કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

(ખબર પણ ના રહી) – શ્યામ ઠાકોર

દૂર જઈ વસતાં થયાં ક્યારે, ખબર પણ ના રહી,
ખુદથી અળગાં થયાં ક્યારે, ખબર પણ ના રહી.

ફૂલ કેરી મ્હેક સાથે ચાલવાના કારણે;
વાયરા અફવા થયા ક્યારે, ખબર પણ ના રહી.

આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી;
પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી.

પાંપણોની પાળ પર કૈં ભેજ જેવું જોઈને;
આંસુઓ દરિયા થયા ક્યારે, ખબર પણ ના રહી.

મોરના આકારમાં જે ગોઠવેલાં આપણે;
પિચ્છ એ ટહુકા થયા ક્યારે, ખબર પણ ના રહી.

વ્હેણમાં ઘસડાઈને ભેટી રહેલા પથ્થરો;
આટલા લિસ્સા થયા ક્યારે, ખબર પણ ના રહી.

– શ્યામ ઠાકોર

સરળ ભાષામાં સુંદર ગઝલ. આમ તો બધા શેર સરસ થયા છે, પણ ત્રીજો શેર સવિશેષ ધ્યાન ખેંચે છે. આપણે શું કરવા માંગીએ છીએ એ આપણને સમજાઈ જાય એ પળે સઘળાં વ્યવધાન દૂર થઈ જાય, પર્વતો પણ રસ્તા બની માર્ગ પ્રશસ્ત કરી દે. કેવી ઊંચી વાત! (ખુદ શબ્દનું માપ કવિએ “ગા”ના સ્થાને “ગાલ” લીધું છે, એટલો છંદદોષ ખટકે છે જો કે!)

12 Comments »

  1. Dr Sejal Bhvesh Desai said,

    July 31, 2026 @ 12:02 PM

    વાહ..સુંદર ગઝલ

  2. Shyam Thakor said,

    July 31, 2026 @ 12:08 PM

    મારી પસંદગીની ગઝલ મૂકી છે. આપનો અને લયસ્તરોનો આભારી છું

  3. Shyam Thakor said,

    July 31, 2026 @ 12:11 PM

    સરસ ગઝલ આપે પસંદ કરી છે. આપનો અને લયસ્તરોનો આભાર…

  4. Nirja parekh said,

    July 31, 2026 @ 12:19 PM

    વાહ

  5. Yogesh Samani said,

    July 31, 2026 @ 2:32 PM

    સરસ ગઝલ.
    ત્રીજો શેર લાજવાબ.

  6. tanu patel said,

    August 1, 2026 @ 6:48 AM

    વાહ, સરસ…

  7. લતા હિરાણી said,

    August 1, 2026 @ 10:29 AM

    ગઝલ ગમી.
    ત્રીજો શેર અતિ ગમ્યો.
    – લતા હિરાણી
    https://kavyavishva.com

  8. Shyam Thakor said,

    August 1, 2026 @ 10:49 AM

    સુંદર ગઝલ પસંદ કરી આપે લયસ્તરો પર મૂકી છે…ધન્યવાદ

  9. Vrajesh Mistri said,

    August 1, 2026 @ 12:45 PM

    Wah… Prvato

  10. DILIP DHOLAKIYA SHYAM said,

    August 1, 2026 @ 12:58 PM

    સુંદર રચના…🌹🌹

  11. DILIPKUMAR CHAVDA said,

    August 1, 2026 @ 5:08 PM

    આ ચરણને ચાલવાનો અર્થ સમજાયો પછી;
    પર્વતો રસ્તા થયા ક્યારે, ખબર પણ ના રહી.

    શું શેર છે….

    અદભુત કલ્પન

  12. Vrajlal Savaliya said,

    August 1, 2026 @ 7:51 PM

    ગઝલ મમળાવવા જેવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment