આદમીની લાગણીઓને સમાવવા આભ પણ ઓછું પડે. ખારવો અલ્લાબેલી પોકારીને સઢ મૂકી દે છે છુટ્ટાં!

બુઢ્ઢો ચાચા દુનિયાદારીનું પ્રતીક છે. ડાહ્યા લોક ચેતવે છે: આવી ખડખડ-પાંચમ હોડી? તે ય ચોમાસામાં? ઊંધી વળી કે વળશે! સુક્કા દરિયામાં તો જોખમ વધુ- રેતીમાં છીતી જાશે. કવિએ ઉક્તિ એવી નાટ્યાત્મક રચી છે કે હૂબહૂ બુઢ્ઢો ચાચા બોલતો સંભળાય છે. આંસુ, સપનાં અને હંસીમજાક એવી હો-હા મચાવે છે કે શિખામણના શબ્દ સંભળાય જ નહિ. ખારવો લંગર ઉપાડે છે. ખારવો હોડી સાથે એવો તદ્ રૂપ થઈ ગયો છે કે કવિ કહે છે: ખુદ હોડીએ રસ્સી તોડી!

‘ઈન્તેજારનો સુક્કો દરિયો’ ઓળંગીને મેળવવાનું શું છે? છેક મધદરિયે ખબર પડે છે કે દરિયાને સામે છેડે તો તરસ છે, જે પોતે ખારવાને ગોતી રહી છે! કહો કે તરસને ખારવાની તરસ છે. કાગળની હોડી વિશેની બુઢ્ઢા ચાચાની આગાહી સાચી પડી: ‘કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા.’ હલેસાં હડસેલાઈ ગયાં, હોડી નામશેષ થઈ ગઈ. ‘કાળીભમ્મર ઓટ’ હોનારત સૂચવે છે.
હવે ચમત્કાર: ‘તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ.’ ખારવો જાણી જાય છે કે એને તરસની જ ઝંખના હતી. રઝળપાટ કરવો, મથામણ કરવી, એ જ એનું જીવનકાર્ય. બંદરબારામાં પડી રહે તો વહાણ સલામત રહે, પણ શું એને માટે વહાણનું નિર્માણ થયું હતું? પગ વાળીને બેસે તે બીજાં, ખારવો તો નિત્યપ્રવાસી!

‘તરસ મીલી તો તરસ બુજી હૈ’- રખડપાટની તરસ એટલે ‘વોન્ડર થર્સ્ટ.’ એ જ નામના કાવ્યમાં જ્હોન મેસફીલ્ડ ગાય છે:
“બિયોન્ડ ધ ઈસ્ટ ધ સનરાઇઝ, બિયોન્ડ ધ વેસ્ટ ધ સી,
એન્ડ ઈસ્ટ એન્ડ વેસ્ટ ધ વોન્ડર થર્સ્ટ, ધેટ વિલ નોટ લેટ મી બી.”
(ઉગમણે સૂર્યોદય અને આથમણે સમંદર. પણ રખડપાટની તરસ તો બન્ને દિશામાં, જે મને જંપવા દેતી નથી.)

આપણે પણ ખારા રણના ખારવા છીએ, રેતીમાં વહાણ ચલાવીએ છીએ. નાસીપાસ થાય તે બીજા.

-ઉદયન ઠક્કર

Comments (9)