તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

કમિટીનો નિર્ણય – એન્ડ્રિયા કોહેન (અનુ.: વિવેક મનહર ટેલર)

હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.

ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?

આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું

કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી

– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)

ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?

મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…

12 Comments »

  1. વિવેક said,

    April 8, 2026 @ 10:59 AM

    મૂળ કવિતા:

    The Committee Weighs In

    I tell my mother
    I’ve won the Nobel Prize.

    Again? she says. Which
    discipline this time?

    It’s a little game
    we play: I pretend

    I’m somebody, she
    pretends she isn’t dead.

    —Andrea Cohen

  2. Aasifkhan Pathan said,

    April 8, 2026 @ 11:55 AM

    Saras

  3. gaurang thaker said,

    April 8, 2026 @ 12:35 PM

    વાહ વાહ…

  4. Arvind Bhatt said,

    April 8, 2026 @ 1:40 PM

    Excellent

  5. Harnish A Desai said,

    April 8, 2026 @ 1:40 PM

    મા માટે દરેક વ્યક્તિ ને જન્મથી , જીવન પર્યંત એક ભાવનાત્મક લગાવ રહેતો હોય છે , મા ના ગયા પછી
    એની સ્મૃતિ , એની સાથેના સંસ્મરણો વાગોળવા ની કવિ ની આ ચેષ્ટા, દાદ માંગી લે છે.

  6. Harnish Desai. said,

    April 8, 2026 @ 1:44 PM

    Very nice.

  7. DILIP DHOLAKIYA SHYAM said,

    April 8, 2026 @ 2:47 PM

    આવા અનેક ડોળ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કરતાં જ હોય છે. જે ક્યારેક જીવનબળ બની રહે છે. ખૂબ ઓછા શબ્દોમાં અંગ્રેજી કાવ્યના સુંદર અને યથાર્થ અનુવાદ બદલ કવિ શ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🌹🌹

  8. Neha Purohit said,

    April 8, 2026 @ 4:09 PM

    આહ્હા !!!!! કેટલો સભર ખાલીપો !!!

  9. Kishor Ahya said,

    April 9, 2026 @ 1:20 PM

    “હું ડોળ કરું છું
    કે હું કોઈક ખાસ છું, એ
    ડોળ કરે છે કે એ મરી નથી”

    કવિયત્રી એન્ડ્રિયા કોહેનને જીવનમાં અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે, જ્યારે કોઈ વ્યક્તિને એવોર્ડનું સન્માન મળે ત્યારે માતા પિતાની ખુશીનો આનંદ અવ્યક્ત હોય છે, અને એવોર્ડ મેળવનાર ખુશીના સમાચાર તુરતજ માતા પિતાને મળે એમ ઈચ્છે પણ અહીંયા કથકના માં દુનિયામાં રહ્યા નથી, માં સાથેની પ્રેમભરી યાદોને કારણે કથકનેં આ ખુશીની પળોમાં માં ની સતત યાદ આવતા કથાકનું. મન કલ્પનામાં રાચવા માંડે છે અને માં સાથે પહેલા જે વાતો થતી હતી તેવો કાલ્પનિક સંવાદ મનમાં ઉગી આવે છે. જે કવયિત્રીએ અછાંદસ સ્વરૂપે મૂક્યો હોય શકે.

    પોતાની નોબેલ પ્રાઇઝ નીવાત અને માં નું પૂછવાનું ,બંને કલ્પિત છે જેને કથક ડોળ કરવાની રમત કહે છે. માં એ દુનિયા છોડી દીધી છે પણ કથક કહે છે માં જીવતા હોવાનો ડોળ કરે છે!

    હમણાં જ બ્લોગ પર મુકાયેલ કૃતિ ‘સુખની કવિતા’ માં કલ્પનાના સુખની જે વાત કવિએ કરી છે તેજ વાતનું પ્રતિબિંબ આ અછાંદસમાં દેખાય છે.

    મૃત્યુ માં નું ,ફ્કત શરીરનું મુત્યુ હોય છે પણ મસ્તીકના ખૂણે માં કાયમને માટે જીવતી હોય છે એ વાત કવિયત્રીએ ડોળ ની રમતના ઓથ હેઠળ અછાંદસમાં બહુ સરસ કહી છે.

    કવિયત્રી ટૂંકી રચનાના માહિર છે
    કબર પર ફૂલો ચડાવી કહે છે,

    શોક કરવાનો ઇનકાર
    એન્ડ્રીયા કોહેન.

    ‘ફૂલોના બદલે, તેને પાછો મોકલો.”
    **
    એક બીજી રચના
    Translation in gujarati.

    ​”તેણે મને કંઈક પકડી રાખવા (સાચવવા) કહ્યું હતું. મને લાગે છે કે મેં જે સાચવી રાખ્યું હતું, તે તેનો પાછા આવવાનો વિશ્વાસ હતો.
    **
    ​વ્યુહાત્મક રીતે કહીએ તો
    ​તેઓએ કહ્યું કે અમે
    માનવ
    ​ઢાલ હતા—
    ​તેઓ, જેઓ પોતે
    માનવ
    ​ભાલા હતા.
    **

    ​ઘંટડી
    ​એક ઘંટડી હતી
    જે વાગતી હતી
    ​મારા સપનાઓમાં.
    તે સુંદર હતી
    ​અને હું
    સાવચેત હતો
    ​કે તેને વધુ જોરથી
    ન વગાડું—
    ​રખે ને હું જાગી જાઉં.

    શ્રી વિવેકભાઈ એ ‘The Committee Weighs in’ અછાંદસનો સરસ અનુવાદ કર્યો છે, ઉત્તમ પસંદગી અને હંમેશની જેમ સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  10. વિવેક said,

    April 9, 2026 @ 1:57 PM

    કવિતા અને કાવ્યાનુવાદને વધાવી લઈ, સમય ફાળવીને પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભારી છું…

    હરનીશભાઈ, દિલીપભાઈ અને કિશોરભાઈ જેવા સ્નેહીઓએ તો સવિસ્તર અભિપ્રાય પાઠવ્યો છે… તમામનો સવિશેષ આભાર

  11. ramesh maru said,

    April 10, 2026 @ 3:59 PM

    અનુવાદ પણ મૂળ કવિતાની લગોલગ કરતાં પણ એક ડગલું આગળ વધી જાય છે…

  12. વિવેક said,

    April 10, 2026 @ 4:19 PM

    @રમેશ મારુ: એવું તો ન કહી શકાય પણ આને આપનો પ્રેમ ગણી સ્વીકારું છું..

    ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment