પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
– યામિની વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કલીમ અમરેલ્વી

કલીમ અમરેલ્વી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હાસ્યમેવ જયતે : ૧૫ : તપેલી છે – કલીમ અમરેલ્વી

તમારી વાટમાં ખુલ્લી સદા દિલની હવેલી છે,
પધારો હર્ષથી દિલબર! ન ડેલો છે, ન ડેલી છે !

અજબ મોસમ હવે માનવ જીવન ઉપવનમાં ફેલી છે,
કરમ માંહે છે ધત્તુરો ને ઇચ્છામાં ચમેલી છે !

જગતમાં આજ તો બસ એમને કિસ્મત વરેલી છે,
ઘણા અફસર ને લિડર જેમના જીવનના બેલી છે !

મિલન ટાણે હું આલિંગન કરું શી રીતથી એને,
સનમના ગાલ કોમળ છે ને મુજ દાઢી વધેલી છે !

વિનવણીના મસોતાથી ઉતારું એના ઉભરાને,
અમારી દિલરૂબા આજે તપેલી સમ તપેલી છે !

ચઢી ખુરશી ઉપર ખાવાની આદત કેમ જાળવશું ?
અમારી દાઢ નિવૃત્તિના રોગે હલબલેલી છે !

‘કલીમ’ એથી લગાડું બહારથી ચુનો સદા એને,
બધાને એમ લાગે ઝૂંપડી મારી ચણેલી છે !

– કલીમ અમરેલ્વી

અદભુત હઝલ! ઉત્તમ ગઝલ જે રીતે કવિ પાસે પૂરતી સજ્જતાની અપેક્ષા રાખે છે, કદાચ એથી વધારે સજ્જતા હાસ્યકવિતા માંગે છે. ગંભીર વાતો કરવી આસાન છે, પણ હાસ્યવયંગ્ય નિપજાવવા અતિ કઠીન કાર્ય છે. કલીમ અમરેલ્વીએ પ્રસ્તુત હઝલમાં આ કાર્ય સિદ્ધહસ્ત ગઝલકારોને શરમાવે એવું ઉમદા કવિકર્મ કર્યું છે. મત્લા પણ કેવો માતબર થયો છે. બીજો શેર પણ માનવજીવનની હકીકત અને ઇચ્છા વચ્ચેના વિરોધાભાસ પર ધારદાર વ્યંગ કરે છે. પણ હાંસિલે-હઝલ શેર રો વિનવણીના મસોતાવાળો છે. ગુસ્સે ભરાયેલી દિલરૂબાને મનાવવા વિનવણી કરવાની વાતની રજૂઆત જે કાવ્યાત્મક રીતે થઈ છે, એ ઉત્તમોત્તમ શેરની સમકક્ષ બેસી શકે એવી દમદાર છે. ગુસ્સાના ઉભરાને દૂધના ઉભરા સાથે કવિએ કમાલ સાંકળી લીધો છે, અને ‘તપેલી’ શબ્દમાં જે યમક અલંકાર સિદ્ધ કર્યો છે એ કાબિલે-દાદ છે. આખરી શેરમાં ચૂનો લગાડવાની વાતમાં જે શ્લેષ અલંકાર જન્માવ્યો છે એ પણ શત-હજાર દાદ ઉઘરાવી લે એવો છે.

Comments (9)