ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શેખચલ્લી

શેખચલ્લી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હાસ્યમેવ જયતે : ૧૩ : મોંઘવારીનો જગત પર – શેખચલ્લી

મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !

રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !

રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !

અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !

– શેખચલ્લી

કેવી મજાની રચના! વાત ભલે હાસ્ય-વ્યંગ્યની હોય, શેર એકેય ઉતરતો થયો નથી. હાસ્યના નામે આપણે ત્યાં મોટાભાગના કવિઓએ હથોડા જ માર્યા છે એવામાં જનાબ શેખચલ્લીની આ સંઘેડાઉતાર રચના અભ્યાસ માંગી લે છે. બીજો શેર તો જુઓ! વય વધવાની સાથે યૌવન ખીલતું જાય પણ પ્રેમ વૃદ્ધ-અશક્ત-નબળો થતો જાય એ કેવો છબરડો! ત્રીજા શેરનો અનુભવ તો મોદીકાળમાં રોજેરોજ થઈ રહ્યો છે.

Comments (5)