પેશાબ કર – શિલ્પીન થાનકી
હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.
હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.
શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.
આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.
બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.
– શિલ્પીન થાનકી
શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…


અનિલ વાળા said,
August 1, 2026 @ 11:47 AM
વાહ. ..બહુ સરસ રચના અને સરસ અભિવ્યક્તિ. .કવિને ને આપને અભિનંદન 🌹
અનિલ વાળા said,
August 1, 2026 @ 11:48 AM
વાહ. ..બહુ સરસ ગઝલ છે. અને સરસ અભિવ્યક્તિ. .કવિને ને આપને પણ ખૂબ ખૂબ ખૂબ જ અભિનંદન જ હોય ને?🌹
Jayesh Bhatt said,
August 1, 2026 @ 12:05 PM
સરસ રચના અને વેધક ‘ વિવેચન
વિજય રાજ્યગુરુ said,
August 1, 2026 @ 12:10 PM
મારી સર્જકતાને બળકટ બનાવનાર બે સર્જકો પથિક પરમાર અને શિલ્પીન થાનકી
એમાંના એક થાનકી સાહેબની આ રચના ખરેખર વિવેકભાઈ કહે છે એમ કાલાતીત છે
Varij Luhar said,
August 1, 2026 @ 12:17 PM
વાહ.. મધુમેહિયા સાહિત્ય પર ..
કોઈની સાડીબાર રાખે નહીં તેવા થોડાઘણાં કવિઓમાં ગણી શકાય તેવા આ કવિની
રચનાઓ અલગ ચીલો ચીતરે તેવી હોય છે.
Jayesh Bhatt said,
August 1, 2026 @ 12:41 PM
સરસ રચના અને વેધક વિવેચન
Jigisha Desai said,
August 1, 2026 @ 2:02 PM
સરસ રચના…
DILIPKUMAR CHAVDA said,
August 1, 2026 @ 5:06 PM
જૂની ગઝલ પણ તાજીગી નવી છે
Rajesh Bhatt said,
August 1, 2026 @ 8:37 PM
દેશ માં વારે તહેવારે થતાં આંદોલનો વખતે આંદોલનકારીઓની મનોદશા આવી જ હોય છે.. કવિ એ તેમનું હાર્દ પકડ્યું છે. સરસ રચના.. અભિનંદન..!!
Girish Sharma said,
August 5, 2026 @ 10:12 PM
પેશાબ એક સાહિત્યિક અને નજાકત ભરેલો શબ્દ છે.
પેશાબ = પેશ + આબ
પેશ એટલે રજુ કરવુ
આબ એટલે પાણી
મૂત્ર ત્યાગ ને માટે આનાથી વધુ નાજુક શબ્દ કોઈ હોઈ જ ના શકે.
એજ તો ઉર્દૂ/ ફારસી નો ભાષા વૈભવ છે.
વિવેક said,
August 10, 2026 @ 7:11 PM
મને તો એમ હતું કે છી છી એવા પ્રતિભાવો આવશે… પણ મિત્રોની ટિપ્પણીઓ જોઈને તો આનંદ આનંદ થઈ ગયો…