માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
મરીઝ

તારું પહેલા વરસાદ સમું આવવું – રમેશ પારેખ

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું

ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

– રમેશ પારેખ

પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે.  ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’.  પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…

14 Comments »

  1. Jayshree said,

    September 24, 2010 @ 1:03 AM

    આહા… આ ગીત તો થોડા વખતથી કાનમાં વારંવાર ગુંજે છે..! અમારા મમ્મીનું ફેવરિટ ગીત 🙂 અને ખાસ કરીને મમ્મી રસોડામાં હોય ત્યારે ગણગણતા હોય છે…

    મારી હથેળીમાંય એવી રેખાઓ
    જેવી રેખા છે ખાખરાના પાનમાં
    લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

    વાહ….

  2. હેમંત પુણેકર said,

    September 24, 2010 @ 2:29 AM

    નખશીખ રસથી તરબતર ગીત!!!

    વડોદરામાં આર્કી, યુનાઈટેડ વે વગેરે ગરબામાં આ ગીત ગવાય છે. ખૂબ સુંદર!

    ફક્ત પહેલી પંક્તિમાં “ફાગણની ઝાળઝાળ…” એમ છે એવું યાદ આવે છે.

  3. jigar joshi 'prem' said,

    September 24, 2010 @ 3:47 AM

    ઘણા સમયે આ ગીત નજર સામે આવ્યું….ને ફરી નખશિખ ભીંજાવી ગયુ…..ર્.પા. તો ર.પા જ ને ! મખમલી ગીતોનો મુલાયમ માણસ……વાહ !

  4. tirthesh said,

    September 24, 2010 @ 6:37 AM

    વાહ !

  5. વિહંગ વ્યાસ said,

    September 24, 2010 @ 7:15 AM

    વાહ….

  6. pragnaju said,

    September 24, 2010 @ 7:15 AM

    ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
    અને હું રે વેરાઈ જઉં રાનમાં
    મારી હથેળીમાંય એવી રેખાઓ
    જેવી રેખા છે ખાખરાના પાનમાં
    લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?

    ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
    હવે આંખોને કેમ રે ભુલાવવું
    વાહ્
    અમે રાની અને આ તો અમારી સહજ અનુભૂતિ…!
    પરંતુ અમરેલીમાં જિંદગીની દોડધામ વચ્ચે રમેશ પારેખને …પૂર આવ્યું-ઓચિતા ધોધમાર સામસામે બેઉનું ઊભા રહ્યાંનું, ફળિયે ઝાડ પલાશફૂલ નીતરતું, વેરાઈ જવાની વાત – રાનમાં, હથેળીમાં રેખઓ જેવી ખાખરાનાં પાનમાં, છાંયડા ઊછેરી શકાય લીંબોળી વાવીને, મૂંઝવણ શાની થાય છે ચોમાસું વાવવાની… જાણે સૂરત જીલ્લાનું ૬૦ વર્ષ પહેલાનું ઘલા ગામ!

  7. Kirtikant Purohit said,

    September 24, 2010 @ 11:52 AM

    પહેલા વરસાદના સઁવેદનમાઁ ભીઁજાવાની મઝા માણી જાણે.

  8. Kalpana said,

    September 24, 2010 @ 11:52 AM

    વાહ. સુન્દર રચના. છાઁયડા ઉછેરવા? આપણે સૌ મીઠી યાદના બી વાવી સપના ઉછેરીએ તો વર્તમાનનો
    કાઁટાળો પઁથ કાપવો સરળ બને.
    વિવેકભાઈની વ્હાલની સુનામીની કલ્પના બહુ ગમી.
    આભાર વિવેકભાઈ.
    કલ્પના

  9. sudhir patel said,

    September 24, 2010 @ 2:11 PM

    ર.પા.નું અમર અને અદભૂત ગીત!
    અમરેલીની સુકીભઠ્ઠ ધરા પર જીવી સૌને ભીંજવી ગયાનું યાદ!!
    સુધીર પટેલ.

  10. rakesh said,

    September 24, 2010 @ 10:36 PM

    wah. wah adbhut

  11. prabhat chavda said,

    September 25, 2010 @ 12:18 AM

    વરસાદ મા વરસવા નો વારો આયો

  12. dhrutimodi said,

    September 25, 2010 @ 3:08 PM

    શું કહું? રમેશ પારેખની તોલે કોઈના આવે.ૅઍમ.ઍ.માં ભણેલા આ ગીતો તાજા થઈ ગયા.
    ફળિયે પલાશફૂલ નિતરતું ઝાડ
    અને હું રે વેરાઈ જઉં રાનમાં,
    મારી હથેળીમાંય ઍવી રેખાઑ
    જેવી રેખા છે ખાખરાના પાનમાં
    લીંબોડી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
    અદ્ભુત.

  13. NIRAJ said,

    November 4, 2011 @ 4:35 AM

    મારા એક શિક્ષક કાયમ ધીમા સ્વરે આ ગીત ગાતા હતા

  14. ઉર્વશી જાદવ said,

    September 9, 2020 @ 1:08 PM

    ગુજરાતી કવિતા નો નાયગરા ધોધ – રમેશ પારેખ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment