આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

હાસ્યમેવ જયતે : ૦૫ : (એક ટાલિયાની ટાલની કથા) – ડૉ. શ્યામલ મુન્શી

ટાલિયાની વાત કરું તમને હું સાંભળજો કાન ખોલી વાળવાળા લોકો,
ટાલ એ તો પડવાની ઘટના છે, ભાઈ એને કેમ કરી કઈ રીતે રોકો?

એક વખત એવો ઉગ્યો’તો કે માથા પર જંગલ પથરાયુ’તુ વાળનું
ઝુલ્ફાની ઝાડીમાં ક્યાંયે નિશાન ન્હોતુ એના બે કાન કે કપાળનું

ટાલિયાને વાળ સાથે જબ્બરની પ્રિત હતી- કાંસકાને ખિસ્સામાં રાખતો
શેમ્પુ ને ડ્રાયર ને કાતરની સાથ આખો દિવસ અરીસામાં ગાળતો

ચોળતો એ વાળને કંઈ કેટલીયે વાર અને હળવેથી ગૂંચને નિકાળતો
ઓળતો એ વાળ કંઈ કેટલીયે વાર જુદી જુદી રીતે વાળને એ વાળતો

ટાલિયાને વાળ વિના ચાલે નહી, અરે, એક એક વાળને એ સાચવે
રોજ રોજ વાળ સાથે ઊગતા ને પાંગરતા જુવાનીકાળને એ સાચવે

ટાલિયાના વાળ ઉપર મોહી પડેલો હાથ નમણો, રૂપાળો, મુલાયમ
ટાલિયાને એમ થતું વાળ માટે હાથ અને હાથ માટે વાળ રહે કાયમ

પણ એક દિવસ એવીયે ઘટના બની કે એક નાની તિરાડ પડી વાળમાં
ટાલિયાને સહેજ એમ લાગ્યું ફસાયો હું આખરે આ કાળ કેરી જાળમાં

ગમે તે કારણથી ટાલ થતી રોકવાને ટાલિયાને અજમાવ્યા તુક્કા
એક પછી એક વાળ ખરવા લાગ્યા ને બધી આશાના થૈ ગયા ભુક્કા

ટાલિયો વિચારે કે વિગ જો હું પહેરું તો માથા પર વાળ જેવું લાગે
પણ શેમ્પુ ને ડ્રાયર ને કાતર ને હાથ પેલો અસલનાં વાળ પેલા માંગે

રોજ રોજ ટાલ પછી વધતી ચાલી ને એવી ફેલાઈ ચાર તરફ વાળમાં
કાળુ ભરાવદાર વાળકેરુ જંગલ ને ફરી ગયું લિસ્સા એક ઢાળમાં

એક દિવસ વાળકેરી માયામાં મોહેલો ફૂટડો જવાન એક બાંકો
કાળકેરો હાથ એમ ફર્યો જોતજોતામાં બની ગયો ટાલવાળો કાકો!

કોઈ કહે દરિયામાં ટાપુ દેખાયો ને કોઈ કહે ચાંદ ઊગ્યો આભમાં
ટાલિયો વિચારે કે ટાલ સાથે વર્ષોની કીધી પડોજણ શું લાભમાં?

ટાલિયો વિચારે કે શું છે આ વાળ? અને શું છે થવું વાળ ઉપર વ્હાલ?
શું છે એક હાથનું આ વાળમાં ગુંથાવુ? ને શું છે આ ચકમકતી ટાલ?

ટાલિયાને સમજાયું, વાળ છે ભૂતકાળ ને ટાલ એ હકીકતમાં કાલ છે.
વાળ સાથે રાખી’તી જબ્બરની પ્રિત, હવે એની આ આજે બબાલ છે.

ટાલિયાની વાત કરી તમને મેં એટલે એક નક્કર હકીકતને જાણવા,
પડવાની ટાલ એવું ભૂલી જઈને પછી વાળ ઉગ્યા એને બસ માણવા.

સૂરજની સાથે છે જીવવાનું ભાઈ, આજ જાવાની આવવાની કાલ,
દિવસની સાથ સાથ ઉગવાનાં વાળ અને સાંજ પડે પડવાની ટાલ,

સાંજ પડે બાંકડા પર બેસીને જોવાની વાળ સાથે ફરતી સૌ આજને.
ટાલ ઉપર યાદોની ટોપીઓ પહેરીને કરવી પસાર પછી સાંજને.

– ડૉ. શ્યામલ મુન્શી

વાંચતાવેંત તો એમ જ લાગે કે શ્યામલભાઈનાં અનુભવનો નિચોટ છે આ ટાલમાં… પરંતુ હકીકત તો એ છે કે એમણે તો આ ટાલકથા એમની વાળોનાં જંગલમાં બેસીને લખી હતી. 🙂 આ દીર્ઘ ટાલકથા ટાલિયાઓનાં આખા સમાજને સસ્નેહ અર્પણ… 😀

શ્યામલ મુન્શીનાં કંઠે સાંભળો આ હાસ્ય-કવિતા: વિનોદનાં વૈકુંઠમાં કાર્યક્રમમાં

 

4 Comments »

  1. pragnajuvyas said,

    December 8, 2020 @ 10:01 AM

    ડૉ શ્યામલ મુન્શીનાં કંઠે આ હાસ્ય-કવિતા: વિનોદનાં વૈકુંઠમાં કાર્યક્રમમાં માણી આનંદ
    ટાલ જીવનભર સાથ નિભાવે છે જ્યારે બાલ મરજી મુજબ આવે છે ને જાય છે.એટલે માત્ર ‘ટાલ જ સત્ય છે.બાલ મિથ્યા છે..’ યાદ આવે
    Lapak Jhapak Tu Aa Re Badarwa – David – Boot Polish – Manna Dey – Evergreen Hindi Songs

  2. Dhaval Shah said,

    December 8, 2020 @ 10:07 PM

    નખશીખ ઉત્તમ રચના. ટાલની વાતને કવિ ચિંતનની કક્ષાએ લઇ ગયા છે. ને વળી કવિના મોઢેથી સાંભળવાનો નશો જ અલગ છે.

  3. Maheshchandra Naik said,

    December 8, 2020 @ 10:56 PM

    સરસ હાસ્ય રચના….આભિનદન……..

  4. pragnajuvyas said,

    December 9, 2020 @ 9:48 AM

    જી ,આ ગીતના બોલ
    लपक जपक तू आ रे बदरवा
    सर की खेती सूख रही है
    बरस बरस तू आ रे बदरवा

    झगड़ झगड़ कर पानी ला तू
    अकड़ अकड़ बिजली चमका तू
    तेरे घड़े में पानी नहीं तो
    पनघट से भर ला
    रे बदरवा …

    बन में कोयल कूक उठी है
    सब के मन में हूक उठी है
    भूदल से तू बाल उगा दे
    झट पट तू बरसा
    रे बदरवा …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment