અને નદી વહેતી રહી – રાજેશ્વર વશિષ્ઠ (હિન્દી) (અનુ.: ભગવાન થાવરાણી)
નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..
– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)
એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…
કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.
*
।। और नदी बहती रही ।।
नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।
– राजेश्वर वशिष्ठ
Bhagwan Thavrani said,
December 26, 2024 @ 11:46 AM
ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ !
રાજેશ્વર વશિષ્ઠની મોટા ભાગની કવિતાઓ બેનમૂન હોય છે. એમની અન્ય દસેક કવિતાઓનો તરજુમો કર્યો છે.
હરીન વડોદરીયા said,
December 26, 2024 @ 12:31 PM
આજનો કાવ્યનો આસ્વાદ અને અછાંદસ વિષેની સમજણ, બંને સુંદર!
Dr. Bhuma Vashi said,
December 26, 2024 @ 12:45 PM
સુંદર અછાંદસ.
અનુવાદ અદ્ભૂત…
આસ્વાદ અને વિશેષ ટિપ્પણી માટે અભર…
Dr. Bhuma Vashi said,
December 26, 2024 @ 12:47 PM
સુંદર અછાંદસ.
અનુવાદ અદ્ભૂત…
આસ્વાદ અને વિશેષ ટિપ્પણી માટે આભાર..
Ramesh Maru said,
December 26, 2024 @ 12:55 PM
વાહ…
Rita trivedi said,
December 26, 2024 @ 5:07 PM
આજે તો શ્વાસ ધસમસતી નદી બની ગયાં આ અછાંદસીલીલા નાં રંગે રંગાઈ ને.
ક્યાંય કોઇ નામ નહીં,કોઇ વાદ નહીં,ને શબ્દ ને લસરકે લસરકે એ ઉભી થાય જાતજાત ની મુખમુદ્રા કરે,અંગભંગિઓ રચે,ને નિ:શબ્દોની ને સંતાઇ જાય પછી ની પંક્તિ નાં શબ્દો ની પાછળ., અદ્દભૂત અદ્દભૂત.આભાર લયસ્તરો નો