બ્રાહ્મણ અને ક્ષત્રિય – દલપતરામ
એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,
અરે આજ અસલના ક્ષત્રિ યાદ આવિયા;
દેશમાં ન થવા દેતા પરદેશિનો પ્રવેશ,
જેઓએ સંગ્રામ સજી જસ સંપડાવિયા;
અરે આ ભરતખંડ ભૂમિયે એવા ભૂપાળ,
શુરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા;
કહે દલપતરામ શુણીને ક્ષત્રિયે કહ્યું,
અસલના ઋષિયોના રક્ષણે સિધાવિયા.
– દલપતરામ
ગુજરાતી કવિતામાં હાસ્યવ્યંગની રચનાઓ પહેલેથી ઓછી જ જોવા મળે છે. પણ દલપતરામે જે તે સમયે આ બાબતમાં સારું એવું કામ કર્યું હતું. નાની અમસ્તી કૃતિ છે. બહુ મોટી મોટી વાત પણ નથી. ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ની જેમ જ એક જણ આખી રચનાની માંડણી કરે અને કાવ્યાંતે બીજું સો સુનાર કી તો એક લુહાર કીના ન્યાયે એને સાવ ટૂંકાણમાં પણ જડબાતોડ જવાબ આપે એવી રચનારીતિ જ કવિએ અહીં અપનાવી છે. પહેલી છ પંક્તિમાં બ્રાહ્મણ ક્ષત્રિયોની ઠેકડી ઊડાડે છે અને છેલ્લી બે કડીમાં ક્ષત્રિય એની બોલતી બંધ કરી દે છે. કવિના પ્રિય મનહર છંદમાં આ રચનાને મોટેથી લલકારશો તો વધુ મજા આવશે.


Reena Parikh said,
May 16, 2026 @ 11:23 AM
ખૂબ સરસ !💐💐
daxa sanghavi said,
May 16, 2026 @ 11:26 AM
વાહ સંવાદ જેમ લખાતી કવિતા માં એક જૂદી જીવંતતા અનુભવાય
વિજય રાજયગુરુ said,
May 16, 2026 @ 11:28 AM
ત્યારે માણસ પોતાની જાત પર પણ કટાક્ષ કરી શકતા
અત્યારે તો વાત વાતમાં લોકોની લાગણી ઘવાઈ જાય છે
સરસ કટાક્ષ
દલપતરામની આવા આલેખનમાં સારી હથોટી છે
Amin Kanchan said,
May 16, 2026 @ 11:47 AM
વાહ સચોટ કથન – અસલ ક્ષતિય સ્વર્ગે સિધાવ્યા
Kishor Ahya said,
May 16, 2026 @ 6:27 PM
ગુજરાતીભાષામાં આમતો પહેલેથીજ હાસ્ય કવિની ખોટ વર્તાય છે, પણ હાલના સમયમાં તો હાસ્ય કવિતા સાવ ભૂલાય જ ગઈ હોય એવુંજ લાગે છે. હા, હાસ્ય કલાકારની વાત હોય તો વાત જુદી છે! આજથી સવાસો વર્ષ પહેલા રચાયેલ કવિ શ્રી દલપતરામની ‘બ્રાહ્મણ અને ક્ષત્રિય’ રચના સરસ કટાક્ષ સાથે હાસ્ય વેરતી નજરે છે.
કવિ શ્રી દલપતરામે જ્ઞાન સાથે ગમ્મત મળી રહે એવી ઘણી બધી હાસ્ય રચનાઓ આપી છે. પ્રાસંગિક હોય એકાદ બે કવિતાનો ઉલ્લેખ કરું છું.
ઉંમરને કારણે વાકી વળી ગયેલ ડોશી ને જુવાન છોકરો શું શોધો છો ?એમ પૂછે છે ત્યારે ડોશી કહે છે, જુવાની શોધું છું!
કેડેથી નમેલી ડોશીની રમૂજ સાથેનો સરસ કટાક્ષ! (આ જુવાની પણ ગજબની ચીજ છે જ્યારે ખોવાય જાય છે ત્યારે જ ખબર પડે છે!)
“તેજીની કવિતા “વાંચતા આશ્ચર્ય થાય છે કે આશરે સવાસો દોઢસો વર્ષ પહેલા પણ શેર બજાર લોકોને કેવું ઘેલું કરી મૂકતું ! મને લાગે છે એ વખતે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટનની કંપનીના શેરની લે વેચ થતી હશે .કવિ શ્રી દલપતરામે શેર બજાર પર લખેલી હાસ્ય કવિતા આજે પણ એટલીજ પ્રસ્તુત છે…કેટલાક અંશ.
“સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…”
પૂરી કવિતા માણવા જેવી છે..
શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
વિવેક said,
May 17, 2026 @ 11:04 AM
તમામ પ્રતિભાવકોનો ખૂબ ખૂબ આભાર… કવિની મજાની કવિતાઓ શોધી લાવવા બદલ શ્રી કિશોર આહ્યાનો સવિશેષ આભાર