હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
તમારી ડાયરીમાં કોરું પાનું છે ?
કિરણ ચૌહાણ

સાંજ – નયન દેસાઈ

આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું,
ઝુંડ એકલતાનું આવી ક્યાંકથી ચાખી ગયું.

બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
કોણ ઉમ્બર ૫ર અધૂરી સાંજ આ નાખી ગયું ?

આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું.

આ ધુમાડો થઈ ગઈ તે સાંજ કે સ્વપ્ન હતું ?
શ્વાસના તળિયે સૂતેલું કો’ક જણ ચોંકી ગયું.

ગંધ – શબ્દો – સ્પર્શ ધુમાડો ધુમાડો થઈ જશે;
વારસાગત આ નગર નિયમ મુજબ સળગી ગયું.

લોક ધુમાડાની સાથે વાત પણ કરતું નથી;
લોક ધુમાડાના ઝાંપે આવીને અટકી ગયું.

હું નદીવત્ હું નદીવત્ મંત્રના ઉદ્ગાર હે !
સપ્તસિંધુનું ફરી મોજું મને ભીંજવી ગયું.

બારણે બાંધેલ પડછાયાનું તોરણ – સળવળ્યું;
બારણે બુઝાયેલું આકાશ કો’ ટાંગી ગયું.

ધૂળથી તે આભમાં સૂરજની છાતી વચ્ચોવચ્ચ;
મંદ પગલે કોઈ આવી સાંજ પ્રગટાવી ગયું.

– નયન દેસાઈ

નયન દેસાઈની રચના વાંચો અને કંઈ સાવ જ અનોખું હાથ ન લાગે તો જ નવાઈ. મૌલિકતાથી છલોછલ આ માણસને ભાષાદેવીએ સામે ચાલીને વરમાળા પહેરાવી હોવી જોઈએ, એ વિના ભાષામાં આવું પોત પ્રકટે ક્યાંથી? ગઝલશાસ્ત્રીઓ આ ગઝલમાંથી કાફિયાદોષ શોધી કાઢશે, પણ ગઝલના દરેકેદરેક શેરમાં કવિએ જે વાતાવરણ બાંધી બતાવ્યું છે એનો કોઈ તોડ ખરો એમની પાસે? ગઝલના એકેય શેર ટિપ્પણીના મહોતાજ નથી. પણ એકેય શેરને ત્રણ-ચાર વાંચ્યા વિના આગળ ન વધવા નમ્ર વિનંતી છે… વાંચો, ફરી વાંચો, મમળાવો અને જુઓ ખરી મજા!

8 Comments »

  1. Bharati gada said,

    April 20, 2024 @ 12:05 PM

    ખૂબ સુંદર લાજવાબ રચના 💐 એમની બધી જ રચનાઓ એક સે બઢકર એક હતી

  2. DILIPKUMAR CHAVDA said,

    April 20, 2024 @ 12:20 PM

    વાહ સાંજ પ્રગટાવી ગયું…
    જોરદાર રચના

  3. Aasifkhan Pathan said,

    April 20, 2024 @ 12:26 PM

    નયનભાઈ તો નયનભાઈ વાહ

  4. શ્વેતા તલાટી said,

    April 20, 2024 @ 12:46 PM

    Vaah .

  5. Vinod Manek said,

    April 20, 2024 @ 2:00 PM

    લાજવાબ ગઝલ… બધાં શેર જોરદાર

  6. Harihar Shukla said,

    April 20, 2024 @ 3:24 PM

    સરસ ગઝલ 👌
    કાફિયા દોષ વાળા ચાર શેર ન રાખીને પાંચ શેરની દોષ મુક્ત ગઝલ કવિ આપી શક્યા હોત .

  7. Dhruti Modi said,

    April 21, 2024 @ 2:37 AM

    વાહ, ખરેખર કંઈક નવું કહેવાની પ્રતિભા નયનભાઈની દરેક રચનામાં જોવા મળે છે !
    આ કાવ્યમાં પણ એ સહજ પ્રતિભા નજરે પડે છે !

    આભની ડાળી ઉપર સૂરજનું ફળ પાકી ગયું !
    ઝૂંડ એકલતાનું ક્યાંકથી આવી ચાખી ગયું !
    વાહ !

    બોલ મારા આ જનમને તે જનમના ભાગિયા;
    કોણ ઉમ્બર પર અધૂરી સાંજ આ નાંખી ગયું !

  8. Poonam said,

    April 30, 2024 @ 12:38 PM

    આજ પાછી યાદની અગ્નિવીણા વાગી ઊઠી;
    સ્વપ્નવત્ હિરણ્યમય આકાશ એક દાઝી ગયું. Waah !
    – નયન દેસાઈ –

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment