લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
વિવેક મનહર ટેલર

હાસ્યમેવ જયતે : ૦૯ : આત્મપરિચય – જ્યોતીન્દ્ર હ. દવે

‘લયસ્તરો’માં સામાન્ય રીતે કવિતા મૂકીને નીચે એનો આસ્વાદ મુકવાનો રિવાજ છે. આજે એ રિવાજ તોડીને પહેલા પ્રસ્તાવના અહીં ઉપર મુકું છું અને કવિતા પછી આવે છે.

ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ હાસ્ય-કવિતા માટે એક જ કવિતાની પસંદગી કરવાની હોય તો બેશક આ જ કવિતાની પસંદગી કરવી પડે. હાસ્ય-સમ્રાટ જ્યોતીન્દ્ર દવેએ આપેલો પોતાનો છંદોબદ્ધ પરિચય એમની અતિસૂક્ષ્મ વિનોદવૃત્તિની સાક્ષી પુરે છે. ૧૯૪૧ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ આપેલો પોતાનો આ પરિયય એ પોતાની જાતના શાબ્દિક કેરિકેચર સમાન છે.

કવિતા લાંબી છે પણ મોટેથી વાંચતા ખુલે છે. ને વળી છંદ સાથે વાંચો તો વધુ ખુલે છે. કવિ પોતાની ફીરકી ઉતારવામાં કોઈ કસર છોડતા નથી. પોતાના પર હસવું અને એય ગુજરાતી ભાષાનું સર્વોચ્ચ સન્માન સ્વીકારતી વખતે એ બહુ મોટી વાત છે.

[અનુષ્ટુપ]

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય.’
તમારું વાક્ય એ વાંચી મને આશ્ચર્ય ઊપજે.
જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?
જાણે જે જાતને તેયે જણાવે નહિ અન્યને.
તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું મન રાખવા;
જાણું-નાજાણું હું તોયે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને પ્રવૃત્તિએ
શુદ્ર છું; કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી!
શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,
બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેન’ને વર્યો,
ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.
પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે;
પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.
દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,
પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું!
વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,
જાળવવા મથું નિત્યે આર્ય-સંસ્કૃતિ-વારસો.

અરિને મોદ અર્પન્તુ, દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને
વહાલાને અર્પન્તુ ચિંતા, મને પીડા સમર્પતું,
પૃથ્વીયે ખેંચતી જેને બહુ જોર થકી નહિ–
ભારહિણું મને એવું ઈશે શરીર આપિયું,
રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું
એવું શરીર મારું, દવાઓથી ઘડાયેલું!

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે
વિદ્યા ને વેદના બે મેં એક સાથે જ મેળવ્યાં.
મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!
વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યો,
પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યો.
ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,
ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.
વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!

[ઉપજાતિ]
સાહિત્ય સંગીત કલા વિશે મેં
ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.
ગાઉ ન હું કારણ માત્ર તેનું
આવે દયા કૈં સુણનાર કાનની.

કર્યું હતું એક જ વેળ જીવને
અપૂર્વ નૃત્ય વિના પ્રયાસે.
હું એકદા માર્ગ પરે નિરાંતે,
ઉઘાડપાદે ફરતો હતો ત્યાં
અર્ધી બળેલી બીડી કોક મૂ્ર્ખે
ફેંકી હતી તે પર પાદ મૂક્યો.
અને પછી નૃત્ય કરી ઊઠ્યો જે,
તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ!

સાહિત્યની કંટકવાડ ભેદવા
કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,
પાડી છીંડું નાનકું એક ત્યાં હું
ખૂણે ઊભો, કાતર ફેંકી દીધી!

[અનુષ્ટુપ]

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું
આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

[શાર્દૂલ]

નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને
ખેલું ખેલ અનન્ત સાન્ત જગમાં દિક્કાલને કંદુકે.
હું ચૈતન્યચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,
જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.
કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી,
નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તેયે ક્રિયા માહરી.
દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું,
હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

[અનુષ્ટુપ]

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,
મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે!

-જ્યોતીન્દ્ર હ. દવે

9 Comments »

  1. કલ્પના પાઠક said,

    December 10, 2020 @ 5:47 AM

    પૂજ્ય શ્રી જ્યોતીન્દ્ર દવેની કૃતિ લાજવાબ અને ફરી ફરી વાંચવાનો એનો એ જ આનંદ અને હાસ્ય રેલાવનારી મારા માટે સાબિત થઈ છે.
    ખૂબ સુંદર….

  2. Nehal said,

    December 10, 2020 @ 6:29 AM

    વાહ, ખૂબ સરસ. મઝા આવી ગઈ.
    લયસ્તરો ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..

  3. Prahladbhai Prajapati said,

    December 10, 2020 @ 7:47 AM

    સુન્દર

  4. pragnajuvyas said,

    December 10, 2020 @ 10:13 AM

    મા. જ્યોતીન્દ્ર દવે એ ઓછી હાસ્યકવિતાઓ લખેલી છે . જો તે આ ક્ષેત્રમાં પડ્યા હોત તો, તે પણ તેમણે સર કરી નાંખ્યું હોત, તે તેમની આ હાસ્ય કવિતા પરથી જોઇ શકશો.
    અમે નસીબદાર કે હાસ્ય સમ્રાટ મા.જ્યોતિન્દ્ર દવે ના મુખે તેમની આ કૃતિ માણવાનો અવસર મળ્યો હતો. તેમની આ હાસ્ય કવિતાનો ‘હું’ તેમનો નથી પણ સમાજનો ‘હું’ છે.
    તેમનો સિદ્ધિ છે કે તેમને વાચકો અને વિવેચકો બન્નેનો પ્રેમ મળ્યો હતો.
    ડૉ ધવલભાઇને ધન્યવાદ

  5. Maheshchandra Naik said,

    December 10, 2020 @ 12:49 PM

    હાસ્યલેખકની હાસ્યકવિતા પહેલી વાર માણવા મળી,
    આપનો આભાર્…

  6. Pravin Shah said,

    December 10, 2020 @ 2:18 PM

    જ્યોતિન્દ્ર દવે એટલે ગુજરાતિ ભાષાના હાસ્ય્રરસના બેતાજ બાદશાહ !
    તેમણેરચેલી/લખેલી કવિતા પહેલ વાર વાન્ચી.
    મઝા આવી ગઈ !

  7. Neetin Vyas said,

    December 10, 2020 @ 5:55 PM

    ખૂબ સરસ. મઝા આવી ગઈ. લયસ્તરો ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..

  8. Lata Hirani said,

    December 11, 2020 @ 3:59 AM

    વાહ વિવેકભાઈ આ સરસ કામ. મજા આવી.

  9. વિવેક said,

    December 11, 2020 @ 7:19 AM

    ઉત્તમ રચના…

    વૃત્તિ મારી સદા એવી, હોય તે ના ચહે કદી,
    હોય ના તે સદા માગે, મળ્યે માંગ્યુંય ના ગમે!
    – આ બે પંક્તિ તો અદભુત કાવ્યત્ત્વ ધરાવે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment