ઊભો દ્વારે શિશુ ભોળો દયામય મંદિરે, ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઈ દરવાજે ઊભો છું.
મનોજ ખંડેરિયા

હાસ્યમેવ જયતે : ૧૩ : મોંઘવારીનો જગત પર – શેખચલ્લી

મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !

રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !

રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !

અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !

– શેખચલ્લી

કેવી મજાની રચના! વાત ભલે હાસ્ય-વ્યંગ્યની હોય, શેર એકેય ઉતરતો થયો નથી. હાસ્યના નામે આપણે ત્યાં મોટાભાગના કવિઓએ હથોડા જ માર્યા છે એવામાં જનાબ શેખચલ્લીની આ સંઘેડાઉતાર રચના અભ્યાસ માંગી લે છે. બીજો શેર તો જુઓ! વય વધવાની સાથે યૌવન ખીલતું જાય પણ પ્રેમ વૃદ્ધ-અશક્ત-નબળો થતો જાય એ કેવો છબરડો! ત્રીજા શેરનો અનુભવ તો મોદીકાળમાં રોજેરોજ થઈ રહ્યો છે.

5 Comments »

  1. pragnajuvyas said,

    December 12, 2020 @ 12:30 PM

    શેખચલ્લીની ચિંતન માંગતી આ રચનાનો ડૉ વિવેક દ્વારા રસપ્રદ આસ્વાદ
    આ શેખચલ્લીનુ મુળ નામનો ખ્યાલ નથી આવતો,મન્નુ શેખચલ્લી નામે ઘણી રચનાઓ વાંચવા મળે છે.પ્રાથમિક શાળા ના ધોરણ માં શેખચલ્લી નો પાઠ ભણવા માં આવતો, જે માથા ઉપર ઘી નો ઘાડવો મૂકી ને પોતાના ભાવી જીવન ની કલ્પના કરતો ચાલ્યો જતો હતો અને ઘી નો ઘાડવો પડી જાય છે, આવા કલ્પના માં રાચતા વ્યક્તિ ને શેખચલ્લી ની ઉપાધી આપવા નો આપણા માં રીવાજ છે. શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે પણ ઘણી વાર આવી રચના વિચારવમળ કરે છે ! શેખચલ્લીની કાલ્પનિક વૈજ્ઞાનિક વિચારો- અવાજ નું વહન, દૂરદર્શન નું પ્રસારણ, જેવી શોધ પાછળ કોઈ ને કોઈ શેખચલ્લી ગણાતા વ્યક્તિ ની કલ્પના રહેલી હોય છે! હાલ એલિયન્સ જે ડેન્ગ્યું, ચીકનગુનિયા, શીતળા,ઓરી,,સાર્સ ,બર્ડ ફ્લ્યુ ,સ્વાઈન ફ્લુ,,ઝીકા,કોરોના જેવા અનેક જીવાણું દ્વારા આપણા પર આક્રમણ કરે છે અને વેકસીનના ઉત્પાદન દ્વારા ન્યાલ થાય છે!

  2. ધવલ said,

    December 13, 2020 @ 12:44 PM

    રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
    કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

    – સરસ !

  3. લતા હિરાણી said,

    December 15, 2020 @ 12:13 AM

    રચના તો મજાની પણ વિવેકભાઈ, તમે હાસ્ય વ્યંગ્ય કવિતાઓને વીણી વીણીને અમારો ખજાનો ભરી દીધો ! વાહ વાહ

  4. TRIVEDi Vikram said,

    January 8, 2021 @ 11:39 AM

    Congrtulatons and very All the best for your new web.

    You are a very wel Talented poet & Artist.❤️

    This website will Help and Happy lots of Art lovers.🎉🎉🎉☝🏻

  5. જય નાયક said,

    May 13, 2021 @ 3:36 AM

    શેખચલ્લી સાહેબ નું પૂરું નામ નિસાર અહેમદ કે જેઓ કઠોર ગામના વતની હતા. મૂળ તો પેટલાદ ના પણ કઠોર ગામે સ્થાયી થયા હતા. આમતો તેઓ ગુજરાતી ગઝલના પાયાના ગઝલકારોમાંના એક. છેક મુસ્લિમ ગુજરાત સાહિત્ય મંડળ રાંદેર દ્વારા ૧૯૩૦માં યોજાયલા ગુજરાતી ગઝલના પહેલા જાહેર મુશાયરાથી ભાગ લેતા આવેલા. ગુજરાતી કાવ્યમાં તેઓ ફક્ત એકજ હતા કે તેઓની રચના ઉર્દૂના મહાન હઝલકાર અકબર ઈલાહાબાદી ની સમકક્ષ પહોંચી સકે. તેઓ ઉર્દૂ ભાષા ના પણ સારા જાણકાર હતા. સાથેસાથે ગઝલના અરૂઝના પણ સારા જાણકાર હતા. તેઓ સારા વિવેચક પણ હતા. તેમનો ફાળો ગુજરાતી ગઝલમાં ના ભૂલી શકાય તેવો છે.
    તેમનો એકમાત્ર મરણોપરાંત હઝલ સંગ્રહ આવાઝ પબ્લિકેશન એ પોતાના ખર્ચે છપાવી ને બહાર પાડ્યો હતો.
    આવાઝ પબ્લિકેશનએ આવા પાયાના ગઝલકારોના ગણબધા સંગ્રહો બહાર પાડ્યા છે.
    આવાઝ પબ્લિશન ના જે બે સંપાદકો અને પ્રકાશકો છે તેમાં મસ્ત મંગેરા અને જય નાયક એટલેકે હું પોતે તેમાં છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment