હું જ બેસી રહું મારામાં પલાંઠી દઈને,
ચાંપતી નજરે એ જોવાને કે હું ક્યાંય ગયો?
- વિવેક મનહર ટેલર

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

8 Comments »

  1. Parbatkumar Nayi said,

    October 9, 2025 @ 10:54 AM

    આહા
    આ તો લલકારવાનું ગીત

    ગજું નાણે
    🥰

  2. Varij Luhar said,

    October 9, 2025 @ 11:26 AM

    વાહ.. ખૂબ સરસ ગીત

  3. Dr. Vrajlal Savaliya said,

    October 9, 2025 @ 11:44 AM

    ટીપા, છાંટા, ચૂવા, વાછંટ, ધાર…..આ પંક્તિએ ગામડાના બાળપણના ઘરની યાદ અપાવી દીધી.
    વરસાદના સમયે આખા ઘરમાં તપેલા, તપેલી, તગારા દેખાતા. પપ્પા નળિયા સરખા કરવાના કામમાં લાગેલા રહેતા.
    હજી વરસાદ આવે છે, ત્યારે પપ્પા યાદ આવે છે અને આંખમાં આંસું આવે છે.

  4. રેણુકા દવે said,

    October 9, 2025 @ 3:31 PM

    આહા હા હા….
    ચોંટડુક…

  5. Pinki Pathak said,

    October 9, 2025 @ 5:18 PM

    તરબતર ભીંજાય જવાય…. ના માથાબોળ ગીત આ તો !! 😄

  6. Pinki Pathak said,

    October 9, 2025 @ 5:20 PM

    અને આ વરસાદમાં પોતાની જાત વ્હાલી કેમ લાગે એના પર તો વૈજ્ઞાનિક સંશોધન થવું જોઈએ 😄

  7. વિપુલ વાઘેલા said,

    October 12, 2025 @ 8:36 AM

    ખુબ સુંદર રચના છે…

    એમની રચનાની માફક એક નાનકડો પ્રયાસ મે પણ કરેલો જે આ સાથે રજુ કરું છું આશા છે પસંદ આવશે..

    “ધોધમ-ઝરમર-ચુવા-છાંટા-નેવા…”

    ઝરમરીયા અરમાનો માફક પડીને તમે ભીંજવી છે સુકેરી માટી,
    વાંછટના છંટકાવ એવા કીધા કે હવે સૌ કોઈ ખાશે ગુલાટી.

    ધોધમ ધોકાર કદીક ઝરમરનો માર પાછો જાતો જાતાય છે પલાળે,
    વાદળની મીંચોલી આંખે ખેલાવી છતાં રહેતો એ કાયમ સંગાથી.

    છીંછરું શું સાંભળીને છાલકમાં આવરીને રહેતો’તો છાનો છુપેરી,
    નેવાની માફક એ ભરપુર ભીંજાવે ને તોયે ધરા શીદ એથી છે પ્યાસી ?

    આકળને વ્યાકળ ઈચ્છાઓ થઈ દોડે ને ટીપાંમાં રહેતો સુંવાળો,
    ઘેઘુરસા હીબકે એ આવે કયારેક તોયે સરવરને પાળ કાં સુકાતી ?

    આતે ના ચુવા કે છાંટાની વાત આતે ભીનાશે કોરીકટ લાગણી,
    ધારે ધધુડાની માફક ઉલ્લેચાતી ભાવનાઓ ક્યાં જઈ પુગાતી ?
    -✍️વિપુલ વાઘેલા…

  8. Poonam said,

    January 3, 2026 @ 12:34 PM

    જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!
    -રમેશ પારેખ – Kyaa baat !

    Mast rachna sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment