મીના છેડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીના છેડા, શિલ્પીન થાનકી
(કચ્છી)
મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.
આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.
ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.
મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.
ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.
એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.
– શિલ્પિન થાનકી
ભાષાને અતિક્રમીને પણ જે અડી જાય એ ખરી કવિતા. સાથે આપેલો ભાવાનુવાદ વાંચતા પહેલાં આ ગઝલ એમ જ ત્રણ-ચાર વાંચો. તરત તમારા દિલને અડી ન જાય તો કહેજો…
*
મીણ જેવા થઈ ગયેલા પથ્થર દેખાય છે
ગુલમહોરના સ્પર્શનો અવસર દેખાય છે
આંગણામાં લાગણી રેલાઈ ગઈ
હવે આખું આંગણું અંકુરિત દેખાય છે
કપાળનું સિન્દુર સૂરજ સમાન છે
આભલે મઢ્યું અમારું ઘર દેખાય છે
મધરાતની મેડીઓ મઘમઘે છે
શ્વાસમાં સાયુજ્યના અત્તર દેખાય છે
ઓરડાની શૂન્યતા ખંડિત થઈ
રણઝણિત આશ્લેષના ઝાંઝર દેખાય છે
અદ્વૈતનો આ એકતારો વાગે છે
સાત સાગર સામટા ભીતર દેખાય છે.
– ભાવાનુવાદ: મીના છેડા
Permalink
February 12, 2011 at 1:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીના છેડા
ગઈ કાલે રાત્રે સૂતી વખતે
મેં…
મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા…
પછી સવાર સુધી…
હું પડખું ફેરવી નહોતી શકી…
-મીના છેડા
દર્દની કોઈ વ્યાખ્યા નથી હોતી, ફક્ત અનુભૂતિ જ હોય છે…
Permalink
January 8, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીના છેડા
હું રણની રેતી
રાહ જોતી બેઠી છું,
ક્યારે
આ
મૃગજળના દરિયામાં મોજાં આવે
અને
મને
નખશિખ ભીંજવે !
-મીના છેડા
કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે એ ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટી વાત કરી શકે… મીના કવિતા જવલ્લે જ લખે છે પણ જ્યારે લખે છે ત્યારે અંદરતમ તારોને રણઝણાવી દે છે. પ્રતીક્ષા વિષયક આવી ચરમસીમાદ્યોતક કવિતા આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે…
*
તાજેતરમાં જ ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ અન્વયે મીના છેડાનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની ત્રેવીસ વાર્તાઓ આંખના ખૂણાઓ સાડી ત્રેવીસવાર ભીંજવી દે એવી થઈ છે… સંગ્રહમાંની જ એક વાર્તા ‘આકાર’ને ‘લેખિની’ સામયિક તરફથી તાજેતરમાં ધીરુબેન પટેલ પારિતોષિક મળ્યું છે.
મીનાને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !
Permalink