સુખની કવિતા – પ્રાણજીવન મહેતા
નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;
મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.
આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…


Kishor Barot said,
April 6, 2026 @ 12:19 PM
સુખનું સરનામું ચિંધનાર કવિતા. 👌
daxa sanghavi said,
April 6, 2026 @ 12:30 PM
વાહ જ્યોતિષની ચકલી… વાહ સરસ પ્રયોજન
DILIP DHOLAKIYA SHYAM said,
April 6, 2026 @ 2:57 PM
સુખની કલ્પના અને સમગ્ર કવિતામાં સુંદર વિભાવના રજૂ કરેલ છે. અભિનંદન કવિ શ્રી🌹🌹
જયેશ ભટ્ટ said,
April 6, 2026 @ 3:39 PM
વાહ
Kishor Ahya said,
April 6, 2026 @ 6:10 PM
દરેક વ્યક્તિ સુખની પોતાની ધારણા પ્રમાણે સુખી છે. વાસ્તવિકતા કરતા સુખનો આધાર સુખ ઉપરની પોતાની માન્યતા શું છે તે પર વધુ છે. કવિ શ્રી– પ્રાણજીવન મહેતા એ”સુખની કવિતા” અછાંદસમાં આજ વાત બહું સરસ કહી છે. અછાંદસમાં વાસ્તવિક જીવનની કેટલીક સચ્ચાઈ જાણવા મળે છે. અંગ્રેજીમાં કહેવત છે ને કે
‘Ignorance is bliss” ગુજરાતીમાં “જાણ્યું એટલું દુઃખ” કહેવત અહીં પ્રતિબિબ થતી લાગે છે. કવિ કહે છે , “સુખી થવાની કલ્પના કરતો માણસઅત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…”
મિર્ઝા ગાલિબની એક શેર છે
હમ કો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન,
દિલ કે ખુશ રખને કો ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હૈ.
ગાલિબ કહે છે હું જાણું છું પણ હૃદયને રાજી રાખવા જન્નતની કલ્પનાઓ બહુ સારી છે!
મનુષ્યને મીઠી ઊંઘમાંથી જગાડી શકાય, પણ જેણે જાગતા છતાં આંખો મીંચી હોય તેને કેમ જગાડી શકાય?
કહેવત છે ને કે “કબૂતર આખ વીચી દે એટલે બિલાડી ચાલી જતી નથી” જાગવું ન જાગવું એ મનુષ્ય પર નિર્ભર કરે છે પણ હકીકતો થી પલાયનવાદ કરી સુખ ની અસંભવ કલ્પનાઓમાં સચવું,
જીવન પર ઊંડો કટાક્ષ છે!
મનુષ્યને કલ્પનામાં રાચવું ગમે છે એનું મનોવિજ્ઞાની કારણ છે કે મનુષ્ય જે ઈચ્છે છે તેવું જીવનમાં સંભવ ન હોય ત્યારે મનુષ્ય કલ્પનામાં રાચે છે! આને ધોરા દિવસે સપના જોવાનું કહે છે અને જો એ વધતા જાય તો એ વ્યક્તિ મનોરોગી પણ થઇ શકે છે.
ક્યારેક વ્યક્તિ પોતાની આસપાસ માન્યતાનું એક એવું સખત વર્તુળ બનાવી લે છે જેમાં બીજા કોઈના વિચારોને કોઈ સ્થાન નથી હોતું! પોતાની માન્યતા જ એનું સુખ દુઃખ હોય છે અને મનુષ્ય.માત્ર, ધનિક હોય શ્રમિક, વિદ્વાન હોય કે અશિક્ષિત,દરેકવ્યક્તિ પોતાની રીતે જીવનનું સુખ મેળવી જ લે છે. આથી પ્રશ્ન સુખ કોને કહેવાય અને સુખી કોણ એ બાબતે જરાપણ કહી શકાય નહી. આથીજ કવિ વ્યંગ કરતા કહે છે..
“નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.
આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.,”
સરસ અછાંદસ અને શ્રી વિવેકભાઈનો એટલોજ સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
Shailesh Gadhavi said,
April 6, 2026 @ 7:08 PM
વાહ
Manoj Shukla said,
April 6, 2026 @ 7:36 PM
વાહ, સરસ વાત – વાસ્તવમાં સુખ એ તો ઝાંઝવાના જળ માત્ર. અજ્ઞાન, આભિસ અને કલ્પનામાં રાચવું જ સુખ હોવાનું તારણ પણ ગમ્યું. સુખની કવિતામાં સુખ વ્યાખ્યાયિત થશે તેવી અપેક્ષા હતી. સુખ-દુ:ખ સાપેક્ષ છે .એ દરમ્યાન મારા મનમાં જે ઊગ્યું તે તે લખ્યું. અત્રે રજુ કરું છું: ન જાણું, વલૂરૂ દુ:ખોને સુખી છું
ન ચિથરે હું બાંધું જો તાંદુલ સુખી છું.
અગર ઉપહાસો ‘ને મસ્તી મજાકો
મજાથી હસીને હું માણું સુખી છું.
કદી કોઈ ક્ષણને કહી આપદા છે
ન ચાહું ન તાવું ન ટાંકું સુખી છું.
નથી નામ કોઈ નથી કામ કોઈ
કહો ના વિના જે હું છું તો સુખી છું.
સુખી ના થવાના તો રસ્તા ઘણા છે
તે રસ્તે ન જાવું બને તો સુખી છું.
–મનોજ શુક્લ.
(૬/૪/૨૦૨૬)
વિવેક said,
April 7, 2026 @ 11:48 AM
સમય ફાળવીને પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
Kishor Ahya said,
April 7, 2026 @ 8:37 PM
સુખી ના થવાના તો રસ્તા ઘણા છે
તે રસ્તે ન જાવું બને તો સુખી છું.
વાહ! મનોજભાઈ.ખૂબ સરસ. ગમ્યું.
ramesh maru said,
April 11, 2026 @ 12:13 PM
વાહ 👌🏻
Poonam said,
April 24, 2026 @ 9:03 PM
… મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું… waah !
– પ્રાણજીવન મહેતા
Aaswad saras sir ji 🙏🏻