શ્વાસ મારો – શયદા
આપણો છે, આપણો ક્યાં થાય છે?
શ્વાસ મારો જિન્દગીને ખાય છે.
દૂર છે ઘર, છે વિકટ રસ્તા બધા;
ઓ અજાણ્યા જીવ, તું ક્યાં જાય છે?
નીકળી જા વિશ્વની ઘટમાળથી;
ફેરમાં શું કામ ફેરા ખાય છે.
કોઈના પણ નામનો આધાર લે;
એ વિના સૌ અવનિમાં અટવાય છે.
એક એનું નામ કંઈ ઓછું નથી;
અર્થ એના તો હજારો થાય છે.
ભેદ ચારે વેદનો પામીશ હું;
કોઈનાથી ચાર આંખો થાય છે.
આજ ‘શયદા’ વાત એ સમજી ગયો;
આપનો અન્યાય એ પણ ન્યાય છે.
– શયદા
ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર શયદાને આપણે ‘ગઝલસમ્રાટ’ તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. જન્મની સાથે જ મરણ લખાઈ ચૂક્યું હોય છે. દરેક શ્વાસ આપણને નિશ્ચિત મરણની વધુને વધુ નજીક લઈ જાય છે, પણ આ સનાતન સત્યને કવિ જ્યારે છંદમાં ઢાળીને, રદીફ-કાફિયાના વાધાં પહેરાવીને બે પંક્તિમાં રજૂ કરે છે ત્યારે કવિના અનૂઠા દૃષ્ટિકોણ પર વારી-ઓવારી જવાનું મન થયા વિના રહેતું નથી. આપણને લાગે કે આપણો શ્વાસ આપણો છે, પણ કવિ કહે છે કે એ આપણો હોવા છતાં આપણો થતો નથી. આપણી જિંદગી જે શ્વાસથી ચાલે છે એ હકીકતને કવિએ શ્વાસ જ આપણી જિંદગીને ખાઈ રહ્યો છે એમ કહીને ઉલટાવી દે ત્યારે શેર સર્જાય છે.


Yogesh Samani said,
July 30, 2026 @ 12:43 PM
અફલાતૂન ગઝલ 👌
ત્રીજા શેરના ઉલામાં છંદ બેસતો નથી.
વિવેક said,
July 30, 2026 @ 6:00 PM
@ યોગેશ સામાણી:
ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર… આપ જેવા બાજનજર મિત્રોના કારણે જ લયસ્તરો રળિયાત છે…
નીકળી જા વિશ્વની ઘટમાળથી – વચ્ચેનો “જા” ટાઇપ કરવાનો રહી ગયો હતો. શયદા તો ગઝલસમ્રાટ હતા… એમની રચનાઓમાં છંદદોષ જવલ્લે જ જોવા મળે
Rakesh Thaker said,
July 30, 2026 @ 7:32 PM
ખૂબ સરસ શયદા સાહેબની ગઝલને માણવી એ પણ એક અનેરો લાહવો છે…જીવન સાથે મૃત્યુની અફર ઘટનાને ઘૂંટતી લાજવાબ ગઝલ
Dr Sejal Bhvesh Desai said,
July 31, 2026 @ 12:05 PM
શ્વાસ મારો જીંદગીને ખાય છે..કયા બાત !
ઉમદા ગઝલ
Vrajesh Mistri said,
August 1, 2026 @ 12:44 PM
Wah.. Char aankho
DILIP DHOLAKIYA SHYAM said,
August 1, 2026 @ 1:00 PM
ગમતાં શાયરની .. સુંદર ગઝલ…🌹🌹
Vrajlal Savaliya said,
August 1, 2026 @ 7:43 PM
વાહ ખુબ સરસ. અફલાતૂન ગઝલ