પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

રણના ખારવાનું ગીત – વિરલ શુક્લ

ઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.
સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!
પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા ન થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ જ રે’તી રે’જે છેટા.
સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના,સુણા ન કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી…
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ,તરસ નામકી મન્જીલ હમકું બરસોં બીતે ગોત રહી હૈ
કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…

-વિરલ શુક્લ

આ અદભુત ગીતનો વધુ અદભુત રસાસ્વાદ કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

શીર્ષક વાંચીને આપણને અચંબો થાય: ખારવો? અને તે ય રણમાં? ગીત વાંચતાં આપણું આશ્ચર્ય વધતું જાય: આ ક્યાંની બોલી હશે? – જામનગર પાસેના સિક્કા-બેડા વિસ્તારના મુસલમાન વાઘેરો આવી કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી બોલે છે.

ખારવાની સામે વિકટ સમસ્યા છે: એક તો દરિયો પાર કરવાનો, બીજું કે દરિયો સુક્કો, અને ત્રીજું કે હોડી ખરી, પણ કાગળની! ડાહ્યોડમરો માણસ આવી મુસાફરી ખેડવાનું સાહસ ન કરે, પણ ખારવો માથાફરેલો છે! શું છે એના સામાનમાં? આંસુ, સપનાં અને હાસ્ય-ઠઠ્ઠો. આ ત્રણને લૂગડાના પોટલે ન બંધાય, માટે આસમાનના પડીકે બાંધે છે. આસમાની રંગના વસ્ત્રનું પડીકું બનાવવું એ કંઈ નાનીસૂની કલ્પના નથી. ઝિંદાદિલ આદમીની લાગણીઓને સમાવવા આભ પણ ઓછું પડે. ખારવો અલ્લાબેલી પોકારીને સઢ મૂકી દે છે છુટ્ટાં!

બુઢ્ઢો ચાચા દુનિયાદારીનું પ્રતીક છે. ડાહ્યા લોક ચેતવે છે: આવી ખડખડ-પાંચમ હોડી? તે ય ચોમાસામાં? ઊંધી વળી કે વળશે! સુક્કા દરિયામાં તો જોખમ વધુ- રેતીમાં છીતી જાશે. કવિએ ઉક્તિ એવી નાટ્યાત્મક રચી છે કે હૂબહૂ બુઢ્ઢો ચાચા બોલતો સંભળાય છે. આંસુ, સપનાં અને હંસીમજાક એવી હો-હા મચાવે છે કે શિખામણના શબ્દ સંભળાય જ નહિ. ખારવો લંગર ઉપાડે છે. ખારવો હોડી સાથે એવો તદ્ રૂપ થઈ ગયો છે કે કવિ કહે છે: ખુદ હોડીએ રસ્સી તોડી!

‘ઈન્તેજારનો સુક્કો દરિયો’ ઓળંગીને મેળવવાનું શું છે? છેક મધદરિયે ખબર પડે છે કે દરિયાને સામે છેડે તો તરસ છે, જે પોતે ખારવાને ગોતી રહી છે! કહો કે તરસને ખારવાની તરસ છે. કાગળની હોડી વિશેની બુઢ્ઢા ચાચાની આગાહી સાચી પડી: ‘કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા.’ હલેસાં હડસેલાઈ ગયાં, હોડી નામશેષ થઈ ગઈ. ‘કાળીભમ્મર ઓટ’ હોનારત સૂચવે છે.
હવે ચમત્કાર: ‘તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ.’ ખારવો જાણી જાય છે કે એને તરસની જ ઝંખના હતી. રઝળપાટ કરવો, મથામણ કરવી, એ જ એનું જીવનકાર્ય. બંદરબારામાં પડી રહે તો વહાણ સલામત રહે, પણ શું એને માટે વહાણનું નિર્માણ થયું હતું? પગ વાળીને બેસે તે બીજાં, ખારવો તો નિત્યપ્રવાસી!

‘તરસ મીલી તો તરસ બુજી હૈ’- રખડપાટની તરસ એટલે ‘વોન્ડર થર્સ્ટ.’ એ જ નામના કાવ્યમાં જ્હોન મેસફીલ્ડ ગાય છે:
“બિયોન્ડ ધ ઈસ્ટ ધ સનરાઇઝ, બિયોન્ડ ધ વેસ્ટ ધ સી,
એન્ડ ઈસ્ટ એન્ડ વેસ્ટ ધ વોન્ડર થર્સ્ટ, ધેટ વિલ નોટ લેટ મી બી.”
(ઉગમણે સૂર્યોદય અને આથમણે સમંદર. પણ રખડપાટની તરસ તો બન્ને દિશામાં, જે મને જંપવા દેતી નથી.)

આપણે પણ ખારા રણના ખારવા છીએ, રેતીમાં વહાણ ચલાવીએ છીએ. નાસીપાસ થાય તે બીજા.

-ઉદયન ઠક્કર

9 Comments »

  1. Anjana bhavsar said,

    June 8, 2021 @ 2:26 AM

    વાહ…સરસ ગીત અને એટલો જ સરસ આસ્વાદ..નાસીપાસ થાય તે બીજા…

  2. Deval Vora said,

    June 8, 2021 @ 2:53 AM

    શરૂઆતમાં બોલી કઠી … રસભંગ થયો …પણ આખું ગીત વાંચતા ખબર પડી કે ખુબ સુંદર ગીત …રસાસ્વાદથી વધુ ઉઘડ્યું  અને ખરેખર મજા પડી …વાહ …આભાર … 

  3. Parbatkumar said,

    June 8, 2021 @ 4:10 AM

    સિક્કા બેડા વિસ્તારની બોલીનાં ગીતોમાં વિરલભાઈ
    સિક્કો જમાવી રહ્યા છે
    ખૂબ સરસ આસ્વાદ ઉદયનભાઈ
    ખૂબ આભાર વિવેકભાઈ આવા ગીતથી રૂબરૂ કરવા બદલ

    અમારે પાલનપુરી બોલીમાં Musafir Palanpuri આવા જ લહેકામાં
    ગઝલો, રૂબાઈ અને મુક્તકો આપે છે

  4. pragnajuvyas said,

    June 8, 2021 @ 8:57 AM

    કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા;
    કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
    તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ,
    કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
    અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી…
    વાહ
    -વિરલ શુક્લ ની અદભુત ગીતનો વધુ અદભુત રસાસ્વાદ
    કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં માણ્યો
    ધન્યવાદ ડૉ વિવેક ,વિરલ શુક્લ અને ઉદયન ઠક્કર

  5. Pravin Shah said,

    June 8, 2021 @ 8:59 AM

    વિરલ કવિની વિરલ કવિતા !

    ઉદયનભાઇ અને વિવેકભાઇનો ખૂબ ખૂબ આભાર !

  6. Poonam said,

    June 9, 2021 @ 12:14 AM

    સપણે-વપણે,આંસુ-વાંસુ,હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.… Aaha…
    Aasawad swadishth… 😊

  7. Chetan Shukla said,

    June 10, 2021 @ 10:51 PM

    આવા ગીતોમાં વિરલની મહારથ દેખાઈ આવે છે. શબ્દોની પસંદગી અને વિષય સાથેની જુગલબંદીને કારણે મનનીય ગીત થયું છે. કવિને અભિનંદન

  8. Harsh Thaker said,

    June 17, 2021 @ 3:02 AM

    કવિતાઓ જ્યારે મોજ આપવા માંડી એ વખતે કવિતાની ચોપડીઓ વસાવવાના વેંત નહોતા. બાપાએ લઈ દીધેલા ફોનમાં લયસ્તરો ખોલીને બેસતાં. કવિતાઓ વાંચતા, એનો આસ્વાદ વાંચતા અને કોઈક કવિતા જો કમ્પોઝ થઈ હોય તો બફરિંગના કંટાળા સાથે એ ય સાંભળી લેતાં.

    લયસ્તરો વરદાન જેવું લાગતું. મજા આવતી. થતું કે આમાં તો જેમ માળી આખા બાગમાંથી ફૂલ ચૂંટે એમ કવિતાઓ ચૂંટેલી મળી રહે. થતું કે ક્યારેક એકાદ કવિતા આપણીય આમાં આવે તો મોજ પડે – અને આવા વિચારથી જ ગલગલીયા થઈ જતાં. આજે એવાં જ ગલગલીયા ઉપડ્યા છે. આ ગીત મારું પોતીકું લાગે એટલી હદે વ્હાલું છે. ન જાણે કેટલીય વાર ભાઈબંધોની મહેફિલ વચ્ચે ભાઈએ આ ગીત સંભળાવ્યું હશે. (આમ તો આ ગીત અમને રણના ખારવા બનાવવાની વિરલભાઈની તાલીમનો એક ભાગ છે.)

    રવિવારની પૂર્તિમાં ઉદયનભાઈએ આ ગીતનો આસ્વાદ કર્યો અને આ ગીત જગત આખાના કાનમાં ગુંજયુ અને આજે લાયસ્તરોએ આ ગીતને ઉદયનભાઈના આસ્વાદ સાથે બરોબ્બર ઝીલીને આ ગીતનાં પડઘા ફરી જગતમાં વહેતાં કર્યા છે. વિરલભાઈનાં અદ્ભૂત ગીતવિશ્વનું આ નાનકડું પરગણું આપ સૌને મુબારક..

  9. વિવેક said,

    June 17, 2021 @ 8:25 AM

    સહુનો આભાર્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment