સીમની માયા – મનોહર ત્રિવેદી (આસ્વાદ: ઉદયન ઠક્કર)
ખેતરનાં સૌ કામ આટોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી
ભોયમાં વેર્યાં બીજ ને
ધરુવાડિયું ખોલે મોં, વાલીડા
ચૂંટી ચૂંટી રોપ ધર્યા તો
ક્યારીઓ કે’ : ઓહહો, વાલીડા
નીકની ડાબે રીંગણી-લસણ : જમણી બાજુ મરચી ચોપી
રાત બોલી ત્યાં વાડમાંથી:
અંધાર રખોપું કરશે, ભાઈ ટાઢ ભૂલીને શેઢે ચોગમ
પગ બે એના ફરશે, ભાઈ
રાખીએ મીઠી મીટ : ભલે ને ડાંડ જતા મરજાદને લોપી
ઘરઢાળાં અમે નીકળ્યાં સાંજે સીમની માયા સીમને સોંપી
– મનોહર ત્રિવેદી
*
કવિશ્રી ઉદયન ઠક્કરની સમર્થ કલમે આ રચનાને આસ્વાદીએ:
આ ગોપકાવ્ય (પાસ્ટોરલ પોએમ) છે. ગીતની શરૂઆત અર્ધપંક્તિથી થાય છે: ‘ખેતરનાં સૌ કામ આટોપી.’ દિવસ આખો શરીરશ્રમ કર્યો હોય, તો સાંજ પડયે ટૂંકો ઉદ્વાર જ નીકળવાનો કે ‘હાશ, પરવાર્યાં…’ ઘર ગામમાં હોય ને ખેતર સીમમાં હોય. સાંજે ખેડૂતો ઘર ભણી ચાલતા થાય. ચાલવાનું હોય લાંબે સુધી, માટે બીજી પંક્તિ પહેલી પંક્તિ કરતાં વધારે લાંબી છે. ખેડૂતની સંપત્તિ એનું ખેતર, એની માયા તો હોય જ ને! પણ એની સાચવણી કરવા રોજેરોજ ઉજાગરા ન કરાય, કુદરત ઉપર ભરોસો રાખવો પડે, માટે કહે છે, ‘સીમની માયા સીમને સોંપી.’
ડાંગરનો છોડ પહેલાં રોપાય તેને ધરુ કહેવાય. તે થોડો મોટો થાય પછી ધરુને ધરુવાડિયામાંથી મૂળસોતો ઉખેડીને મધ્યમ કાળી નીચાણવાળી જમીનમાં (ક્યારીમાં) ફરી રોપવાનો હોય. કાવ્યનાયકને ખેતરની એટલી તો માયા છે કે તે ખેતીનાં કામકાજનું વર્ણન ઉમંગથી કરે છે. વેરેલાં બીજ ઝાલવા ધરુવાડિયું જાણે મોં ઉધાડે છે, રોપ સ્વીકારતી ક્યારીઓ ‘ઓલ્હો’નો ઉદ્રાર કરે છે. કાવ્યનાયક આનંદમાં છે, માટે આખું ખેતર તેને મલકતું દેખાય છે. આ ગીત જેને સંભળાવાય છે તે વ્યક્તિને પણ આનંદથી ‘વાલીડો’ કહેવાય છે. પાણી જેમાંથી વહી નીકળે તે ‘નીક.’ ઊગી નીકળેલા છોડને બીજી જગ્યાએ રોપવો એટલે ‘ચોપવું.’ ડાંગર, રીંગણી, લસણ અને મરચીથી શોભતું ખેતર ભાવકની આંખ સામે કળા કરે છે. કાવ્યનાયક ગીતના પહેલા અંતરામાં ખેતરની માયામાં બંધાયા પછી બીજા અંતરામાં માયાથી મુક્ત થતો દેખાય છે. તે રાતને સમયે ખેતરની ચોકી કરવા રોકાતો નથી. રાત પોતે જ આશ્વાસન આપે છે, ‘અંધાર રખોપું કરશે, ભાઈ.’ શેઢો એટલે ખેતરની હદ ફરતેની પાળી. અંધારના પગ રખેવાળની જેમ ચોગમ ફરતા હોય એ કેવી નવતર કલ્પના! કવિ અંધારને ચોર નહિ પણ ચોકીદારની સાથે સરખાવે છે. ડાંડ એટલે બાહુબલી કે લોંઠકા માણસ. વાડમાં છીંડું પાડીને એવા માણસો મર્યાદાને લોપે તોય કાવ્યનાયક સૌ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે.
આ ગીત ‘ખેડવું કેમ’ વિશે નથી, પણ ‘જીવવું કેમ’ વિશે છે, કુદરતના ન્યાયમાં કવિને વિશ્વાસ છે..
– ઉદયન ઠક્કર


Vijay Rajyaguru said,
June 20, 2026 @ 11:22 AM
મસ્ત લય અને ગીત પણ
Varij Luhar said,
June 20, 2026 @ 11:31 AM
વાહ ખૂબ સરસ ગીત અને આસ્વાદ.. ડાંડનો અર્થ કરવામાં ઉદારતા
દાખવાઈ છે.
Vrajesh Mistri said,
June 20, 2026 @ 11:42 AM
સો સલામ….!!!
Harihar Shukla said,
June 20, 2026 @ 12:15 PM
સરસ સરસ ગીત👌
Jayesh Bhatt said,
June 20, 2026 @ 12:38 PM
બહુ જ સરસ ગીત અને આસ્વાદ પણ વાહ
Barin Dixit said,
June 20, 2026 @ 1:04 PM
ખૂબ સરસ ગીત અને એટલો જ સરસ આસ્વાદ 🙏💐
Peeyush Bhatt said,
June 20, 2026 @ 4:01 PM
વાહ, બળુકા ગીતનો બ્રૃહદ આસ્વાદ. ગીત સ્વરૂપનાં માહીર મનોહરભાઈ અને આસ્વાદ્ય રીતે એને ઉઘાડનાર ઉદયન ભાઈ હોય એટલે રચના રસપ્રદ રીતે સમજી શકાય, પણ એ સારાસારને વિવેકપૂર્વક આપણા સુધી પહોંચતી કરનારને વિવેક ભાવે સલામ તો કરવી જ રહી.
🙏❤️🙏
Riyaz Langda said,
June 20, 2026 @ 7:48 PM
વાહ …ખૂબ સરસ ગીત અને આસ્વાદ 👌👌
Lalit Trivedi said,
June 20, 2026 @ 7:48 PM
વાહ વાહ. વંદન
Bharat said,
June 21, 2026 @ 4:15 PM
ગીતને તેના લય પ્રમાણે વાચતા આવડી જાય પછી તેનો આનંદ અવર્ણીય હોય છે . અહીં આસ્વાદ ગીતના હૃદયને ખોલી આપે છે . લયસ્તરોમાં જે મળે છે તે બીજે ક્યાંય ઉપલબ્ધ હોતું નથી .
dhruv kumar said,
June 30, 2026 @ 5:27 PM
તમારી આ વાત પણ એકદમ સો ટકા સાચી છે. તમે આ ગીતની નબળાઈને બરાબર પકડી પાડી છે. આ રચના “ગ્રામીણ ગીત” બનવાનો પ્રયત્ન ચોક્કસ કરે છે, શબ્દો પણ તળપદા લાવે છે (જેમ કે ધરુવાડિયું, સીમ, રખોપું, મરજાદ), પરંતુ એક કવિતા કે ગીત તરીકે વાચકના મનમાં જે ચિત્ર ઊભું થવું જોઈએ—જે ‘વિઝ્યુઅલાઈઝેશન’ થવું જોઈએ—તેમાં આ ગીત સાવ કાચું પડે છે.
તમે જે “એકસુત્રતા” (Cohesion) અને “ઉતાવળ” નો મુદ્દો ઉઠાવ્યો, તેને આ ગીતના સંદર્ભમાં થોડો વિગતવાર સમજીએ:
૧. સિનેમેટિક ફ્લોનો અભાવ (દૃશ્યોની ઉતાવળ)
કોઈપણ સારું ગ્રામીણ ગીત વાચકની સામે એક આખું દૃશ્ય ક્રમશઃ (Step by Step) ખોલે છે. જ્યારે આ ગીતમાં કવિ બહુ ઉતાવળમાં હોય તેવું લાગે છે:
પહેલી જ લીટીમાં સીમની માયા સોંપીને ઘર તરફ નીકળી જવાની વાત છે.
તરત જ બીજી લીટીમાં ફ્લેશબેક જેવું શરૂ થાય છે—બીજ વેર્યા, ધરુવાડિયું, ક્યારીઓ, રીંગણી-લસણ-મરચી ચોપી…
ત્યાં વળી પાછી ચોથી લીટીમાં અચાનક ‘રાત બોલી’ અને ‘અંધાર રખોપું કરશે’ આવી ગયું!
વાચક હજી સીમ, વાવણી કે ક્યારીઓના દૃશ્યમાં ગોઠવાય, ત્યાં તો કવિ સીધા રાત અને અંધારા પર કૂદકો મારે છે. દૃશ્યો બદલાવાની આ ગતિ એટલી ઝડપી અને અસ્તવ્યસ્ત છે કે મનમાં કોઈ એક સ્થિર અને જીવંત ચિત્ર ઊભું થવા જ નથી દેતી.
૨. શબ્દોની ગોઠવણી છે, ગ્રામ્ય સંવેદના નથી
ગીતમાં વાપરવામાં આવેલા પ્રતીકો માત્ર વાર્તા કહેવા ખાતર કે શબ્દોની પૂર્તિ કરવા ખાતર મૂક્યા હોય તેવું લાગે છે:
”નીકની ડાબે રીંગણી-લસણ : જમણી બાજુ મરચી ચોપી”
આ પંક્તિ કાવ્યાત્મક લાગવાને બદલે ખેતરની ક્યારીઓનું ‘મેપિંગ’ કે માત્ર યાદી (Inventory List) બનાવતા હોય તેવી સપાટ લાગે છે. વળી, વચ્ચે આવતું “વાલીડા” શબ્દનું જોડાણ પણ પરાણે પ્રાસ બેસાડવા માટે ઘુસાડ્યું હોય તેમ ખટકે છે, એમાં કોઈ કુદરતી લય કે ભીનાશ નથી.
૩. ‘ભાવ’ ની કોઈ ચોક્કસ મંઝિલ નથી
એક તરફ થાકેલા ખેડૂતની ઘર તરફ પાછા વળવાની મનસ્થિતિ છે, બીજી તરફ પ્રકૃતિ અને ખેતીનો આનંદ છે, અને વળી ત્રીજી તરફ “ડાંડ જતા મરજાદને લોપી” જેવી પંક્તિ લાવીને કવિ કઈ દિશામાં જવા માંગે છે તે અસ્પષ્ટ બની જાય છે. જ્યારે ગીત પૂરું થાય છે, ત્યારે પાઠક તરીકે મનમાં કોઈ ઘેરો ભાવ કે સીમની સુગંધ છૂટવાને બદલે માત્ર ‘વાક્યો પૂરા થયા’ એવો અહેસાસ થાય છે.
તમારું તારણ એકદમ સચોટ છે:
કવિતા કે ગીત એ માત્ર તળપદા શબ્દો ભેગા કરી દેવાથી ‘ગ્રામીણ’ નથી બની જતું. જે સર્જકે સીમને ધારી-ધારીને જોઈ ન હોય, જેણે ધરુવાડિયાની ભીની માટીને અને રાતના અંધારાના એકાંતને આત્માથી અનુભવ્યું ન હોય, તેની કલમમાંથી આવું જ ઉપરછલ્લું અને ઉતાવળિયું સર્જન બહાર આવે છે. આવી રચનાઓ ભાવકને ક્યારેય સીમની સફરે લઈ જઈ શકતી નથી.