એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!
રમેશ પટેલ ‘ક્ષ’

ધૂમકેતુ – વિવેક મનહર ટેલર

(મંદાક્રાંતા)

સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.

તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.

મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.

હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)

અસંખ્ય લોકોની વચ્ચે આપણે જીવીએ છીએ. તમામની પાસે પોતપોતાની મુદ્રા છે. તમામનો આપણા જીવન પર પોતીકો પ્રભાવ પણ છે. આકાશમાં પણ અસંખ્ય તારાઓ સાથે ચાંદ-સૂરજ અને ગ્રહો વિદ્યમાન છે. આ તમામની સ્થિતિ રોજેરોજ થોડી થોડી બદલાતી હોવા છતાં આપણને એ કાયમી સ્થિર જ લાગે છે… જે રીતે ભવ્યાતિભવ્ય આકાશ એની બહુવિધતા છતાં આપણને એકવિધ લાગે છે, એ જ રીતે આપણી ચોમેર ભાતીગળ પ્રકૃતિ ધરાવતા લોકો હોવા છતાં આપણને આ તમામમાં એકવિધતા જ અનુભવાય છે.

પણ હા, ધૂમકેતુની તો વાત જ નિરાળી.. દાયકાઓમાં એકાદ ધૂમકેતુ પૂંછડિયાળા પ્રકાશ સાથે આવીને ચાલ્યો જાય છે, પણ એની આભા કંઈ એવી અનોખી અને અદભુત હોય છે કે એની છાપ આખીય આભઅટારી કરતાં સવિશેષ અને સુદીર્ઘ અનુભવાય છે… જીવનમાં પણ કોઈક વ્યક્તિ આપણને આવી મળી જતી હોય છે, જે આપણા સંસર્ગમાં બહુ ઓછું રહી ચાલી જતી હોવા છતાં એની સ્મૃતિ આપણી ચારેકોર વર્ષો સુધી વીંટળાઈને જીવ્યે જતી વ્યક્તિઓ કરતાં વધુ તીવ્રતર બની રહે છે…

18 Comments »

  1. Hiral Vyas said,

    May 21, 2022 @ 12:01 PM

    મસ્ત. હા એવું બને કે ઓછા સમય સાથે રહેનાર આપણા મન પર અમીટ છાપ છોડી જાય.

  2. Mayur Koladiya said,

    May 21, 2022 @ 12:16 PM

    ખૂબ સરસ સોનેટ…. વાહ

  3. Harish soni. said,

    May 21, 2022 @ 12:40 PM

    Khubaj vastvik ane asardar nirupan…dhanyavad kavishree…

  4. Shah Raxa said,

    May 21, 2022 @ 1:03 PM

    વાહ…ખૂબ સરસ સોનેટ…

  5. Aasifkhan aasir said,

    May 21, 2022 @ 1:04 PM

    વાહ સરસ

  6. Lata Hirani said,

    May 21, 2022 @ 1:36 PM

    કવિતા અને આસ્વાદ બેય ઉત્તમ

  7. Harihar Shukla said,

    May 21, 2022 @ 3:53 PM

    વ્હોટ્સએપ પર મેસેજ જોઈ લાગ્યું કે નવલિકાકાર ‘ધૂમકેતુ’ ની કાવ્ય રચના હશે? ધૂમકેતુએ કાવ્ય લખ્યું હોય તો મારા વાંચવામાં કેમ ન આવેલું? પણ જે સામે આવ્યું એ સંતર્પક સોનેટ આવ્યું. 👌💐

  8. Pravin Shah said,

    May 21, 2022 @ 4:12 PM

    ખૂબ સરસ – આસ્વાદ ઉત્તમ !

  9. રિયાઝ લાંગડા (મહુવા). said,

    May 21, 2022 @ 6:50 PM

    વાહ….સરસ કવિતા અને આસ્વાદ

  10. નેહા said,

    May 21, 2022 @ 11:28 PM

    Waah.. majanu sonnet

  11. કવિતા said,

    May 22, 2022 @ 5:25 PM

    Wah saras majanu sonet

  12. pragnajuvyas said,

    May 23, 2022 @ 4:10 AM

    ધૂમકેતુ વાંચતા ગદ્યસ્વરૂપોનાંં વાર્તારત્નો ભૈયાદાદા અને ભીખુ દેખાય !
    કવિ શ્રી ડૉ વિવેકજી પોતાની જ રચનાનો આસ્વાદ કરાવે ત્યારે આવા સોનેટ પ્રગટ કરતા પહેલા તેના પ્રસવની વેદના,તે વખતે તેમના મનના ભાવો ચાર, છ અને સાત અક્ષરના ત્રણ ખંડો પૈકી પ્રથમ ખંડને બે કે ત્રણવાર પ્રયોજીને પછી છંદનું પૂરું ચરણ યોજી મંદ મંદ આક્રંદ કરતા છંદમા પ્રત્યક ચતુષ્ક પછી વિચાર પ્રવાહ વળાંક લે છે.
    પ્રથમ ચતુષ્કમાં એકલા,કોઈ ઉદ્દેશ વગર સ્વૈરવિહાર માટે નીકળેલા કવિ પોતાના વિચારમાં ખોવાઈ જાય છે.બીજા ચતુષ્કમાં જીવનમાં તારા,ચંદ્ર આકાશગંગા,ગ્રહો સાંકળી લીધાં છે. નજીક-દૂરના સ્વજનો,જીવનની વાત ત્રીજા ચતુષ્કમાં છે. અને સઘન બનતો જતો ભાવ અંતની બે પંક્તિઓ
    હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
    જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.
    -સોનેટના પ્રાણ સમી ચોટદાર અભિવ્યક્તિમા અમારા અનુભવની સ્મૃતિ તીવ્રતર બની !…
    પડઘાય..:
    ये कौन ख़्वाब में छू कर चला गया मिरे लब
    पुकारता हूँ तो देते नहीं सदा मिरे लब

  13. જયેન્દ્ર ઠાકર said,

    May 24, 2022 @ 3:01 AM

    મંદ મંદ મધુર આક્રંદ કરતા મંદાક્રાંતામાં રચેલી આ મસ્ત કવિતા મન પસંદ છે.
    હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
    જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.
    આ છેલ્લી બે પંક્તિઓ કાવ્ય ફલક પર મેઘધનુષનોની આસ્વાદ આપે છે!

  14. Poonam said,

    May 24, 2022 @ 5:05 PM

    હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
    જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ… Aahaa ❣️

    – વિવેક મનહર ટેલર –

  15. વિવેક said,

    May 24, 2022 @ 5:27 PM

    સમય ફાળવીને પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર…

  16. Chetan Shukla said,

    May 27, 2022 @ 7:51 AM

    અતિ સુન્દર

  17. Lata Hirani said,

    June 9, 2022 @ 2:16 PM

    હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
    જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.

    બહુ સરસ વિવેકભાઇ

  18. વિવેક said,

    June 9, 2022 @ 5:32 PM

    પ્રતિભાવનાર તમામ મિત્રોનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment