શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.
વિવેક મનહર ટેલર

કવિતા વિશેની કવિતા: ૦૨: કવિતા સાથે ઓળખાણ – બિલી કોલિન્સ

હું એમને કહું છું કે એક કવિતાને હાથમાં લો
ને એને સૂરજ સામે ધરો
કાચના કોઈ રંગીન પારદર્શક ટુકડાની જેમ

અથવા કાન ધરી જુઓ એના ગુંજન પર.

કહું છું કે એક ઉંદરને છોડી મુકો કવિતામાં
અને જુઓ કેમ કરી એ આપમેળે પોતાનો રસ્તો શોધે છે.

અથવા કવિતાના ભંડકિયામાં દાખલ થાઓ
અને અંધારામાં દીવાલો પંપાળીને લાઈટની સ્વિચ શોધો.

હું તો ઈચ્છું છું કે બધા
કવિતાના પટ પર વોટર-સ્કી કરતા જાય
ને કિનારે બેઠેલા કવિને હરખથી હાથ કરતા જાય.

પણ એમણે તો બસ કરવું છે એટલું જ કે
કવિતાને ખુરશીએ બાંધીને
મારી મારીને એની પાસે કબૂલાત કરાવવી છે.

બધા દંડાથી એને ફટકારે રાખે છે
માત્ર એટલું જાણવા કે:
એનો ખરો અર્થ શું છે?

– બિલી કોલિન્સ

કવિતા સાથે કેવી રીતે ઓળખાણ કરવી એના ઉપર આ એક નાનકડી રમતિયાળ કવિતા છે.

કવિતા મુક્તપણે માણવાની ચીજ છે. સર્વથા અનુભવવાની ચીજ છે. બધી ઇન્દ્રિયોથી અડકી લેવાની ચીજ છે.

કવિ આપણને કવિતા સાથે રમવા માટે આમંત્રે છે : કવિતાને રંગોથી રંગો, ગુંજનમાં ગાઓ, એને એક કોયડાની જેમ ઉકેલો, અડકીને પારખી જુઓ અને એના પટ પર સ્કીંઇંગ પણ કરી જુઓ ! (વાચક કવિતા પર સ્કીઇંગની મજા માણે અને કવિને ભાગે માત્ર કિનારે બેસવાનું ! 🙂 )

પણ આપણે કરીએ છીએ શું? આપણે કવિતા પર જોર-જુલમ કરીને એને ચોકઠામાં બેસાડવાની કોશિશ કરીએ છીએ. એનામાંથી બળજબરી બંધબેસતો અર્થ કાઢવાની કોશિશ કરીએ છીએ અને એને ક્યાંયની રહેવા દેતા નથી.

1 Comment »

  1. Pravin Shah said,

    October 14, 2026 @ 4:07 PM

    વાહ ! સરસ = બંને= કવિતા અને એની રજૂઆત..
    ધવલભાઈએ કહ્યું તેમ કવિતા તો મુક્તપણે માણવાની ચીજ છે. અનુભવવાની ચીજ છે. બધી ઇન્દ્રિયોથી અડકી લેવાની ચીજ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment