જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

હાસ્યમેવ જયતે : ૧૫ : તપેલી છે – કલીમ અમરેલ્વી

તમારી વાટમાં ખુલ્લી સદા દિલની હવેલી છે,
પધારો હર્ષથી દિલબર! ન ડેલો છે, ન ડેલી છે !

અજબ મોસમ હવે માનવ જીવન ઉપવનમાં ફેલી છે,
કરમ માંહે છે ધત્તુરો ને ઇચ્છામાં ચમેલી છે !

જગતમાં આજ તો બસ એમને કિસ્મત વરેલી છે,
ઘણા અફસર ને લિડર જેમના જીવનના બેલી છે !

મિલન ટાણે હું આલિંગન કરું શી રીતથી એને,
સનમના ગાલ કોમળ છે ને મુજ દાઢી વધેલી છે !

વિનવણીના મસોતાથી ઉતારું એના ઉભરાને,
અમારી દિલરૂબા આજે તપેલી સમ તપેલી છે !

ચઢી ખુરશી ઉપર ખાવાની આદત કેમ જાળવશું ?
અમારી દાઢ નિવૃત્તિના રોગે હલબલેલી છે !

‘કલીમ’ એથી લગાડું બહારથી ચુનો સદા એને,
બધાને એમ લાગે ઝૂંપડી મારી ચણેલી છે !

– કલીમ અમરેલ્વી

અદભુત હઝલ! ઉત્તમ ગઝલ જે રીતે કવિ પાસે પૂરતી સજ્જતાની અપેક્ષા રાખે છે, કદાચ એથી વધારે સજ્જતા હાસ્યકવિતા માંગે છે. ગંભીર વાતો કરવી આસાન છે, પણ હાસ્યવયંગ્ય નિપજાવવા અતિ કઠીન કાર્ય છે. કલીમ અમરેલ્વીએ પ્રસ્તુત હઝલમાં આ કાર્ય સિદ્ધહસ્ત ગઝલકારોને શરમાવે એવું ઉમદા કવિકર્મ કર્યું છે. મત્લા પણ કેવો માતબર થયો છે. બીજો શેર પણ માનવજીવનની હકીકત અને ઇચ્છા વચ્ચેના વિરોધાભાસ પર ધારદાર વ્યંગ કરે છે. પણ હાંસિલે-હઝલ શેર રો વિનવણીના મસોતાવાળો છે. ગુસ્સે ભરાયેલી દિલરૂબાને મનાવવા વિનવણી કરવાની વાતની રજૂઆત જે કાવ્યાત્મક રીતે થઈ છે, એ ઉત્તમોત્તમ શેરની સમકક્ષ બેસી શકે એવી દમદાર છે. ગુસ્સાના ઉભરાને દૂધના ઉભરા સાથે કવિએ કમાલ સાંકળી લીધો છે, અને ‘તપેલી’ શબ્દમાં જે યમક અલંકાર સિદ્ધ કર્યો છે એ કાબિલે-દાદ છે. આખરી શેરમાં ચૂનો લગાડવાની વાતમાં જે શ્લેષ અલંકાર જન્માવ્યો છે એ પણ શત-હજાર દાદ ઉઘરાવી લે એવો છે.

9 Comments »

  1. Kajal kanjiya said,

    December 14, 2020 @ 3:22 AM

    ખૂબ ખૂબ ખૂબ જ સરસ

  2. ગૌરાંગ ઠાકર said,

    December 14, 2020 @ 4:02 AM

    વાહ વાહ ને વાહ.. ખૂબ જ સરસ હાસ્ય વ્યંગની હઝલ… રચના પૂરેપૂરી શેરિયતની શરતે રજૂ થઈ છે.. કવિને અભિનંદન 👌🌹

  3. kishor Barot said,

    December 14, 2020 @ 9:05 AM

    મોં પર મલકાત લાવી દેતી સુંદર ગઝલ.

  4. Poonam said,

    December 14, 2020 @ 9:18 AM

    જગતમાં આજ તો બસ એમને કિસ્મત વરેલી છે,
    ઘણા અફસર ને લિડર જેમના જીવનના બેલી છે !
    Sa Ras…

  5. Dilip shsh said,

    December 14, 2020 @ 9:36 AM

    ખૂબ જ સરસ….

  6. pragnajuvyas said,

    December 14, 2020 @ 12:01 PM

    અફલાતુન હઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ ન હોત તો માણવાની આવી મજા ન આવત !
    તપેલી શબ્દે– શાળામા ભણાવતા *આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી?* એ
    શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહેવાય અને અહીં *તપેલી* શબ્દ પુનરાવર્તન સાથે કહેવાતુ
    તપેલી(નામ)
    તપેલી(ગરમ) અને
    તપેલી(ગુસ્સે થયેલી).
    તપેલી અંગે ઉખાણુ પુછાતુ ‘તપેલી ઠંડી હોય તો પણ એને “તપેલી” કેમ કહે છે? તો અમે કહેતા તપેલી કહે તે મુર્ખા છે અમે તો હુરટના અને ગાતા અવિનાશનુ કાવ્ય
    તપેલીને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકરર–
    દલપતના હાસ્ય પુસ્તકમા
    લઈ પથરે તપેલીને કટારે , સુણો સહેલિયે ;
    પડ્યાં ફાંકાં તપેલી ફીરે સુણો સહેલિયે .તો
    કવિ પરમાર કહે–
    આગ કરતાંય ભૂખ વસમી છે
    એટલું શાસ્ત્ર એ ભણેલી છે

    જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
    એમ ચૂલા ઉપર ચડેલી છે

    ઠારવાની છે આગ કોઈની
    એ જ કારણથી એ તપેલી છે

    ઠામ ઘસનાર બાઈની સાથે
    રોજ છાનું છૂપું રડેલી છે

    એને ખુદની દિશા જડેલી છે
    એ પરત કાંઠેથી વળેલી છે તો
    કેટલાક નાગરીકોને પ્રશ્ન થયો કે — શું હલેમેટની જગ્યાએ તપેલી પહેરે તો, ટ્રાફિક વિભાગ દંડ વસુલ કરશે કે નહી? અને આ નવતર પ્રકારે વિરોધ નોંધાવાયો હતો. જેમાં હેલ્મેટના બદલે તપેલીઓ પહેરીને સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું.!
    તપેલી બરાબર મુકાઈ ન હોય તો, તેને ઈલેક્ટ્રીકલ કોઈલનો એકાદ જગ્યાએ જ આધાર મળે છે. આથી કો’ક વખત તપેલી મુકતાં જ થરકવા માંડે છે. તેની અંદર ગરમ થતા મીશ્રણમાં પેદા થતા પ્રવાહો કો’ક એવું બળ ઉત્પન્ન કરે છે; જે તેની આ થરકાટ અવીરત ચાલુ ને ચાલુ જ રાખે છે. વીજ્ઞાન અને આને રેઝોનન્સ કહેવાય !

  7. Maheshchandra Naik said,

    December 14, 2020 @ 2:00 PM

    સરસ હાસ્ય હઝલ, આનંદ, આનંદ થઈ ગયો….
    ડો.વિવેકભાઈનો આસ્વાદા પણ એટલો જ મનભાવન…..
    કવિશ્રીને અભિનદન
    આપનો આભાર….

  8. Hiteshkumar 'Tapsvi' said,

    December 14, 2020 @ 7:48 PM

    વાહ ક્યાં બાત હૈ…👍🏻
    બહુત અચ્છી ગઝલ 💐

  9. Dilip Chavda said,

    December 15, 2020 @ 2:17 AM

    મોજ મોજ અને માત્ર મોજ…
    દાઢી વધેલી….
    હા હા હા….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment