હાસ્યમેવ જયતે : ૧૬ : વીણેલાં મોતી…
અને હાસ્યમેવ જયતે શૃંખલાના અંતે, ગુજરાતી હાસ્ય-વ્યંગ્ય કવિતામાંથી કેટલાક ચુનંદા રત્નો આપ સહુ માટે… (સાભાર સૌજન્ય: ઊંધા હાથની… ગુજરાતીની પ્રતિનિધિ હઝલો : સંપાદક આશિત હૈદરાબાદી) (પુસ્તક સૌજન્ય: શ્રી રઈશ મનીઆર)
*
હવે વૃદ્ધાય નીકળે છે ચમકતું સ્નૉ લગાડીને,
છે વાસી પાઉં પણ, એની ઉપર મસ્કો તો તાજો છે.
– એન. જે. ગોલીબાર
‘બેકાર’ તુંયે વાંચ ખુશામદની હિસ્ટ્રી,
પૉલ્શન થકી માનવ તણું ઉત્થાન થાય છે.
– બેકાર રાંદેરી
માનવીનો પનો થયો છે ટૂંકો,
એની લાંબી જબાન થઈ ગઈ છે.
– શેખચલ્લી
અહીંયા અસર અનાજમાં પણ છે કુસંપની,
જ્યારે પડે છે પેટમાં, તોફાન થાય છે.
– ‘આસી’ સુરતી
જુવાની ખોઈ ઘડપણ નોતરી બેઠો, ભલા માણસ!
કહે, કાં ખોટનો ધંધો કરી બેઠો, ભલા માણસ!
– ‘કિસ્મત’ કુરૈશી
આમ છો ‘નટખટ’ છતાંયે એટલી સમજણ નથી,
દ્વારે વાસી તાળું, ચાવી ઓટલે મૂકાય ના!
– ગિરધારલાલ મુખી ‘નટખટ’
ગમે તેને શિખામણ આપવાનો આપણો હક છે,
ને ભડક્યા તો સિફતથી ભાગવાનો આપણો હક છે.
– પુરુષોત્તમ પારેખ ‘વ્યંગ’
અમારે પણ ઘણાયે વાંસજાળે કાંકરા નીકળે,
છતાં દર્દી કહેવાના કે ‘પાણીની કમાણી છે!’
– ડૉ. બટુકરાય પંડ્યા
રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.
– શેખાદમ આબુવાલા
હજી એવા હશે બે ચાર (ઇચ્છું છું) કે જેઓના
હજી પણ (જીવતા જો હોત) લીડર હોત ગાંધીજી.
– શેખાદમ આબુવાલા
મજા આવે ન રોટીમાં, ન પૂરીમાં, ન રાંધણમાં,
ઘણા પતિઓને આવે છે મજા પત્નીના વેલણમાં.
– કલીમ અમરેલ્વી
એમના ડિનરમાં ‘મુલ્લા’ છે ચમત્કારિક અસર,
જો પડે છે પેટમાં તો મોઢું બંધ થૈ જાય છે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)
‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.
શ્રેષ્ઠતા પર એની શંકાશીલ ન કોઈ મન કરે,
નટ-નટી જે વસ્તુ વાપરવા અનુમોદન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)
મજાનો હોય માણસ, હોય સાલસ, હોય સીધો પણ
જરી એને તમે ટોકો ટપારો એટલે લોચો.
– અમૃત ઘાયલ
પાઘડી પહેર્યા વિના કાં શેઠ નીકળતા નથી?
શેઠને માથેથી માત્રા જાય તો ‘શઠ’ થાય છે!
– રતિલાલ ‘અનિલ’
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,
ઈંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ!
– અદમ ટંકારવી
તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી
ગયા લોક ભૂલી ધરમ ધીમે ધીમે,
પરાયું કરે છે હજમ ધીમે ધીમે.
ઊઠી ગઈ હયા ને શરમ ધીમે ધીમે,
બની રહી છે પત્ની મડમ ધીમે ધીમે.
– ‘સૂફી’ મનુબરી
કામ કરવાનું ગમે ના એમને એથી જ તો,
પેટ ચોળીને પછી આળોટી અમળાયા હશે.
– બાબર બંબુસરી
હૂંફ આવી ક્યાં ફરી મળશે તને?
ટાઢ કેવી છે મજાની, તાપ ને!
– મુલ્લા હથુરણી
ભલા કહેવાય એને શી રીતે સરકારનો નોકર?
કરે ના જો ઉપસ્થિત એ અગર સંજોગ રૂશ્વતનો!
– મુન્શી ધોરાજવી
કરી લૂંટ ભાગી જવાની ફિકર છે,
સમયની ફકત ડાકુઓને કદર છે!
– મુન્શી ધોરાજવી
ખુરશીના ચાર પગને સલામત બનાવવા,
કૈં કેટલા કરોડનું હું પાણી પાઉં છું.
– મનહરલાલ ચોક્સી
પરાઈ મ્હેરબાની પર તમારી આજ માણી લો,
ખચિત કાલે જવાના છો તમે ભંગારમાં ચમચા!
– કરસનદાસ લુહાર ‘ગુંદરમ્’
છે મારો વાંક બસ એક જ કે હું સુરતથી આવ્યો છું,
શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે.
– રઈશ મનીઆર
આજ પૂજા થઈ રહી છે એમની-
જેમના ભૂતકાળ ભાતીગળ હતા!
ચૂંટણી-ટાણે જે ઘેરાયાં હતાં,
એ બધાં તો વાંઝિયાં વાદળ હતાં.
– ‘રાહી’ ઓધારિયા
સાંભળે, બોલે નહીં, પણ બોલવા દયે પત્નીને,
જે પુરુષ પરણ્યો હો એમાં આ ત્રિદોષો હોય છે.
– લલિત વર્મા
‘નંદન’ હસે છે મૂછમાં, મૂછો નથી છતાં,
મૂછાળો હોય તોય શું? ઘરમાં ગુલામ છે!
– ‘નંદન’ અંધારિયા
મરનાર ખુદ કહી ઊઠે કે આ ખૂની નથી,
થાયે છે પેશ એવી સિફતથી દલીલમાં.
– દીનશા દારૂવાલા
ફરી બે હાથ જોડી મંદ હસવાનો સમય આવ્યો,
અને સહુ ઓળખાણો રિન્યુ કરવાનો સમય આવ્યો!
– દીનશા દારૂવાલા
માર આખા શરીરને પડશે,
આંખનો કારભાર છે ભઈલા!
– કિરણસિંહ ચૌહાણ
યાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,
માંકડોની મ્હેરબાની, મચ્છરોની છે કૃપા.
– કિરણસિંહ ચૌહાણ