ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ

વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ.
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.

ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ.
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.

નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધુંય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.

ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ.
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.

ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.

સખત છતાંય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.

સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.

– રાજેન્દ્ર શુક્લ

ગઈકાલે આપણે કવિશ્રી વિરલ શુક્લની ‘યથેચ્છસિ તથા કુરુ’ રદીફવાળી ગઝલ માણી. કવિમિત્ર પ્રણવ પંડ્યાએ તરત જ એમની યાદદાસ્તના ગજવામાં હાથ નાંખીને આ ગઝલની એક પંક્તિની ચબરખી મોકલી આપી, અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના ફેસબુક પેજ પરથી આખી રચના પણ મળી ગઈ.

કવિવરે જો કે ચુસ્ત કાફિયા સાથે સાત શેરની સળંગ મત્લા ગઝલ રચી છે.

શિષ્ય ગુરુ પાસે જ્ઞાન ઝંખે છે પણ ગુરુ (ગરુ) કહી કહીને એ જ કહે છે કે તારી ઇચ્છા મુજબ તું કર. ગુરુ જાણે છે કે સર્વેશ્વરની મરજી વિના પાંદડું પણ હલવાનું નથી અને પોતે ગમે એટલું જ્ઞાન કેમ ન આપે, શિષ્ય પણ અંતે તો ઈશ્વર આપેલી બુદ્ધિ અને એના જ ઈશારાને પોતાની મરજી ગણીને પોતાની રીતે જ બધું કરશે. ઈશ્વરરુપી ચરુ આપણા સહુની અંદર છે જ. એમાંથી આપણે આપણી ઇચ્છા મુજબ ગ્રહણ કરવાનું છે. દુનિયામાં કશું ખરું-ખોટું નથી, ઈશ્વરકૃપાથી જે સૂઝે એ જ શરૂ કરવાનું છે. એની કૃપાથી બધું પાધરું થશે અને કહ્યામાં ન હોય એવું મન પણ પાંસરું થશે.

અરુંપરું નો અર્થ આમ તો આડુંઅવળું કે અહીંતહીં થાય છે પણ કવિએ અનુસ્વાર ન વાપર્યા હોવાથી સાની મિસરાના સંદર્ભમાં અરુ એટલે અન્ય કે વિશેષ અને પરુ એટલે સ્વર્ગ એમ વધુ સમજાય છે, ભલેને બીજું કે વિશેષ સ્વર્ગ સુદૂર કેમ ન હોય, એ સ્વયં જ રૂબરૂ (હરુભરુ) થશે.

5 Comments »

  1. Kajal kanjiya said,

    July 23, 2021 @ 3:52 AM

    સુંદર ગુરુવાણી 🙏😊

    જય ગુરુવર 🙏

  2. કિશોર બારોટ said,

    July 23, 2021 @ 4:03 AM

    સુંદર ગઝલ 👌

  3. Harihar Shukla said,

    July 23, 2021 @ 6:11 AM

    સર્વાંગ સુંદર મત્લા ગઝલ અને એને અનુરૂપ જ એનો આસ્વાદ 👌

  4. Chetan Framewala said,

    July 23, 2021 @ 8:59 AM

    ગુરુ પૂર્ણિમાના શુભ દીને સાહેબની અદભૂત કૃતિ…

  5. pragnajuvyas said,

    July 23, 2021 @ 9:27 AM

    આ રાજેન્દ્ર શુક્લની અદભુત રચનાનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment