વરસાદ ભીંજવે – રમેશ પારેખ
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
-રમેશ પારેખ
રમેશ પારેખનું આ ભીનું ભીનું કાવ્ય અતુલની ફરમાઈશથી.
લયસ્તરો » આવ સજનવા - દિલીપ રાવળ said,
November 3, 2006 @ 11:23 PM
[…] પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે. ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો માણવાનું રખે ચૂકતા – 1, 2, 3 . […]
વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે… « સહિયારું સર્જન - પદ્ય said,
June 21, 2007 @ 1:44 AM
[…] અહીં આપણે બે અને વરસાદ ભીંજવે […]
પ્રતીક નાયક said,
June 25, 2007 @ 2:36 AM
વાહ 🙂 મઝા પડી ગઈ.
indravadan g vyas said,
July 21, 2008 @ 3:22 PM
આ કવિતા વાંચી હૈયું ભીંજાઈ ગયું.ર.પા. નો કોઇ પાર ન પામે..ભાઈ ભાઈ…
ઇન્દ્રવદન વ્યાસ.
urvashi parekh said,
June 27, 2009 @ 9:03 PM
વરસતા વરસાદ માં આ સરસ રચના વાંચવાની ખુબ મજા પડી ગઈ.
આભાર..
vimal agravat said,
December 12, 2010 @ 7:25 AM
સમગ્ર વિશ્વસાહિત્યમાં વરસાદ વિશે આના જેવું ગીત કદાચ નહી લખાયું હોય.
renu pasad said,
June 3, 2011 @ 3:52 AM
કવિતા વાંચી ને બહુ બધી યાદો તરબતર થઈ ગઈ….thnx for sharing this poem…
rajee said,
November 5, 2011 @ 10:09 AM
સાચુ કહ્યુ વીમલભાઈ
આના જેવુ કોઇ ગીત નથી… જે શબ્દો થી જ તરબોળ કરી દે
Akhtar Shaikh said,
April 5, 2013 @ 11:36 AM
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
Ek Avi Rachna… je darek ne kyarek to sparshi j hoi…..