ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શિલ્પીન થાનકી

શિલ્પીન થાનકી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નભસ્મધ્યે (સાન્દ્ર ગઝલ) – શિલ્પીન થાનકી

એક પળ ઠહરું, હરીતિમ ઘાસમાં-
-થી ભરી લૌં તાજગી, ઉચ્છવાસમાં

છે હજીય ગ્રીષ્મની પીળી-પચક
જીર્ણ ધૂસરસર હવા, મધુમાસમાં

સ્વપ્ન જે ખીલ્યાં હતાં કિંશુક બની
ને, પુનઃ ગન્ધી જશે, વાતાસમાં

આર્દ્ર મિટ્ટીની સઘન સૌરભ વહી
આવતી, ભળતી જતી મુજ શ્વાસમાં.

– શિલ્પીન થાનકી

આ ગઝલ વાંચો. શું સમજાય છે? મત્લા છે, શેર છે, કાફિયા છે, રદીફ છે અને શેરિયત પણ છે. પહેલી નજરે એમ લાગે કે કવિએ સામાન્યતઃ સૉનેટમાં પ્રયોજાતા અપૂર્ણાન્વય (enjambment)નો વિનિયોગ કર્યો છે. ‘ઘાસમાંથી’ શબ્દમાંથી ‘થી’ છૂટો કરી એને સાની મિસરામાં દદડવા દીધો છે. અને આજ વિધા ચારેય શેરમાં પ્રયોજી છે. વિશુદ્ધ ગઝલના ચાહકો તરત જ નાકનું ટેરવું ચડાવશે, કે આવું તો કેમ ચાલે? પણ વિરામચિહ્નો પર ધ્યાન આપવામાં આવે તો આનાથી અનેકગણું મોટું આશ્ચર્ય નજરે ચડશે. અલ્પવિરામચિહ્ન તો દરેક શેરમાં નજરે ચડે છે, પણ પૂર્ણવિરામ? જરા શોધો તો.. અરે! આખી ગઝલમાં એક જ પૂર્ણવિરામ છે અને તેય આખી રચના પતી ગયા બાદ. હવે આખી ગઝલ એક જ વાક્ય હોય એમ વાંચી જુઓ તો! સમજાયું? આ છે ‘એક વાક્ય ગઝલ!” ચારેય શેરને એક જ હરોળમાં ગોઠવી દેવામાં આવે તો ખ્યાલ આવે કે આખી ગઝલ એક સળંગ વાક્ય જ છે.

આ ગઝલ વિશે ‘નખશિખ’માં સંપાદકો લખે છે: ‘સ્વયંપર્યાપ્ત અસ્તિત્ત્વ ધરાવતો પ્રત્યેક શેર અન્ય શેરોથી તદ્દન અલગ હોવાની વાત અહીં અદભુત રીતે ભૂલાવી દેવામાં આવી છે. સામાન્યતઃ શેરની વાત શેર બહાર છલકાતી ન હોય. શિલ્પિન્ છલકાવે છે, છલકાવ્યે જ જાય છે.,, …ગઝલની આકારગ્રંથિ તોડીને એક સળંગ પંક્તિમાં આખીયે ગઝલને લખતાં કાવ્યમય ગદ્યનું એક સરસ વાક્ય મળે છે.’

રમેશ પારેખે ચાર શેરની આ ગઝલ વિશે સાડા ચાર-પોણા પાંચ પાનાંનો આસ્વાદલેખ લખ્યો છે, જેમાં કવિએ કરેલ ભાષાપ્રયોગ તેમજ ભાવક ચેતનાને કાવ્યાભિમુખ બનાવતા શીર્ષક અને ઉપશીર્ષકની અરુઢતાના વખાણ કર્યા બાદ અંતે લખ્યું છે: ‘પ્રસ્તુત કૃતિમાંથી, પ્રયોગોના ઘટાટોપને સોય શોધવા જેટલી ઝીણવટથી ફંફોસીએ તો પણ કોઈ પ્રતીતિજનક કાવ્યક્ષણ કે ‘તગઝ્ઝુલ’ કહીએ તેવો પદાર્થવિશેષ મળી શકતો નથી.’ ચાર શેરની આ ગઝલ શેરોપરાંત એક સળંગ વાક્ય છે એ આખી બાબત જ ર.પા.ના ધ્યાનબહાર રહી ગઈ હતી.

કવિએ એક જ પ્રલંબ વાક્યને ગઝલના છંદમાં, કાફિયા-રદીફની સંરચના જાળવીને એવી અભૂતપૂર્વ ખૂબીથી ઢાળ્યું છે કે ચારેય શેર સ્વતંત્ર અને પરસ્પર પર નિરાલંબ પણ બન્યા છે, અને આખી ગઝલને એક જ શ્વાસે વાંચતા અલગ જ પ્રકારનો કાવ્યપદાર્થ પણ હાથ આવે છે. હા, ઉચ્છવાસમાં તાજગી ભરવાની વાત કે ધૂસરસર હવા હોવાની વાત પ્રતીતિકર જણાતી નથી, કારણ આ બંને બીના શ્વાસ સાથે વધુ સુસંગત ગણાય.

શીર્ષક અને પેટાશીર્ષક બાબત્નો કોયડો ઉકેલવાનું લયસ્તરોના સુજ્ઞ ભાવકો પર છોડીએ તો?

Comments (11)

પેશાબ કર – શિલ્પીન થાનકી

હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,
બેધડક પેશાબ કર, પેશાબ કર.

હો બુઝુર્ગી બોર્ડ – ‘મૂતરવું નહીં’-
એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.

શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-
મંચ પર તું રાત ભર પેશાબ કર.

આ પરબ! આહા પરબ! ઓહો પરબ!
મન થયે શામોસહર પેશાબ કર.

બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર
યૂરિયાથી તરબતર પેશાબ કર.

– શિલ્પીન થાનકી

શિલ્પીન થાનકી . મૂળ નામ લલિતકુમાર પુરુષોત્તમ થાનકી. લયસ્તરો પર આ કવિની હોવી જોઈએ એટલી રચનાઓ નથી, પણ એમાં કવિનો નહીં, અમારો જ વાંક છે. કવિનું ભાષાકર્મ અને વિષયવિવિધ્ય –બંને ધ્યાનાર્હ છે. આ ગઝલ જુઓ. આજથી લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૭૯ની સાલમાં લખાયેલી ગઝલ હકીકતમાં કાલાતીત છે. આજેય એ એટલી જ સમસામયિક લાગે છે, જેટલી પચાસ વર્ષ પહેલાં હશે. ગુજરાતી ગઝલે આવી ભાષા ભાગ્યે જ જોઈ હશે. સાહિત્યની દુનિયામાં જુગુપ્સાપ્રેરક લાગે એવી પેશાબ કરવાની પ્રક્રિયા ગઝલના કેન્દ્રમાં છે. પાંચ શેરની ગઝલમાં કવિએ સાતવાર પેશાબ કરવાની સૂચના આપી છે. સૂચના ગણો તો સૂચના અને આદેશ ગણો તો આદેશ, પણ એ બીજા માટે ઓછો અને સ્વયં માટે વધુ છે. ગુજરાતી કવિતાને શરૂઆતથી જ સુષ્ઠુ સુષ્ઠુ વલણ જ વિશેષ માફક આવ્યું છે. કડક વિવેચકો થયા જ નથી, એમ નહીં, પણ એમની સંખ્યા એક હાથની આંગળીઓના વેઢાય વધી પડે એટલી ઓછી રહી છે. કવિ આવા સુંવાળા વલણ સામે તીવ્રતમ આક્રોશ વ્યકત કરવા આહ્વાન કરે છે. બુઝુર્ગી બૉર્ડ વાંચતા જ પગ કબરમાં લટકતા હોવા છતાં પદપિપાસા ત્યાગી ન શકનાર જમાત નજર સામે તરવરે. કડવા સત્યને સંતાડી રાખી અદબપૂર્વક મધમીઠા જૂઠાણાં પીરસતા મધુમેહિયા સાહિત્ય પરનો હલ્લો પચાસ વરસોમાં તો અસર કરી શક્યો નથી, હવે કરે તો રચના સાર્થક થાય…

Comments (11)

ઇન્કાર – શિલ્પિન થાનકી

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

– શિલ્પિન થાનકી

ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!

Comments (6)

ગઝલ – શિલ્પિન થાનકી

(કચ્છી)

મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.

આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.

ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.

મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.

ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.

એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.

– શિલ્પિન થાનકી

ભાષાને અતિક્રમીને પણ જે અડી જાય એ ખરી કવિતા. સાથે આપેલો ભાવાનુવાદ વાંચતા પહેલાં આ ગઝલ એમ જ ત્રણ-ચાર વાંચો. તરત તમારા દિલને અડી ન જાય તો કહેજો…

*

મીણ જેવા થઈ ગયેલા પથ્થર દેખાય છે
ગુલમહોરના સ્પર્શનો અવસર દેખાય છે

આંગણામાં લાગણી રેલાઈ ગઈ
હવે આખું આંગણું અંકુરિત દેખાય છે

કપાળનું સિન્દુર સૂરજ સમાન છે
આભલે મઢ્યું અમારું ઘર દેખાય છે

મધરાતની મેડીઓ મઘમઘે છે
શ્વાસમાં સાયુજ્યના અત્તર દેખાય છે

ઓરડાની શૂન્યતા ખંડિત થઈ
રણઝણિત આશ્લેષના ઝાંઝર દેખાય છે

અદ્વૈતનો આ એકતારો વાગે છે
સાત સાગર સામટા ભીતર દેખાય છે.

– ભાવાનુવાદ: મીના છેડા

Comments (9)

મતભેદ – ‘શિલ્પીન’ થાનકી

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

સહુ કહે છે: ‘ઝાંઝવાં છે રણ મહીં’,
હું કહું છું: ‘ત્યાં નર્યા મૃગજળ નથી’.

સહુ કહે છે: ‘પાનખર છે ઉપવને’,
હું કહું છું: ‘ત્યાં ધરા ઊષર નથી.’

સહુ કહે છે: ‘શૂન્ય છે આકાશ આ’,
હું કહું છું: ‘સૂર્ય આ જર્જર નથી.’

સહુ કહે છે: ‘ક્ષણ સમી છે જિન્દગી’,
હું કહું છું: ‘પ્રાણ મુજ નશ્વર નથી.’

-‘શિલ્પીન’ થાનકી

(ઊષર = ખારાશવાળું)

Comments (3)