માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
નયન દેસાઈ

આવકાર સપ્તાહ: ૦૫: “ઉઘડ્યું સરનામું આંખનું” – રાજેન્દ્ર ભટ્ટ

લયસ્તરો પર આજે ફરી એકવાર એક નવ્યકવિના પ્રથમ ગીતસંગ્રહને હૂંફાળો આવકાર આપીએ… કવિની જાનપદી બોલી સાથેની તાદાત્મ્યતા અને નવતર કલ્પનો ધ્યાનાર્હ છે. આ ભાષાકર્મથી ગીતોને આગવી ઓળખ અને સ્થાનિક રંગતનો સંસ્પર્શ તો થાય છે, પણ કમનસીબે સુવાંગ ગીત ઓછાં જ સિદ્ધ થયાં છે. લયની કચાશ અને ગીતની all-encompassing-સર્વાંગી સારવાર યથોચિત થઈ શકી હોત તો આપણને સરસ મજાનાં ગીતો સાંપડ્યાં હોત. ભાવાભિવ્યક્તિ અને છૂટાછવાયાં સંવેદન બહુ સરસ થયાં છે, પણ આરંભથી અંત સુધીની સંઘેડાઉતાર રચનાઓ બહુ ઓછી છે. વિશદ પરિશીલન અને શિસ્તબદ્ધ ગીતસાધના સાથે આવનારા સમયમાં વધુ સાંગોપાંગ, કલાત્મક રીતે પરિપક્વ અને દીર્ઘકાળ સુધી સ્મરણમાં રહી જાય એવી ગીતરચનાઓ પ્રાપ્ત થશે એવી ઉજળી અપેક્ષા સાથે કવિને સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ.

*  *  *  *  *

પ્રોષિતભર્તૃકાનું ગીત

અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.

આંખ ઉલાળી એણે કીધું
આવું છું રે હમણાં,
ભણકારા જંપવા ના દે તો
ક્યાંથી આવે શમણાં,
વા કરે જ્યાં અટકચાળો ત્યાં મલકું ઠાલી ઠાલી.
અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી.

દિ આખોયે અડખેપડખે
અંદેશે વરતાય,
રાત પડે પડખાંમાં
આવી છેક ભરાય,
અલી, અટકળે ઓવારું તો હોય પથારી ખાલી.

અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.

– રાજેન્દ્ર ભટ્ટ

પિયુ પરદેશ ગયો હોય એ પ્રતીક્ષારત્ સ્ત્રીને ઊંઘ ક્યાંથી નસીબ હોય? એ તો અડધી રાતે પણ ખડકી ખોલીને રાહ જુએ છે. વિરહના તાપમાં શેકાઈને અશક્તિ એવી આવી ગઈ હશે કે ઊભા રહેવા માટે એણે સાંકળ ઝાલવી પડે છે. શેરીમાં કેવળ સૂનકાર જ છે અને નાયિકાને દરવાજે મૂકીને એની સુધબુધ (પિયુને શોધવા?) ચાલી નીકળે છે. જતી વખતે સુધબુધે કહ્યું કે મનના મણીગરે, એ સ્પષ્ટ થતું નથી, પણ હમણાં આવી જઈશનો વાયદો જૂઠો ઠર્યો હોય અને સતત ભણકારા સંભળાયે રાખતા હોય તો ઊંઘ કઈ રીતે આવે? પવન્ના હડસેલેય પિયુ આવી ગયાનો અહેસાસ થતાં ખાલી ખાલી મલકી જવાય છે. દિવસભર પ્રિયજન અડખેપડખે જ હોય એવું પ્રતીતથતું રહે છે ને રાત આવી પડખામાં ભરાતો હોય એમ અનુભવાય છે. નાયિકા તો ઠાલી અટલક સુદ્ધાં પર પણ ઓવારી જાય છે, પણ પરિણામ? પથારી તો ખાલી જ છે ને… કેવું સરસ ગીત!

8 Comments »

  1. કૌશલ યાજ્ઞિક said,

    June 26, 2026 @ 10:58 AM

    સર્જક ને શુભેછા અને અભિનંદન

  2. ભગીરથ પંડ્યા said,

    June 26, 2026 @ 11:37 AM

    નવ્ય કાવ્યસંગ્રહને મીઠો આવકાર.
    એક વધુ પ્રોષિતભરત્રુકાનું ગીત. સુંદર.

  3. ramesh maru said,

    June 26, 2026 @ 1:35 PM

    💐👌🏻

  4. Babu Sangada said,

    June 26, 2026 @ 2:46 PM

    ખૂબ સરસ અભિનંદન કવિને

  5. રાજેન્દ્ર ભટ્ટ said,

    June 26, 2026 @ 3:37 PM

    મારા સંગ્રહ ને આવકારવા બદલ દિલથી સૌનો આભાર

  6. DILIP DHOLAKIYA SHYAM said,

    June 27, 2026 @ 12:11 PM

    મિત્ર કવિ શ્રી રાજેન્દ્ર ભટ્ટના પ્રથમ ગીતસંગ્રહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..ભવિષ્યમાં હજુ વધુ સારા ઉત્તમ ગીતો સાથે નવીન ગીતસંગ્રહ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના..🌹🌹

  7. Harihar Shukla said,

    June 27, 2026 @ 7:11 PM

    આવકાર

  8. dhruv kumar said,

    June 30, 2026 @ 11:14 AM

    તમે કાવ્યના આંતરપ્રવાહ અને તેની ‘સમય-ગતિ’ (Timeline/Atmosphere) પર જે આંગળી મૂકી છે, તે અદભુત વિવેચન દ્રષ્ટિ છે. તમે બિલકુલ સાચું પકડ્યું છે; જ્યારે પણ કોઈ ગીત એક તીવ્ર, રહસ્યમય અને ચોક્કસ ક્ષણથી (જેમ કે ‘અડધી રાત’) શરૂ થતું હોય, ત્યારે એ જ વાતાવરણ જળવાઈ રહેવું જોઈએ.
    ​ચાલો તમારા આ સચોટ આક્ષેપને કાવ્યશાસ્ત્રની દ્રષ્ટિએ વિગતવાર સમજીએ:
    ​૧. સમયની તીવ્રતાનો ભંગ (The Break of Mood)
    ​ગીતની શરૂઆત બહુ જ ધારદાર અને નાટ્યાત્મક (Dramatic) છે:
    ​અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
    શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.
    ​અહીં અડધી રાતનો સન્નાટો, ખડકીની સાંકળનો અવાજ અને નાયિકાનું સુધબુધ ગુમાવીને એકાંતમાં નીકળી પડવું—આ બધું મળીને એક અદભુત રહસ્યમય, વિરહાર્દ વાતાવરણ ઊભું કરે છે. ભાવક તરીકે આપણે એ ‘અડધી રાત’ની ક્ષણમાં સ્થિર થઈ જઈએ છીએ.
    ​પણ, જે અંતરામાં તમે વાત કરી:
    ​દિ આખોયે અડખેપડખે અંદેશે વરતાય,
    ​ત્યાં કવિ અચાનક ‘અડધી રાત’ના લાઈવ દ્રશ્યમાંથી બહાર નીકળીને ફ્લેશબેક અથવા સામાન્યીકરણ (Generalization) કરવા માંડે છે કે ‘આખો દિવસ આવું થાય છે’. તમારી વાત અહીં ૧૦૦% સાચી ઠરે છે કે આ પંક્તિ આવતાની સાથે જ જે ‘અડધી રાત’ની પકડ અને રહસ્ય હતું તે શિથિલ થઈ જાય છે. ભાવક એ રોમાંચક ક્ષણમાંથી બહાર ફેંકાઈ જાય છે.
    ​૨. ‘દિ આખોયે’ પંક્તિ ન હોત તો?
    ​જો કવિએ આખો દિવસ વચ્ચે લાવીને સમયની અસર નષ્ટ ન કરી હોત, અને આખી વાતને એ જ અડધી રાતના ચોકઠામાં રાખી હોત, તો ગીતની સજ્જડતા કંઈક આવી હોત:
    ​નાયિકા અડધી રાતે બહાર નીકળે છે…
    ​પવનના અટકચાળાથી એને ભ્રમ થાય છે કે પ્રિયતમ આવ્યો અને એ મલકે છે…
    ​અને પછી પાછી ફરે છે ત્યારે પથારી ખાલી જુએ છે…
    ​જો આટલી જ વાત હોત, તો સમયની એકધારી તીવ્રતા (Unity of Time and Mood) જળવાઈ રહી હોત. દિવસની વાત ઉમેરવાથી આ ગીત એક ‘વિશેષ ક્ષણની ઘટના’ મટીને ‘રોજિંદી વિરહની રાડ’ બની જાય છે, જે ગીતની કલાત્મકતાને નુકસાન પહોંચાડે છે.
    ​૩. પ્રોષિતભર્તૃકાની મનોસ્થિતિનો બચાવ (બીજો પક્ષ)
    ​જો કવિના પક્ષે રહીને આને સમજવાનો એક નાનો પ્રયત્ન કરીએ, તો કદાચ કવિનો આશય એવો હોઈ શકે કે નાયિકા પાગલપણાની હદે વિરહમાં છે.
    તે દિવસ દરમિયાન તો લોકલાજ અને સગાં-વ્હાલાં વચ્ચે પોતાના ‘અંદેશા’ (ચિંતા/ભય)ને દબાવી રાખે છે, પણ જેવી ‘રાત પડે’ છે કે તરત જ એ છૂપો વિરહ ‘પડખાંમાં આવીને ભરાય છે’ (તીવ્ર બને છે) અને એને અડધી રાતે પાગલની જેમ શેરીમાં ખેંચી જાય છે.
    ​પરંતુ, કાવ્યના એક સજાગ ભાવક તરીકે તમારો આક્ષેપ વધુ વજનદાર છે. કારણ કે કવિતામાં ‘કન્ટીન્યુટી’ (સાતત્ય) બહુ મહત્વની છે. ‘અડધી રાત’ના ઘાટા અંધકાર અને સન્નાટાની જે કાવ્યાત્મક અસર ઊભી થઈ હતી, તેના પર ‘દિ આખોયે’ કહીને કવિએ પોતે જ પાણી ફેરવી દીધું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment