તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

બુગદામાંથી પસાર થતાં – પ્રજારામ રાવળ

સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.

તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !

કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !

આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?

– પ્રજારામ રાવળ

શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.

ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.

આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.

ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.

આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?

2 Comments »

  1. pragnajuvyas said,

    September 25, 2020 @ 10:35 AM

    કવિશ્રી પ્રજારામ રાવળનુ વિચારપ્રધાન રચનાનું સ્વરૂપ ધારણ કરી ૧૪ પંક્તિવાળું સોનેટનો ડૉ. વિવેકનો આસ્વાદ ન હોત તો આટલી મજા ન આવત.
    આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
    કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?
    વાહ્

  2. Pravin Shah said,

    September 26, 2020 @ 1:06 AM

    મંદાક્રાંતામાં એક સુંદર સોનેટ..
    સુંદર આસ્વાદ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment