પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
બિસ્મિલ મન્સૂરી

તો વાત આમ છે – નાઝમ હિકમેત (તુર્કી) (અનુ: નંદિતા મુની)

આગળ વધતા ઉજાસમાં ઊભો છું
ક્ષુધાભર્યા છે હાથ મારા, ને આ સૃષ્ટિ સૌંદર્યભરી.

વૃક્ષો નિહાળીને ધરાતી જ નથી‌ મારી આંખો-
કેટલાં આશાભર્યાં, કેવાં લીલાં!

શેતૂરનાં વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે એક તડકાભર્યો રસ્તો,
ને હું જેલના દવાખાનાની બારીએ છું.

દવાની વાસ નથી આવતી મને-
નક્કી આસપાસમાં ફૂલ ખીલ્યાં હશે.

તો વાત આમ છે:
કોઇ કેદ કરી લે એ વાત મહત્વની નથી,
મહત્વ એ વાતનું છે કે તમે શરણ નથી થયા.

– નાઝમ હિકમેત (તુર્કી) (Turkish: [naːˈzɯm hicˈmet]
(અંગ્રેજી પરથી ગુજ. અનુ: નંદિતા મુની)

*

1938ની સાલમાં તુર્કી આર્મી વોર અકાદમીના વિદ્યાર્થીઓમાં અપપ્રચાર કરવાના આરોપસર કવિને યુદ્ધ અકાદમી અને નૌસેના તરફથી પંદર વત્તા વીસ –એમ કુલ પાંત્રીસ વરસની કેદ કરવામાં આવી હતી. પણ 1950માં ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવ્યા બાદ બુદ્ધિજીવીઓના આંદોલન અને કવિની ભૂખ હડતાળ સામે નમતું મૂકીને કવિને મુક્ત કરવામાં આવ્યા. તેર વરસના આ કારાવાસ દરમિયાન કવિએ જે રચનાઓ કરી હતી, એમાંની આ એક રચના છે.

કારાવાસની અંદર રચાયેલ આ કવિતામાં પહેલી પંક્તિમાં જ કવિએ ઘણું બધું કહી નાંખ્યું છે. શરૂઆત ‘આઇ’થી થાય છે. છત્રીસ વર્ષની વયે પાંત્રીસ વર્ષની કેદ થઈ હોય તોય ‘હું’ અડીખમ રહી શક્યો છે એ કવિના મજબૂત મનોબળની નિશાની છે. બીજો શબ્દ છે ‘સ્ટેન્ડ.’ એય કવિના અણનમ જુસ્સાને અધોરેખિત કરી આપે છે. કવિ આગળ વધતા ઉજાસમાં ઊભા છે. ઊભા છે, તૂટી નથી પડ્યા, મતલબ પ્રકાશની જેમ આગળ વધવાની આશા પણ કવિની જોડાજોડ હજી અણનમ ઊભી છે. કવિ જેલખાનાની બારીએ ઊભા છે અને બહારની ખૂબસૂરત દુનિયા તરફ એમના ભૂખ્યા હાથ લંબાયેલા છે. આ ભૂખ સૃષ્ટિના સૌંદર્યને પામવાની છે, આશાભર્યાં લીલાં વૃક્ષોને આંખોમાં ભરવાની છે. ’કેટલાં આશાભર્યા’ શબ્દપ્રયોગ પણ કવિતાની પાર્શ્વભૂમાં ધ્યાનાર્હ બને છે. જેલના દવાખાનાની બારી જેટલી નાનકડી જગ્યાથી સમગ્ર સૃષ્ટિ સાથે અનુસંધાન અનુભવતા કવિને દવાની વાસ પણ આવતી નથી, બલકે ફૂલોની ખુશબૂ અનુભવાય છે. મતલબ, કારાવાસના અત્યાચારો એમના સુધી પહોંચતા જ નથી, એમને કોઈ અસર કરી શકતા નથી. છેલ્લી બે પંક્તિ તો સૉનેટમાં આવતી ચોટ જેવી બળકટ થઈ છે.

*

It’s This Way

I stand in the advancing light,
my hands hungry, the world beautiful.

My eyes can’t get enough of the trees–
they’re so hopeful, so green.

A sunny road runs through the mulberries,
I’m at the window of the prison infirmary.

I can’t smell the medicines–
carnations must be blooming nearby.

It’s this way:
being captured is beside the point,
the point is not to surrender.

– Nazim Hikmet
(Eng. Trans. by Randy Blasing and Mutlu Konuk (1993))

5 Comments »

  1. સુનીલ શાહ said,

    April 18, 2024 @ 12:25 PM

    ચોટદાર કાવ્ય.. આસ્વાદ પણ ખૂબ સુંદર. અભિનંદન..

  2. Devendra Shah said,

    April 18, 2024 @ 2:09 PM

    પ્રભુ, સરસ પ્રસાદ વાંચી સોક્રેટિસ યાદ આવી ગયા તેમના ઉપર પણ યુવાનો ને બહેકાવાનો આરોપ હતો તથા લોકોને પ્રશ્નો પૂછી સાચી વાત કહેવાનો આરોપ હતો પણ તેઓ તે બંધ કરવાની ના પાડતાં ઝેર ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું ને તેમણે તેમ કર્યું.

  3. પીયૂષ 5 said,

    April 19, 2024 @ 6:14 AM

    લાઘવ સાથે અર્થપૂર્ણ અભિવ્યક્તિ એ કવિતાસાથે માટે ઉત્તમ સૌન્દર્ય. અને અહી ઓછા શબ્દોથી કવિએ અર્થ ગાંભીર્ય સમજણ પૂર્વક સાચવ્યું છે. સર્જકની નીડરતા આ કવિતા માં છેલ્લી બે પંક્તિઓમાં સુપેરે વ્યક્ત થઈ છે. કેદખાનાની દીવાલોની પારનું બારી વિશ્વ કવિ ની આંખ દ્વારા અંતર વિશ્વ સાથે અનુસંધાન જોડી કવિના અવાજને ખુમારી પૂર્વક બળકટ બનાવે.
    ટૂંકા શબ્દો અને ઉત્તમ અભિવ્યક્તિ બુલંદ સ્વરે કાવ્યકીર્તન ખઆરે છે.
    ઉત્તમ કાવ્ય નો સુંદર અનુવાદ અને ધ્યાનાર્હ આસ્વાદ.

  4. પીયૂષ ભટ્ટ said,

    April 19, 2024 @ 6:15 AM

    લાઘવ સાથે અર્થપૂર્ણ અભિવ્યક્તિ એ કવિતાસાથે માટે ઉત્તમ સૌન્દર્ય. અને અહી ઓછા શબ્દોથી કવિએ અર્થ ગાંભીર્ય સમજણ પૂર્વક સાચવ્યું છે. સર્જકની નીડરતા આ કવિતા માં છેલ્લી બે પંક્તિઓમાં સુપેરે વ્યક્ત થઈ છે. કેદખાનાની દીવાલોની પારનું બારી વિશ્વ કવિ ની આંખ દ્વારા અંતર વિશ્વ સાથે અનુસંધાન જોડી કવિના અવાજને ખુમારી પૂર્વક બળકટ બનાવે.
    ટૂંકા શબ્દો અને ઉત્તમ અભિવ્યક્તિ બુલંદ સ્વરે કાવ્યકીર્તન ખઆરે છે.
    ઉત્તમ કાવ્ય નો સુંદર અનુવાદ અને ધ્યાનાર્હ આસ્વાદ.

  5. Ami Yagnik said,

    April 20, 2024 @ 1:11 PM

    કેટલી સચોટ આશા, ઉત્સાહથી જિંદગીની ક્ષણે ક્ષણ કોઈપણ સંજોગોમાં માણવાની વાત !
    આપણને સહુને પણ એવા જ ભાવથી તરબતર કરી દે તેવી. આભાર વિવેક આવી કવિતા સાથે પરિચય કરાવવા બદલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment