જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

ડાળે રે ડાળે – પ્રજારામ રાવળ

ડાળે રે ડાળે ફૂલડાં ફોરિયાં હો જી.

.        આવી આવી હો વસંત,
.        હેતે ક્ષિતિજો હસંત,
.        વગડો રંગે કો રસંત !
ખેતરુંને શેઢે મલક્યા થોરિયા હો જી. 0ડાળે રે.

.        કિચૂડ કોસનું સંગીત,
.        ભરપૂર પાણી કેરી પ્રીત,
.        દવનાં દાઝ્યાં થાતાં શીત!
તાજાં રે પાણીડે છલક્યા ધોરિયા હો જી. 0ડાળે રે.

.        આંબા ઝૂલે કૂણાં પાને,
.        કોયલ સાંભળે કૈં શાને?
.        કડવી લીમડીઓના કાને
વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. 0ડાળે રે.

– પ્રજારામ રાવળ

વસંતને આવવાને હજી તો ઘણી વાર છે, પણ એક મજાની રચના હાથ લાગી તો થયું મનની મોજ સહુ સાથે વહેંચવી જોઈએ. વસંત આવતાં જ ડાળેડાળ ફૂલોથી છલકાઈ ઊઠે છે. ક્ષિતિજો હાસ્ય વેરે છે અને ઉજ્જડ વગડો નવા રંગો ધારે છે. થોર સુદ્ધાં મલકતાં નજરે ચડે છે. ફૂલો ઝાડને તો કોસનું સંગીત સૃષ્ટિને ભરી દે છે. ગરમીથી દાઝેલા હૃદય પાણી પીને શીતળતા અનુભવે છે. તાજા પાણીથી નીકો (ધોરિયા) છલકાઈ રહી છે. કોયલની મનમાનીને કારણે કડવી લીમડીઓના કાને પણ મીઠો રસ રેલાય છે. સાવ સરળ ભાષામાં કેવું મજાનું પ્રકૃતિચિત્ર કવિએ દોરી આપ્યું છે!

4 Comments »

  1. પૂજ્ય બાપુ said,

    October 26, 2023 @ 1:11 PM

    મજાનું પ્રકૃતિકાવ્ય…

    જય હો…

  2. અમિત ત્રિવેદી said,

    October 26, 2023 @ 2:15 PM

    ખુબ સુંદર રચના છે. કવિ ને અભિનંદન અને વેબસાઇટ ઉપર રજૂ કરવા માટે અભિનંદન અને આભાર

  3. pragnaju said,

    October 27, 2023 @ 9:39 PM

    કવિશ્રી પ્રજારામ રાવળનુ મજાનુ ગીત,
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    કડવી લીમડીઓના કાને
    વાયરે લહેરે મીઠાં લોળિયાં હો જી. 0ડાળે રે.
    વાહ
    યાદ આવે
    કડવા આ લીમડા લાગે છે મીઠડા,.
    આવ્યા ઉનાડાના …
    રહે નહીં કો જીવતું,
    રહે ના ફરતું શોણિત રંગમાં,.

  4. Poonam said,

    December 15, 2023 @ 12:30 PM

    આંબા ઝૂલે કૂણાં પાને,
    કોયલ સાંભળે કૈં શાને? આઅહા !
    – પ્રજારામ રાવળ –
    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment