તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.
શૂન્ય પાલનપુરી

છાણાં લેવાય નૈ – જયંતી પટેલ

વાડામાં કૂતરી વિયાઈ
.              છાણાં લેવાય નૈ.

ડેલીનો ડાઘિયો હાંફે બજારમાં એમ બેઠી’તી ચૂલાની મોર્ય,
ટાણું છાંડીશ તો તાડૂકશે બાઈજી કહેશે કે ટાંટિયો ઓર્ય,
રૂંવે રૂંવે મને લાગી છે લ્હાય,
.            આવું મ્હેણું તો સ્હેવાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ
.            છાણાં લેવાય નૈ.

પાદરમાં બેઠી છે પંચાયત ગામની કરીએ તો કરીએ શું રાવ?
હું રે ભોળુડી કંઈ બોલું ના બોલું ત્યાં કહેશે કે સાબિતી લાવ,
ઘૂંઘટ ઉપાડું તો ચહેરો દેખાય,
.            અંદરના ડામ કૈં દેખાય નૈ;
વાડામાં કૂતરી વિયાઈ,
.            છાણાં લેવાય નૈ.

– જયંતી પટેલ

સારી કવિતાની એક વિશેષતા એ છે કે સમસ્ત જનસમાજની વેદનાને એકદમ હળવાશથી વાચા આપી શકે છે. હળવીફૂલ લાગતી રચનામાંથી પસાર થઈએ અને કાવ્યાંતે હૃદયમાં કવિતામાં વ્યક્ત થયેલ પીડા ફાંસ બનીને ઘર કરી જાય એમાં જ કવિતાનું સાફલ્ય ગણાય. જુઓ આ રચના –

તાજી વિયાયેલ કૂતરીની નજીક જઈએ તો કરડી ખાય. ચૂલો પેટાવવા માટેનાં છાણાં જ્યાં પડ્યાં છે, એ વાડામાં જ કૂતરીએ બચ્ચાં આપ્યાં છે એટલે છાણાં લેવા જવું શી રીતે? ડેલીનો ડાઘિયો કૂતરો બજારમાં નવરો બેઠો કેવળ હાંફ્યે રાખે એ રીતે વહુરાણી ચૂલા પાસે બેસી રહી છે, પણ રાંધી નહીં સ્ઝકાય તો સારુ તારા ટાંટિયા ચૂલામાં કેમ ન ઓર્યા કહીને તાડૂકશે એ એ ડર એને સતાવી રહ્યો છે. પાદરમાં પંચાયત બેઠી છે એમ કાવ્યનાયિકા આપણને કહે છે ત્યારે પંચાયત શબ્દમાં પંચાતનો રણકો સંભળાયા વિના રહેતો નથી. સાસરીમાં વહુવારુઓને પડતાં દુઃખ નાની અમથી વાતના મિષે કેવી સાહજિકતાથી વ્યક્ત થયાં છે!

7 Comments »

  1. Lata Hirani said,

    April 26, 2024 @ 11:53 AM

    વેદનાની વાત, ગીતમાં..
    સરસ પ્રતીકો

  2. Devendra Shah said,

    April 26, 2024 @ 2:26 PM

    💐💐પ્રભુ, સુપર્બ, આભાર, પ્રણામ.💐💐

  3. Pragna vashi said,

    April 26, 2024 @ 4:58 PM

    ખૂબ સરસ ગીત .
    નાનકડી રચના પણ પ્રતિકો દ્વારા અંતમાં સરસ ચોટ આપી જાય છે.
    લેખકને અભિનંદન.

  4. Dhruti Modi said,

    April 27, 2024 @ 3:19 AM

    વહુ,વરસાદ ને વેધરને કોઈ ‘દિ જશ ના મળે ! એવી સ્થિતિ આ બિચારી, બાપડીની છે !

  5. Harish Darji said,

    April 27, 2024 @ 6:35 AM

    Nice one Sir….

  6. DILIPKUMAR CHAVDA said,

    April 29, 2024 @ 12:24 PM

    વાહ જબરું કલ્પન મોજ મોજ

  7. યોગેશ ગઢવી said,

    April 30, 2024 @ 6:59 PM

    સહજ…, આરપાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment