એવા રે મારગ અમે સંચર્યા – તનસુખ ભટ્ટ ‘યાત્રી’
ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા…
ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે માર્ગ અમે સંચર્યા…
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે માર્ગ અમે સંચર્યા…
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે માર્ગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા
– તનસુખ ભટ્ટ ‘યાત્રી’
(૨૧ માર્ચ, ૧૯૧૧ થી ૦૫ ફેબ્રુઆરી ૨૦૦૪)
આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…
(ટૂંક=શિખર; મઢી=મઢૂલી, ઝૂંપડી; મોલ=મહેલ; ત્રોવર=તરુવર, મોટું ઝાડ; દેરડી=નાની દેરી; મોઝાર=મધ્યે, વચ્ચે; સ્વામ=સ્વામી)


Vrajesh Mistri said,
April 10, 2026 @ 11:15 AM
અચ્છા હૈ
પૂજ્ય બાપુ said,
April 10, 2026 @ 11:21 AM
વાહ ખૂબ મજાની અનુભૂતિજન્ય કવિતા…
dr margi doshi said,
April 10, 2026 @ 3:07 PM
Nice sharimg 👏👏
Kishor Ahya said,
April 10, 2026 @ 6:05 PM
“બચપન ખેલ મેં ખેલા,જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કે રોયા ! વહી કિસ્સા પુરાના હૈ ; સજન રે ઝૂઠ મત્ત બોલો ,ખુદાકે પાસ જાના હૈ ..”
જન્મ્યા થી મર્યા સુધીની યાત્રા જાણે એક આંખ ઝપકી હોય
એમ ક્યારે પૂરી થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી અને ખુદાને ઘેર જવાનો સમય આવી જાય છે. લગભગ મોટાભાગના મનુષ્યો જીવનની આપાધાપીમાં જીવનનો આનંદ ,સ્વયંની ખોજ કર્યા વિના જીવન પૂરું કરે છે. કવિશ્રી તનસુખ ભટ્ટ ‘યાત્રી’ તેમની રચના “એવા રે મારગ અમે સંચર્યા “માં વન, વનરાઈ, પર્વતો, સરોવર ,ખીણ વગેરે કુદરતી ઉપક્રમોની ઉપમા લઈને ઈશ્વરના દર્શન થઈ શકે એવા માર્ગે સંચર્યા (પ્રયાણ કર્યું) ની વાત કરે છે,કવિ કહે છે..
“ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે માર્ગ અમે સંચર્યા”…
શ્રી વિવેકભાઈએ આસ્વાદમાં આ પંક્તિનો સરસ સ્વાદ આપ્યો છે. આ પ્રયાણ સહેલું નથી અને “કેડી રે વંકાણી વેલી સમી” એટલેકે વેલ જેવી વાંકીચૂકી કેડીઓ છે જેમાં “કપરા કરવા ચિત” .ચિત પર કાબુ મેળવવો મુશ્કેલ છે. આથીજ કવિ ગીતની છેલ્લી પંક્તિમાં બધાને ખમાવે છે ને કહે છે તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
“ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા”
કવિએ સરસ ભક્તિપદ આપ્યું છે જોકે કવિએ અહીં દર્શન કરવાની ઇચ્છા બતાવી માર્ગે પ્રયાણ કરવાની વાત કરી છે પણ માર્ગની વાત અધ્યાર્ રાખી છે પણ કવિએ જે રીતે માર્ગનું વિવેચન કાવ્યમાં કર્યું છે તે જોતા કવિ માર્ગ અને મંઝિલ વિશેની કોઇ ચોકસ દૃષ્ટિ ધરાવતા હશે જ, એવું જરૂર કહી શકાય.
આધ્યાત્મિકતા એક ગહન, અદૃશ્ય અને વિવાદાસ્પદ વિષય છે એટલે કોઇપણ વાત ને હકારમાં લઈ શકાય અને નકારમાં પણ, કેમકે તર્ક તો બને બાજુએ મળી શકે .માર્ગ એજ મંજિલ અલગ નથી એવું પણ કહેવાય છે , ચાહે એ માર્ગ પ્રેમનો , જ્ઞાનનો કે ભક્તિનો હોય, દરેક મનુષ્યે પોતાનો માર્ગ સ્વયં ગોતી પ્રયાણ કરવાનું હોય છે, “અચૂક એવા રે મારગ અમે સંચર્યા”…કાવ્યમાં લયબદ્ધતા છે, ઉપમાઓ અને શબ્દો ખુબજ સુંદર છે.
શ્રી વિવેકભાઈ એ ગીતની સરસ પસંદગી કરી હંમેશની જેમ ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Arvind Bhatt said,
April 10, 2026 @ 10:58 PM
આધુનિક કવિતાની પંગતમાં એવી સુંદર રચના.
avijit dey said,
April 11, 2026 @ 6:28 PM
Dear Sir/Madam,
My name is Avijit Dey. I am a freelance data curator from Kolkata working on a Gujarati language dataset project.
We are collecting Gujarati text datasets with permission from the original owners. The dataset will be hosted on the Mozilla Data Collective platform for language technology and non-commercial research.
I would like to request your permission to include text articles and Gujarati writings from your website in this dataset. Your work will be fully credited as the source.
Please let me know if you would be willing to grant permission. It would be greatly appreciated.
Thank you for your time.
Best regards,
Avijit Dey
વિવેક said,
April 12, 2026 @ 11:18 AM
@ Avijit Dey
Kindly share the details on my e mail: vmtailor@gmail.com