રપા અપાર વરસે :૦૧: વરસાદડો તો….
વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો
છાંટેછાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો!
ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા
છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા!
લોહીનું ટીપું ટીપું સૈડ-સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો…
વાદળની ડેલીએ ચાકરી કરે છે પણ રોફ કરે એમ-જાણે શેઠિયો!
સૂરજને પૂછો તો કહેશે કે ઈ તો છે દરિયાની પેઢીનો વેઠિયો…
એ તો છે મુંને મારી કાયામાં પૂરી, બ્હાર પહેરાઓ ભરતો સિપાઈડો…
– રમેશ પારેખ
રિસાઈને મોટા ગામતરે ચાલ્યું ગયેલું ચોમાસું વધારે પડતી જ ગાજવીજ સાથે પાછું ફર્યું છે. કોરા ગયેલા જુનનું સાટુ ન વાળતો હોય એમ મેઘરવો સાંબેલાધાર તૂટી પડ્યો છે. આવા વરસાદમાં બે વસ્તુ કરવાનું મન થાય-એક તો ગરમાગરમ ભજિયાં ઝાપટવાનું અને બીજું વરસાદી કવિતામાં સરાબોળ ભીંજાવાનું. ચાલો, આજથી સાત દિવસ સુધી લાગલગાટ વરસાદી ગીતોમાં મનભર નહાઈએ. પહેલાં તો થયું કે સાત દિવસ સાત અલગ અલગ કવિઓની રચનાનો આહલાદ લઈએ, પણ પછી લયના કામાતુર રાજવીએ અજગરભરડો લઈ કહ્યું કે મને… બસ, મને જ રજૂ કરો… તો પેશ છે વરસે રમેશ સપ્તાહ… સાત દિવસ સુધી લાગલગાટ એક જ કવિની સાત વરસાદી કૃતિઓમાં છબ છબ કરીએ…
પ્રસ્તુત ગીતરચના જાણીતી છે. જાનપદી બોલીના કારણે એ વધુ મીઠું લાગે છે.
(વાયડો=શેખીખોર; ભાયડો=ધણી; ચાવળું=ચિબાવલું, દોઢદાહ્યું; સૈડ-સૈડ સસડે= સડ સડ અવાજ સાથે તળાવું)
લયસ્તરો પર ર,પા.ની આ પૂર્વે પોસ્ટ થયેલ વરસાદી રચનાઓ આપ નીચે લખેલ કાવ્યપંક્તિઓ પર ક્લિક કરીને માણી શકશો:
- આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
- ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
- વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
- વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
- ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ
- ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
- મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી!


લતા હિરાણી said,
July 6, 2026 @ 11:09 AM
વરસાદ આવી ગયો છે પણ આવી રચનાઓ તો બારેમાસ ભીંજવે….
મજા પડી ગઈ.
પૂજ્ય બાપુ said,
July 6, 2026 @ 11:42 AM
અહા… ખૂબ ગમતું ગીત…
કૌશલ યાજ્ઞિક said,
July 6, 2026 @ 11:43 AM
સરસ રચના
uday maru said,
July 6, 2026 @ 11:43 AM
જય હો રપાની….
Anonymous said,
July 6, 2026 @ 11:44 AM
અહા,,, ર. પા. એટલે ર.પા.
ભારતી વોરા said,
July 6, 2026 @ 11:45 AM
અહા…. ર. પા. એટલે ર. પા.
Anonymous said,
July 6, 2026 @ 11:59 AM
વરસાદને ર. પા. જેટલો લાડ બીજા કોઈ કવિએ વરસાદને લડાવ્યો નથી.
ભગીરથ પંડ્યા said,
July 6, 2026 @ 12:20 PM
ઝમ ઝમાઝમ
ને
છબ છબાછબ
ર પા મેવલિયો થઇ
આયવો ટનાટન!!!
ભગીરથ પંડ્યા said,
July 6, 2026 @ 12:21 PM
ઝમ ઝમાઝમ
ને
છબ છબાછબ
ર પા નામે મેવલિયો
ભગીરથ પંડ્યા said,
July 6, 2026 @ 12:28 PM
ઝમ ઝમાઝમ
ને
છબ છબાછબ,
ર પા મેવલિયો થઇ
આયવો ટનાટન!
જય હો!
Aasifkhan Pathan said,
July 6, 2026 @ 12:44 PM
Vaah
છમછમાંછમ
vrajesh said,
July 6, 2026 @ 2:28 PM
wah…ભભરાવે મીઠાના વાટકા!
દમયંતી બારોટ said,
July 6, 2026 @ 3:10 PM
અહ હા…
તડપદા શબ્દો ની કેવી મોજ…
છેલ્લી લાઈન….
આખી કવિતા અહીં ….જ.
ભગીરથ પંડ્યા said,
July 6, 2026 @ 3:13 PM
ઝમ ઝમાઝમ!
ને
છબ છબાછબ!
ર પા મેવલિયો,
થઇ આયવા ટનાટન!
જય હો!
vijay parmar said,
July 6, 2026 @ 9:47 PM
વાહ, મજા પડી. વરસાદના વધામણા આથી સારા તો વળી શું હોય. ખોબા જેવડા ફ્લેટ ને બારી વગરની ઓફિસમાં બેઠેલી વ્યક્તિ પણ આ કવિતા વાંચીને ભીંજાયા વગર નહીં રહે.. એ પાક્કું.
વિરલ વ્યાસ said,
July 7, 2026 @ 11:53 AM
રપાની બંને રચનાઓ જોરદાર. મજા આવી.
Parbatkumar Nayi said,
July 7, 2026 @ 1:34 PM
આહા
છાંટે છાંટે
વધામણાં
રપા
Piyush kumar Bhatt Pradyumanrai Bhatt Bhatt said,
July 8, 2026 @ 1:22 AM
વાહ, આનંદ આવકાર અને ઓચ્છવ.વરસાદી માહોલ વચ્ચે લયસ્તરો .પા.ની રણઝણતી રમઝટ બોલાવશે એટલે તરબતર થવાના જ. આજ પહેલું જ કાઠિયાવાડી તળપદા શબ્દોથી રણઝણ રણઝણ કરતું ગીત એટલે જ વર્ષાના વધામણા.
ગીતનો ઉપાડથી જ કવિ તેને તું કારો દઈને વ્હાલથી ‘વરસાદડો’ કહીને જ અંગતતા કેળવી લે છે. સાથે જાણે જુગજુની ઓણખાણ હોય એમ ‘પહેલુકથી છે સાવ વાયડો’ કહી નિકટતા સાધી લે છે.વર વહુ નાં રીસામણા મનામણાં એ જ ગીત નો મુખ્ય સૂર છે. અહીં છાંટાનો સ્પર્શ પણ કવિતા બની મ્હોરે જ ને? વાહ, ચામડીને ચાવળા અડપલાં કરે, જાણે છાંટે છાંટો ચામડીને ચાંચો થી ટોચતો ન હોય? વળી છાતી ઉઝરડી ને મીઠા નાં વાટકા ભભરાવે..સલાહ, અદ્ભુત કમાલની વાત. ભીના થયા પછી ત્વચામાં થતી બળતરાને કવિ પ્રેમથી ગળ્યું દુઃખ સમજી લે, ઉઝરડી ને જાણે મીઠું ભભરાવવા નો ઘરગથ્થુ ઉપચાર.કારણ, લોહીનું ટીપું સસડે…તાવ, ભીનાશથી થાકોડો… અંતરે બાળતો વરસાદ, હૈ વાહ.્્
બીજા બંધમાં તો શેઠિયો અને વેઠિયો ના પાત્રો માં હાજર.્લોકબોલીમા ..અંતે મારી કાયામાં મુંને પૂરી બહાર સિપાઈડો પહેલા ભરતો કહી ગીતનો સાર આપી ગીત માં કહે છે કે હવે વરસાદ મહેમાન નહીં પણ કાયામાં જ ઘર કરી બેસે અને પોતે જ બહાર સિપાઈ બની પહેરા ભરે છે.
વરસાદની અંગત અનુભૂતિ નો મીઠો અહેસાસ રમેશભાઈ એ આ ગીત માં કરાવી ભીંજવે છે. આ ગીત વાંચ્યા પછી બારીએ બેસી વરસાદ ન માણીએ પણ વાયડા ભાયડા સાથે મીઠી નોકઝોક કરવા પલળતાં પલળતાં જ દોડીએ.
વાહ, આત્મસાત અનુભૂતિ કરાવે એવું ગીત પીરસવા માટે વિવેકભાઈ નો આભાર.
વિવેક મનહર ટેલર said,
July 8, 2026 @ 10:34 AM
તમામ પ્રતિભાવકોનો તહે દિલથી આભાર…
આસ્વાદ કરાવવા બદલ શ્રી પીયૂષ ભટ્ટનો સવિશેષ આભાર