કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.
જિગર જોષી 'પ્રેમ'

ધબાકો થાય છે – ધૂની માંડલિયા

કોઈ હરણું કયાંક લપસી જાય છે,
ઝાંઝવામાં લ્યો, ધબાકો થાય છે.

ઊઠ તડકા! જા, જરી તું વાત કર,
આંધળાનો જીવ છે, હરખાય છે.

એક સુક્કા નામની પણ જો અસર,
ભીંત પર વાદળ હવે ચિતરાય છે.

હું અનાગત નામનો સંબંધ છું,
એમ જન્મોજન્મથી કહેવાય છે.

એક પડછાયો ઘૂઘવતો ઓરડો,
એક દરિયો રાતભર રેલાય છે.

સૂર્ય! તારા દેશમાં મંદિર ઉપર,
રોજ ઝાકળનો હજી વધ થાય છે.

– ધૂની માંડલિયા

ગઝલમાં આધ્યાત્મ, ચિંતનાત્મક વાતો અને બોધ વગેરેનું ચલણ હાલ એટલું વધી ગયું છે કે ક્યારેક તો શંકા પડે કે ગઝલકારનું પ્રમુખ કામ જ સમાજસુધારણા કે ધર્મોત્થાન તો નથી ને! એવામાં આવી વિશુદ્ધ સૌંદર્યબોધ કરાવતી ગઝલ હાથ લાગે એટલે આનંદ થઈ જાય. મૃગજળના મૃગ અને જળના સંદર્ભો વાપર્યા હોય એવા સેંકડો શેર આપણી ભાષામાં મળી આવશે પણ એ બધામાં પ્રસ્તુત ગઝલનો મત્લા નોખો તરી આવે છે. હરણના લપસી પડવાના દુર્લભ અકસ્માત સમેત ઝાંઝવામાં ધબાકો થવાની આખી વાત કેવળ કવિકલ્પના હોવા છતાં આપણી નજર સમક્ષ ક્ષણાર્ધમાં આખું દૃશ્ય રચાઈ જાય છે. આંધળા માણસના જીવનમાં અંધારપટ સિવાય કશું હોતું નથી, પણ આંખ ઉપર તડકો પડે ત્યારે અંધારું આછું થતું તો એય અનુભવી શકતા હશે. તડકાને ઊઠવાનું આહ્વાન દઈ અંધજન સાથે વાત કરવાનું કહેતો શેર પણ કવિની સૌંદર્યાનુરાગી નજરનો દ્યોતક છે. બધા જ શેર મજાના થયા છે, ખરું ને?

9 Comments »

  1. Aasifkhan Pathan said,

    April 27, 2024 @ 12:09 PM

    વાહ સરસ ગઝલ

  2. સુનીલ શાહ said,

    April 27, 2024 @ 12:17 PM

    ઉમદા રચના

  3. હિમલ પંડ્યા said,

    April 27, 2024 @ 12:42 PM

    ધૂનીસાહેબની ગઝલો એટલે નક્કર સોનું જ.
    મારા જીવનનો સહુથી પહેલો મંચ ૧૯૯૩માં એમની સાથે શેર કરવાનું સદ્ભાગ્ય સાંપડેલું.
    કેવો ઘાટ્ટો અને ઘેરો અવાજ!

    હજુ કાનમાં એ મિસરો ગુંજે છે…🌹♥️
    એક વ્યક્તિ પણ અહીં ટોળું બને, એવું બને;
    ચીંથરું ક્યારેક ઘરચોળું બને, એવું બને.

  4. Pragna vashi said,

    April 27, 2024 @ 5:36 PM

    ખૂબ સરસ રચના
    કવિને અભિનંદન

  5. Varij Luhar said,

    April 27, 2024 @ 7:21 PM

    વાહ.. ખૂબ સરસ ગઝલ

  6. દાન વાઘેલા said,

    April 27, 2024 @ 8:45 PM

    પ્રત્યેક શેર એક દ્રશ્ય કલ્પન ખડું કરી આપે છે. જેમાં સટીક ઝીણું પોત વણાયેલું છે. જે આરપારની આહ્લાદકતા આપતું હોવા છતાં સઘન તો છે જ. એ જ કાવ્યાત્મકતા. ધૂનીની આ મસ્તી જૂની છતાં નવ્ય સર્જનસહ તરોતાજા જ અનુભવાય છે. જે ગમે છે. અભિનંદન.

  7. Dhruti Modi said,

    April 28, 2024 @ 4:10 AM

    ઉચિત પ્રતીકો ,,દરેક શેર જોરદાર , છેલ્લો શે’ર ખૂબ ગમ્યો !

  8. DILIPKUMAR CHAVDA said,

    April 29, 2024 @ 12:22 PM

    સરળ બાનીમાં ઉત્તમ ગઝલ

  9. Poonam said,

    April 30, 2024 @ 12:30 PM

    એક સુક્કા નામની પણ જો અસર,
    ભીંત પર વાદળ હવે ચિતરાય છે… Aahaa !
    – ધૂની માંડલિયા –

    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment